કેન્દ્રનાં પગલાં નવા ભારતના અર્થતંત્રની આધારશીલાની દૃષ્ટિએ પણ ઊણાં ઊતર્યાં છે

Published: May 19, 2020, 09:09 IST | Sushma B Shah | Mumbai

૨૦ લાખ કરોડ રૂપિયાનું પૅકેજ આત્મનિર્ભરતા માટે નથી, આત્મશ્લાઘા માટે છે : પૅકેજથી આર્થિક વિકાસદર વધવાની લેશમાત્ર આશા રાખવી નહીં : કોરોનાની કટોકટીના મહાવિક્ષેપની ખોરવાઈ ગયેલી માગ પાછી લાવવા અસમર્થ છે આ પૅકેજ

ભારતીય અર્થતંત્ર
ભારતીય અર્થતંત્ર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સ્વાવલંબી, આત્મનિર્ભર બનાવવા માટે ૧૨ મેએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભ (અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ) હશે એવો નિર્દેશ તેમણે આપ્યો હતો. ભારતનું અર્થતંત્ર સામાન્ય રીતે ઉત્તરોત્તર નહીં, પણ મોટી છલાંગ લગાવશે. આધુનિક ભારતની ઓળખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, ૨૧મી સદીની ઇચ્છાઓ પરિપૂર્ણ કરે એવી સિસ્ટમ હશે, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી હશે અને માગ (ડિમાન્ડ)ની સમગ્ર વૅલ્યુ-ચેઇન દેશની આંતરિક જરૂરિયાત પૂર્ણ કરશે એવું પણ જણાવ્યું હતું.

પાંચ દિવસ સુધી રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશ સમક્ષ આ પૅકેજની તબક્કાવાર જાહેરાત કરી અને આ પાંચ સ્તંભની દૃષ્ટિએ દેશ સામે આવી પડેલી કટોકટીને અવસરમાં પલટી શકે એવા આત્મનિર્ભર ભારતને મહેચ્છાઓ પૂર્ણ કરવા માટેનું પૅકેજ જાહેર કર્યું. હકીકતમાં આ  પૅકેજ વડા પ્રધાનને આપેલી આધારશીલાની દૃષ્ટિએ કે પછી લૅન્ડ, લેબર, લિક્વિડિટી, સિસ્ટમ અને લૉના કેન્દ્રબિંદુની દૃષ્ટિએ સદંતર નિષ્ફળ રહ્યું છે. આ પૅકેજની નિષ્ફળતા દર્શાવે છે કે કેન્દ્ર સરકારની વિચારધારા અને લોકો, ઉદ્યોગપતિઓ, ક્ષેત્રના અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓની અપેક્ષા વચ્ચે બહુ મોટો ભેદ છે. સરકાર આ ભેદ પારખવામાં અસફળ થઈ છે.

પૅકેજના કેન્દ્રબિંદુ ઃ લૅન્ડ, લેબર, લિક્વિડિટી ઍન્ડ લૉને ફૅક્ટર્સ ઑફ પ્રોડક્શન કે ઉત્પાદનનાં પરિબળો કહેવાય. આ પૅકેજની છણાવટ એટલે જે-જે કેન્દ્રબિંદુ અને આધારશીલાઓ વડા પ્રધાને જાહેર કરી હતી એના દૃષ્ટિકોણથી જ કરવામાં આવી છે.

કાયદાઓમાં સુધારા

જ્યાં સુધી કાયદાની વાત છે ત્યાં સુધી એમાં સુધારણા માટે મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી છે. ચોક્કસપણે આ દિશામાં પૅકેજને પૂરતા માર્ક આપવા પડશે. કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુ ધારો, કૃષિ પેદાશોને ખેતરથી કિચન સુધીની સફર સંબંધિત કાયદા બદલવા મોટી જાહેરાત કરી છે. સ્પેસ હોય કે જાહેર ક્ષેત્રનાં સાહસો, કોલ માઇ‌નિંગ હોય કે અન્ય મિનરલ્સ દરેક મોરચે જાહેરાત થઈ છે. ખાનગી રોકાણ, ખાનગી મૂડી આવે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. એવી જ રીતે કોરોનાની સ્થિતિને કારણે બંધ પડેલા ઉદ્યોગો અને વેપાર જ્યારે નાણાં પાછાં નહીં કરી શકે તો તેમના પર નાદારીની કાર્યવાહી કરવી શક્ય હતી એટલે એ કાયદાને એક વર્ષ માટે સ્થગિત કરીને મોટી રાહત આપી છે.વીજળીના વિતરણમાં ગ્રાહકને કેન્દ્રમાં રાખીને નવી ટૅરિફ-પૉલિસી પણ જાહેર થવાની છે. કૉર્પોરેટ ક્ષેત્રમાં ડરનો માહોલ હતો એ હળવો કરવા કંપનીઝ ઍક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે.

જોકે આમાંના બધા જ નિર્ણયો (સ્પેસ ટેક્નૉલૉજીને બાદ કરતાં) એક યા બીજી રીતે ચર્ચામાં હતા. કેટલાક કાયદાઓ સંસદમાં પસાર થઈ ગયા હતા, તો કેટલાક સંસદમાં ચર્ચા હેઠળ છે, કેટલાકમાં નીમેલી કમિટીએ સૂચનો આપ્યાં હતાં, પણ સરકારે કોઈ પગલાં લીધાં હતાં નહીં એટલે કોઈ ક્રાન્તિકારી પગલું જાહેર નથી થયું. હવે કાયદાકીય સુધારણા જાહેર થઈ છે. વટહુકમ કે સંસદમાં આ કાયદા પસાર થાય, એનો અમલ જાહેર થાય ત્યાર પછી કે લાંબા ગાળે ફાયદો થશે. વર્તમાન કટોકટીમાં નહીં એ સમજવું જરૂરી છે.

લેબરને રાહત

લેબર ક્ષેત્રે બે જાહેરાતો મહત્ત્વની છે. લેબર કાયદાઓમાં સુધારણા જૂની વાત છે, સંસદની સ્ટૅન્ડિંગ કમિટી એના પર ચર્ચા કરી રહી છે એટલે એના વિશે કોઈ વાત કરવી નથી. જ્યારે અમલમાં આવે ત્યારે એ પણ આવકાર્ય છે.  જીએસટીની જેમ, લેબર કોડ પણ સુધારાવાદી અર્થશાસ્ત્રીઓ માટે એ એક જંગી ઇકૉનૉમિક રિફૉર્મ હશે.

બીજી જાહેરાત છે કે શ્રમિકોને કેન્દ્ર સરકાર હવે મનરેગા હેઠળ મજૂર તરીકે આવરી લેવાની છે. એનો મતલબ એવો થયો કે પોતાના ગામમાં જ રોજગારી મળવાની હોવાથી તે શહેરમાં પાછો નહીં આવે અને એને કારણે શ્રમિકોની મોટી ખોટ સર્જાઈ શકે એવી સ્થિતિ ઊભી થશે. બીજું, જેમ એક સમયે ખેતીમાં મજૂરીના ભાવ વધ્યા હતા, દનિયું વધ્યું હતું એમ હવે ઉદ્યોગો, બાંધકામ, સર્વિસ ક્ષેત્રે પણ થઈ શકે એવી પૂરતી શક્યતા છે.

જમીન વિશે મૌન

લૅન્ડ કે જમીન સંદર્ભે કેન્દ્ર સરકારે માત્ર એક જ જાહેરાત કરી છે. લોકોને એવી આશા હતી કે સરકાર ઉદ્યોગો માટે જમીન હસ્તગત કરવાના એક જૂના, પણ વિરોધ પક્ષ (કૉન્ગ્રેસ વાંચો)ને કારણે ફેંકી દેવાયેલા કાયદાને પુનઃ જીવિત કરશે. એને બદલે કેન્દ્ર સરકારે ઔદ્યોગિક વસાહતો, સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન અને અન્ય ઉદ્યોગોની વસાહતમાં ફાજલ પડેલી જમીન કેટલી છે એના પર એક પૉર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આવા ૩૩૭૬ વર્તમાન પાર્કમાં પાંચ લાખ હેક્ટર ખાલી જમીન પર રોકાણ આવે અને રોકાણ સરળ બને એ માટે વસાહતોના રૅન્કિંગ્સની વાત કરી છે એટલે એમાં પણ કોઈ મોટી ક્રાન્તિકારી પહેલ નથી.

લિક્વિડિટી રિઝર્વ બૅન્ક આધારિત, સરકારની તિજોરી ખાલી

લિક્વિડિટી કે નાણાપ્રવાહિતા વિશે રિઝર્વ બૅન્કે અલગ-અલગ જાહેરાતો પહેલાં કરી હતી એટલે એની ચર્ચા કરવી જરૂરી નથી, પણ એના વિશે થોડી ટિપ્પણી ચોક્કસ આવશ્યક છે. રિઝર્વ બૅન્ક નાણાપ્રવાહિતા અને હળવા વ્યાજદરથી લિક્વિડિટી વધારી કે ઘટાડી શકે છે. એમ, સરકાર કરવેરા ઘટાડી કે વધારી, લોકોને હાથમાં વધુ પૈસા ફાળવી, ઉદ્યોગો કે વેપારીઓને રાહત આપીને લિક્વિડિટીમાં યોગદાન આપી શકે.

કેન્દ્રના ૨૦ લાખ કરોડ રૂપિયાના પૅકેજમાં સૌથી મોટો હિસ્સો રિઝર્વ બૅન્કે છૂટી કરેલી લિક્વિડિટીનો છે અને એમાં બૅન્કિંગ ક્ષેત્ર સરકારની સ્કીમ અનુસાર (કિસન ક્રેડિટ કાર્ડ કે લઘુ એકમોને) જે લોન આપશે એમાંથી આવવાનો છે. આ હિસ્સો કુલ પૅકેજના ૬૯.૨ ટકા છે. કુલ ૧૪.૫૧ લાખ કરોડ રૂપિયા લિક્વિડિટી થકી આવશે જેમાંથી રિઝર્વ બૅન્કના પગલાથી ૮.૦૧ લાખ કરોડ રૂપિયા અને બૅન્કિંગ સિસ્ટમમાંથી ધિરાણપેટે ૬.૫૦ લાખ કરોડ રૂપિયા આવવાના છે.

કેન્દ્ર સરકારની બજેટની હાલત ડામાડોળ છે. દેશની નાણાખાધ જુલાઈ ૨૦૧૯ના બજેટમાં ૩.૩ ટકા અંદાજવામાં આવી હતી, પણ અર્થતંત્રમાં ઢીલાશ, ગતિ મંદ પડી રહી હોવાથી કરની આવક ઘટતાં એ સુધારીને ૩.૮ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં જ કોરોના ત્રાટકતાં આ ખાધ વધશે એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં નાણાખાધ જીડીપીના ૩.૫ ટકા રહે એવો અંદાજ બજેટમાં મૂકવામાં આવ્યો હતો.

હવે એપ્રિલ અને મે મહિનો લૉકડાઉનનને કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો છે. લગભગ ૭૦ ટકા આર્થિક પ્રવૃત્તિ બંધ છે એટલે કરની આવકને મોટો ફટકો પડવાનો છે, એટલે જ સરકારે આગ લાગે એ પહેલાં પોતાનું માર્કેટ બોરોઇંગ વધારવાની જાહેરાત કરી છે. આ ૪.૨૦ લાખ કરોડ રૂપિયાના વધારાના બોરોઇંગ (કુલ ૧૨ લાખ કરોડ) અને હજી ઝળૂંબી રહેલા કોરોનાના જોખમને કારણે બજેટખાધ ૫.૫ ટકા રહેશે.

આ સ્થિતિમાં સરકાર પાસે નાણાપ્રવાહિતા નથી. સરકારની પોતાની લિક્વિડિટી ખતમ થઈ રહી છે. ડિસેમ્બર મહિનાથી રાજ્ય સરકારોને જીએસટીનું નુકસાનભરપાઈ કરવા માટે બંધારણીય જોગવાઈ હોવા છતાં સરકારે એ ચૂકવ્યા નથી. એટલે સરકાર પોતે લિક્વિડિટી ક્યાંથી કાઢે? સરકાર પાસે નાણાં જ નથી એટલે આ પૅકેજમાં એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે જ કુલ જાહેરાતના માત્ર ૧૨.૮ ટકા કે ૨,૬૯,૪૫૦ કરોડ રૂપિયાની રકમ કેન્દ્રના ખિસ્સામાંથી જશે. એમાં પણ લગભગ ૮૦ ટકા રકમ ગરીબો, મજૂરો, વિધવાઓ અને નબળા વર્ગ માટે છે જેથી લૉકડાઉનમાં તેમનો જઠરાગ્નિ ઠરે. એનાથી માગ વધે એવો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી.

પૅકેજના આધારસ્તંભઃ ઇકૉનૉમી, ઇન્ફ્રા, સિસ્ટમ, ડિમાન્ડ અને ડેમોગ્રાફી

અર્થશાસ્ત્ર એટલે રિસોર્સ (ઉપલબ્ધ સ્રોત)નું સમાજમાં વિતરણ કરવાનું વિજ્ઞાન છે. આ સાથ તે કોના માટે ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કોણ ઉત્પાદન કરશે, કેવી રીતે ઉત્પાદન કરશે (ટેક્નૉલૉજી, મશીન વગેરે) અને એનો ભાવ કેવો રહેવો જોઈએ જેથી રોજગારી મળે, નફાશક્તિ વધે, સ્રોતની જાળવણી થાય અને એમાં શક્ય હોય તો વૃદ્ધિ પણ થાય એ જરૂરી છે. અર્થ એટલે નાણાં કે પૈસા અને આ એનું શાસ્ત્ર છે એમ પણ કહી શકાય.

માગ અને પુરવઠો (ડિમાન્ડ અને સપ્લાય) અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંત છે. માગ તો જ હોય, જો લોકો પાસે એ ચીજની જરૂરિયાત હોય, એને ખરીદવા નાણાં (ખરીદશક્તિ) હોય, નાણાંનો સ્રોત રોજગારી કે ધંધા થકી સતત આવતો રહેતો હોય. સામે પુરવઠો એવી ચીજ છે કે જો માગ હોય તો જ વસ્તુનું ઉત્પાદન થાય અથવા તો આ ચીજના ઉપયોગ કે ઉપભોગથી વ્યક્તિને ફાયદો થશે, એકમ સધ્ધર બનશે, સમાજમાં પ્રતિષ્ઠા મળશે એવી ધારણાના આધારે માગ ઊભી પણ કરી શકાય.

માગ માટે પણ પૈસા જોઈએ અને ઉત્પાદન કે પુરવઠા માટે પણ પૈસા જોઈએ. દેશમાં આર્થિક ગતિવિધિઓ સપ્ટેમ્બર ૨૦૧૮થી સતત નબળી પડી રહી છે, માગ ઓછી હોવાથી ઉત્પાદકોએ ભાવ અને નફાશક્તિ જાળવી રાખવા માટે પોતાની ક્ષમતા પણ ઘટાડી નાખી હતી. કૉર્પોરેટ ટૅક્સના ઘટાડા પછી ફરી એ બેઠું થઈ રહ્યું હોવાનાં ચિહ્‍નો મળતાં, રિઝર્વ બૅન્કે સતત પાંચ વખત વ્યાજદર ઘટાડી નાણું સસ્તું કર્યું હોવાથી, ઉપલબ્ધિ સરળ હોવાથી માગ ફરી ધીમે-ધીમે પણ બેઠી થઈ રહી હતી. ત્યાં જ કોરોના વાઇરસની મહામારી ત્રાટકી હતી.

એક તરફ લોકોને ઘરમાં બંધ કરવામાં આવ્યા એટલે માગ ઘટી. બીજી તરફ ઉત્પાદકોનું ઉત્પાદન બંધ થયું એટલે પુરવઠો પણ બંધ થયો. ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું હોવાથી તેમણે ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓ, કામદારોને છૂટા કર્યા, કોઈકે પગાર કાપ્યા અને એનાથી ખરીદશક્તિ પર માઠી અસર પડી છે. બજાર બંધ છે એટલે જેની પાસે ખરીદશક્તિ છે એ પણ બજારમાં નથી એટલે ઉત્પાદકને પુરવઠો વધારવામાં કોઈ ફાયદો દેખાતો નથી એટલે ઉદ્યોગો ચાલુ હોવા છતાં બહુ ચહલપહલ જણાતી નથી.

કેન્દ્ર સરકારની જે જાહેરાતો છે એ ઉત્પાદન વધારવા માટેની છે. કેન્દ્ર સરકારની સમજ (આજે અને અગાઉ ૨૦૧૯માં પણ) સપ્લાય સાઇડ તરફ નમેલી છે. એ વાત પર ધ્યાન જ નથી કે માગ ક્યાંથી આવશે?

માગ વધે એવાં પગલાંની ગેરહાજરીથી પૅકેજ દિશાવિહીન

લૉકડાઉનને કારણે રોજગારીનું સર્જન કરતાં, આવકનાં સાધનોનું ઉપાર્જન કરતાં દુકાનો, શૉપિંગ મૉલ્સ, ટ્રાન્સપોર્ટ, એવિયેશન, રેલવે, ટૅક્સી સર્વિસ, રેસ્ટોરાં, સિનેમા હૉલ્સ, આવશ્યક ચીજો સિવાય સાબુ, સોડા, કપડાં, કૉસ્મેટિકસ, ટીવી, ફ્રિજ, એસી વેગેરે વેચતી દુકાનો બંધ છે. આ કન્ઝ્યુમર માર્કેટનો હિસ્સો છે અને એમાં માગ હોય નહીં તો ઉત્પાદન કોણ કરે? કોના માટે કરે? ક્યાં વેચે? એકલા રીટેલ ક્ષેત્રને આ ૫૪ દિવસમાં ૭.૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જે માગ લૉકડાઉનમાં ધોવાઈ ગઈ છે, પાછી નથી આવવાની એના નુકસાની કોઈ વાત કરી નથી. એટલે મોદીજીનાં આ પગલાં ડેમોગ્રાફી (જેમાં બેરોજગારી, યુવા ધનની ઉત્પાદકતા આવી જાય) અને માગ (ડિમાન્ડ) વિશે મૌન છે.

સપ્લાય સાઇડ પગલાથી જ્યારે નવું રોકાણ આવે, નવો મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ લાગે તો એને લગતી માગ વધી શકે છે, પણ કોરોના વાઇરસને કારણે ૫૪ દિવસના લૉકડાઉન (જે હવે ૬૮ દિવસનું થશે)થી બજારો બંધ છે, ઉત્પાદન બંધ છે, વેચાણ બંધ છે અને એને કારણે લોકોને આવક (ખરીદશક્તિ) પર જે ફટકો પડ્યો છે એના પર કોઈ પગલાં લેવાયાં નથી. સરકારે બેરોજગારી વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.

કેન્દ્રવર્તી વિચાર અને લેવામાં આવેલાં પગલાં બન્ને વિપરીત દિશામાં છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ તો જ શક્ય બને કે પહેલાં સમસ્યા હોવાનો કે સમસ્યાની મોજૂદગીનો સ્વીકાર થાય. અહીં તો વાત કટોકટીને અવસરમાં બદલવાની થઈ છે. બીજું, સરકાર એવું માનતી જ નથી કે લોકોની આવક ઘટી છે, ઘટી રહી છે અને એની માગ પર અસર થવાની છે. સરકાર એમ જ માને છે કે ગરીબ, ખેડૂત અને મહિલાઓને થોડી રકમ ટ્રાન્સફર કરી દેવાથી માગ બજારમાં પાછી આવશે.

સરકાર એવી ધારણા સાથે ચાલી રહી છે જાણે કોરોના ખતમ થઈ જશે, વિશ્વ ફરી પહેલાં જેવું થઈ જશે અને લૉકડાઉન ઊઠતાંની સાથે જ બધું રાબેતા મુજબ થઈ જશે એટલે આર્થિક વિકાસ આપોઆપ થવા માંડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK