રેવન્યુ ડિપાર્ટમેન્ટે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ‘પિટિશનર’નો સપ્લાયર અસ્તિત્વમાં નથી અને તેની જીએસટી નોંધણી ‘પિટિશનર’ સાથે વ્યવહારની તારીખને આવરી લેતી તારીખથી પાછળની તારીખથી રદ કરવામાં આવી હતી
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મુદ્દો
જ્યાં સપ્લાયર અસ્તિત્વમાં ન હોય અને આવા સપ્લાયરનું રજિસ્ટ્રેશન અરજદાર સાથે થયેલા વ્યવહારની તારીખને આવરી લેતી તારીખ પહેલાંથી રેટ્રોસ્પેક્ટિવ રીતે રદ કરવામાં આવ્યું હોય એવા કિસ્સામાં શું અરજદારને આઇટીસીનો લાભ લેવાની મંજૂરી આપવામાં આવશે?
કેસની વિગતો
ADVERTISEMENT
મેસર્સ ગાર્ગો ટ્રેડર્સ અરજદાર (‘પિટિશનર’) એ નોંધાયેલ કરપાત્ર વ્યક્તિ છે, જેમણે નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯માં ગ્લોબલ બિટ્યુમૅન (‘ધ સપ્લાયર’) દ્વારા ૧૧,૩૧,૫૧૩ રૂપિયાની કિંમતના કરેલા સપ્લાય અને મેસર્સ ઇન્ટરનૅશનલ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (‘ટ્રાન્સપોર્ટર’) દ્વારા આપવામાં આવેલી ૧,૭૩,૦૭૩ રૂપિયાની ડેબિટ નોટને આધારે કુલ ૧૩,૦૪,૫૮૬ રૂપિયાનો ઇન્પુટ ટૅક્સ ક્રેડિટનો દાવો કર્યો હતો.
રેવન્યુ ડિપાર્ટમેન્ટે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ‘પિટિશનર’નો સપ્લાયર અસ્તિત્વમાં નથી અને તેની જીએસટી નોંધણી ‘પિટિશનર’ સાથે વ્યવહારની તારીખને આવરી લેતી તારીખથી પાછળની તારીખથી રદ કરવામાં આવી હતી. વધુમાં ‘પિટિશનર’ પર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે ‘પિટિશનરે’ આવા સપ્લાયર સાથે કોઈ વ્યવહાર કરતાં પહેલાં તે સપ્લાયર જીએસટી હેઠળ નોંધાયેલ છે કે નહીં એની કોઈ ચોકસાઈ કરી નથી. સપ્લાયર પાસેથી ખરીદી પર આઇટીસીનો લાભ અરજદારને આપવાનો ઇનકાર કરતો એક ઑર્ડર (‘ઇમ્પ્યુન ઑર્ડર’) રેવન્યુ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો. ઉપરાંત સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ ઍક્ટ, ૨૦૧૭ (‘સીજીએસટી ઍક્ટ’)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ અરજદાર પર વ્યાજ સાથે દંડ પણ લાધ્યો.
આવા ઇમ્પ્યુન ઑર્ડરથી વ્યથિત થયેલા અરજદારે હાઈ કોર્ટ સમક્ષ રિટ ફાઇલ કરી હતી.
રેવન્યુ ડિપાર્ટમેન્ટે કરેલા આરોપનું ખંડન કરવા માટે અરજદારે ૧૨ નવેમ્બર, ૨૦૧૮ની તારીખના બધા જ સંબંધિત દસ્તાવેજો જેવા કે ટૅક્સ ઇન્વૉઇસ કમ ચલાન, ડેબિટ નોટ, ઈ-વે બિલ, ટ્રાન્સપોર્ટ બિલ અને બૅન્ક સ્ટેટમેન્ટ સાથે અરજદારે એક પૂરક ઍફિડેવિટ ફાઇલ કર્યું.
ત્યારે ફરીથી રેવન્યુ ડિપાર્ટમેન્ટે દલીલ કરી હતી કે અરજદારે ૧૨ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સપ્લાયર સાથે વ્યવહાર કર્યો હતો, પરંતુ સપ્લાયરનું જીએસટી રજિસ્ટ્રેશન ૧૩ ઑક્ટોબર, ૨૦૧૮ની તારીખથી જ રદબાતલ કરવામાં આવ્યું હતું. એથી રેવન્યુ ડિપાર્ટમેન્ટે અરજદારે સપ્લાયર સાથે કરેલા વ્યવહારને અમાન્ય ઠરાવ્યો હતો અને ઉમેર્યું હતું કે આ કારણથી અરજદારે કરેલું રીફન્ડનું ક્લેમ અસ્વીકાર્ય છે.
કોર્ટની કાર્યવાહી
• કોર્ટે અવલોકન કર્યું કે વ્યવહાર કરતી વખતે સપ્લાયરનું નામ સરકારી રેકૉર્ડ પર ઉપલબ્ધ હતું અને અરજદારે બૅન્ક દ્વારા સપ્લાયરને ટૅક્સની સાથે રકમ ચૂકવી દીધી છે.
• કોર્ટે એમ પણ જણાવ્યું કે સપ્લાયરનું રજિસ્ટ્રેશન રેટ્રોસ્પેક્ટિવ રીતે રદ થયું. ફક્ત એ જ આધારે રેવન્યુ ડિપાર્ટમેન્ટે અરજદારના દાવાને નકારી કાઢ્યો હતો. રેવન્યુ ડિપાર્ટમેન્ટે અરજદાર દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોને ધ્યાનમાં લીધા વગર જ આ પગલું ભર્યું હતું. અરજદારના આ દસ્તાવેજો દર્શાવે છે કે સપ્લાયર સાથે વ્યવહાર કરતાં પહેલાં અરજદાર તરફથી કાયદા હેઠળના નિયમનનું પાલન કરવામાં અરજદાર દ્વારા કોઈ કચાશ રાખવામાં આવી નહોતી.
મેસર્સ ગાર્ગો ટ્રેડર્સ વિરુદ્ધ જૉઇન્ટ કમિશનર કમર્શિયલ ટૅક્સિસ (સ્ટેટ ટૅક્સ) અને અન્ય – ૨૦૨૩(૬) ટીએમઆઈ ૫૩૩ - કલકત્તા હાઈ કોર્ટે એસેસીના રીફન્ડના દાવાને નામંજૂર કરતો ઑર્ડર એમ કહીને ફગાવી દીધો કે જ્યારે એસેસીએ ટ્રાન્ઝૅક્શન શરૂ કર્યું હતું એ સમયે સપ્લાયર કૉમન પોર્ટલ પર રજિસ્ટર્ડ હતો, પરંતુ ત્યાર બાદની તારીખે તેનું રજિસ્ટ્રેશન ભૂતકાળની કોઈ તારીખથી રદ કરવામાં આવ્યું હતું. આથી એસેસીએ પોતે કરેલ ટ્રાન્ઝૅક્શનની અસલતાને પુરવાર કરતા જે દસ્તાવેજો સબમિટ કર્યા હતા એની પર રેવન્યુ ડિપાર્ટમેન્ટને ફરીથી વિચાર કરવાનો કલકત્તા હાઈ કોર્ટે રેવન્યુ ડિપાર્ટમેન્ટને નિર્દેશ કર્યો હતો.
ચુકાદો
મેસર્સ ગાર્ગો ટ્રેડર્સ વિરુદ્ધ જૉઇન્ટ કમિશનર કમર્શિયલ ટૅક્સિસ (સ્ટેટ ટૅક્સ) અને અન્ય – ૨૦૨૩(૬) ટીએમઆઇ ૫૩૩ - કલકત્તા હાઈ કોર્ટે નીચે મુજબ ચુકાદો આપ્યો હતો.
• આથી કોર્ટે ચુકાદો આપ્યો કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા અરજદાર પર લગાડવામાં આવેલો આરોપ યોગ્ય નથી અને એ કારણસર અરજદારની રીફન્ડની અરજી નકારી શકાય નહીં, સિવાય કે જો એવું સ્થાપિત કરી શકાય કે અરજદારને માલ જ મળ્યો નથી.
રેવન્યુ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલો ‘ઇમ્પ્યુન ઑર્ડર’ બાજુએ રાખીને કોર્ટે અરજદારના દાવાને નિકાલ કરવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપ્યો.


