ભારતી ઇન્ફ્રાટેલનું આઇપીઓ દ્વારા ૪૦૦૦ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય

Published: 25th November, 2012 05:08 IST

સેલ્યુલર ફોનકંપની ભારતી ઍરટેલની ટાવર પેટાકંપની ભારતી ઇન્ફ્રાટેલ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં એની ઇનિશ્યલ પબ્લિક ઑફર (આઇપીઓ)ને લૉન્ચ કરવાનું આયોજન કરી રહી છે અને ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે.

પોતાનું નામ ન જણાવવાની શરતે એક ઇન્વેસ્ટમેન્ટ બૅન્કરે કહ્યું હતું કે ‘કંપનીને સેબીનું અંતિમ નિરીક્ષણ મળી ગયું છે તથા ઍન્કર ઇન્વેસ્ટર્સ માટે ૧૦ ડિસેમ્બરે બુક ઓપન કરવા આગળ વધી રહ્યા છે. એ પછીના દિવસે ઑફર પબ્લિક માટે ખૂલશે. સેબીએ ઑફરને ઔપચારિક મંજૂરી આપી નથી. જોકે એણે પોતાનું નિરીક્ષણ આપ્યું છે, જેને ઇશ્યુના બૅન્કર્સે પ્રતિક્રિયા આપવાની છે.’

જો આ ઇશ્યુ સફળ રહેશે તો એ કોલ ઇન્ડિયા પછીનો મોટો પબ્લિક ઇશ્યુ બનશે. કોલ ઇન્ડિયાએ ઑક્ટોબર ૨૦૧૦માં ૧૫,૨૦૦ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. ત્યાર પછી ભારતનું આઇપીઓ માર્કેટ થીજી ગયું છે. આઇપીઓમાં કિંમત શૅરદીઠ ૨૧૦થી ૨૩૦ રૂપિયા રહેવાની શક્યતા છે જે રોકાણકારોના જૂથે ડિસેમ્બર ૨૦૦૭માં કંપનીમાં હિસ્સાની ખરીદી માટે કરેલી ચુકવણીની સમકક્ષ છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય એક બૅન્કરે કહ્યું હતું કે ‘અંતિમ પ્રાઇસ-બૅન્ડ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. જોકે વિદેશમાં કરવામાં આવેલા રોડ-શોની પ્રતિક્રિયામાંથી આઇપીઓની કિંમત શૅરદીઠ ૨૩૦ રૂપિયાની અંદર રહેવાની શક્યતા છે.’

ભારતીના પ્રવક્તાએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂચિત ઇશ્યુ ૧૦ વર્ષના ગાળા પછી ભારતી જૂથના મૂડીબજારમાં પુન: પ્રવેશનો સાક્ષી બનશે. આ ઇશ્યુમાં ૧૮.૮૯ કરોડ શૅરનો સમાવેશ છે, જેમાં ભારતી ઇન્ફ્રાટેલ દ્વારા ૧૪.૬૨૩ કરોડ નવા શૅરના ઇશ્યુનો સમાવેશ છે તથા ટેમાસેક હોલ્ડિંગ, ગોલ્ડમૅન સાક્સ, એનાડાલે તથા નોમુરા નામની ચાર પ્રાઇવેટ ઇક્વિટી ફમ્ર્સ દ્વારા ૪.૨૬૭ કરોડ શૅરના સેકન્ડરી વેચાણનો સમાવેશ છે. એના પરિણામે શૅરની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થશે.

આઇપીઓ પછી ટાવર કંપનીમાં ભારતી ઍરટેલનો હિસ્સો હાલના ૮૬.૦૯ ટકાના સ્તરથી ઘટીને ૭૯.૪૨ ટકા પર આવી જશે, જ્યારે પીઈ કંપનીઓનો હિસ્સો ૧૩.૯૧ ટકાના હાલના સ્તરથી ઘટીને ૧૦.૫૮ ટકા થશે. ભારતીય ઇન્ફ્રાટેલ ૩૩,૬૬૦ મોબાઇલ ફોન ટાવરની માલિકી ધરાવે છે. ઉપરાંત વિશ્વની સૌથી મોટી ટાવર કંપની ઇન્ડસ ટાવરમાં ૪૨ ટકા હિસ્સો પણ ધરાવે છે. ભારતીએ ૧૪ નવેમ્બરે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસનું ફાઇલિંગ કર્યું ત્યારથી અત્યાર સુધી ભારતી ઍરટેલના શૅરમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતી ઇન્ફ્રાટેલે  ૯૫૧૧ કરોડ રૂપિયાના ટર્નઓવર વચ્ચે ૬૮૭ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK