વ્યવસાયનો પ્રકાર, કદ અથવા ટર્નઓવરને ધ્યાનમાં લીધા વિના આ રેટિંગ તમામ કરપાત્ર વ્યક્તિઓને લાગુ પડે છે.
પ્રતીકાત્મક તસવીર
નોંધાયેલ કરપાત્ર વ્યક્તિ તેના જીએસટી ફાઇલ કરવાના સંદર્ભમાં નિયમોનું કેટલું પાલન કરે છે એ બતાવવા માટે જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. વ્યવસાયનો પ્રકાર, કદ અથવા ટર્નઓવરને ધ્યાનમાં લીધા વિના આ રેટિંગ તમામ કરપાત્ર વ્યક્તિઓને લાગુ પડે છે. જ્યારે કોઈ વ્યક્તિના બિઝનેસની નોંધણી થયેલી હોય ત્યારે તે વ્યક્તિને જીએસટીઆઇએન (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ આઇડેન્ટિફિકેશન નંબર) જારી કરવામાં આવશે. આ નંબર તમને તમારા કમ્પ્લાયન્સ રેટિંગનું ટ્રૅકિંગ કરવામાં મદદ કરશે. જીએસટી નેટવર્ક (જીએસટીએન) પર સ્કોર્સ જાહેર થયા પછી તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારું રેટિંગ જાણી શકો છો. એ લગભગ પર્ફોર્મન્સ રૅન્કિંગ સિસ્ટમ જેવું જ છે. દા.ત. એક રેટિંગ સિસ્ટમ બનાવી શકાય છે જેમ કે ૧થી ૧૦ના સ્કેલ પર, ૧ ઓછામાં ઓછું સુસંગત છે અને ૧૦ સૌથી સરસ રીતે સુસંગત છે. આ ઉદાહરણનો ઉપયોગ ફક્ત સમજણ માટે જ કરવામાં આવ્યો છે. જીએસટી કમ્પ્લાયન્સ સિસ્ટમનાં વાસ્તવિક પરિમાણો હજી જાહેર કરવામાં આવ્યાં નથી.
જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ શા માટે દાખલ કરવામાં આવ્યું છે?
ટૅક્સેબલ એન્ટિટીઝ પોતાના ઇન્વૉઇસ સબમિટ કરવામાં તેમ જ તેમના દસ્તાવેજો અપલોડ કરવામાં નિયમિત રહે અને પૂરતા પ્રમાણમાં જીએસટી બાબતે સુસંગત રહે એ માટે તેમને પ્રોત્સાહિત કરવા માટેનો જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગનો મુખ્ય ધ્યેય છે. ઘણા જીએસટી ઘટકો એકબીજા પર આધારિત હોય છે એથી સમય બચાવવા માટે આ પ્રક્રિયા સુવ્યવસ્થિત થાય એ ખૂબ મહત્ત્વનું છે. ઉદાહરણ તરીકે વિક્રેતાએ જીએસટીઆર-૧ ફાઇલ કર્યા પછી જ જીએસટી હેઠળ જીએસટીઆર-૨નો ઉપયોગ કરીને વ્યક્તિ દ્વારા ઇન્પુટ ટૅક્સ ક્રેડિટનો દાવો કરી શકાય છે. ઉપરાંત, આ બન્ને ફોર્મ્સની વિગતો મેળ ખાતી હોવી જોઈએ, પરંતુ વર્તમાન રેજીમ હેઠળ, વિક્રેતાઓ ઘણી વાર તેમના જીએસટીઆર-૧ ફાઇલ કરવામાં વિલંબ કરે છે અને એને કારણે કડીબદ્ધ રીતે બધાને ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ લેવામાં વિલંબ થાય છે. અહીં કમ્પ્લાયન્સ રેટિંગ સિસ્ટમ ઉપયોગમાં આવે છે. એ વિક્રેતાઓને વધુ જીએસટી સાથે સુસંગત બનાવવાની ફરજ પાડશે.
ADVERTISEMENT
જીએસટી રેટિંગ કેવી રીતે કાર્ય કરશે?
જે કરદાતાનું રેટિંગ ઊંચું હશે તે લોકોને લાભ આપવાના આધારે જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ કામ કરશે એવી અપેક્ષા છે. કરદાતાને લાગુ પડતા રીફન્ડની ચુકવણી આ રેટિંગ્સના સંદર્ભમાં ટકાવારીને ધોરણે કરી શકાય છે. ઉદાહરણ તરીકે ચાલો ધારીએ કે કરદાતાનું કમ્પ્લાયન્સ રેટિંગ ૮ છે અને તે/તેણીને મળનારું રીફન્ડ ૧૦,૦૦૦ રૂપિયા છે. તે/તેણીના ઉચ્ચ રેટિંગના આધારે કરદાતાને ૮૦૦૦ રૂપિયાનું ત્વરિત પ્રોવિઝનલ રીફન્ડ મળી શકે છે. બાકીની રકમ યોગ્ય રીતે ચકાસણી કર્યા પછી ચૂકવવામાં આવશે. એ જ રીતે ૬ જેટલી નીચી રેટિંગવાળી વ્યક્તિ સમાન ફાયદાનો આનંદ માણી શકશે નહીં. તેઓને ફક્ત ૬૦ ટકા જેટલું ત્વરિત રીફન્ડ મળી શકે છે. (નોંધ ઃ આ પરિમાણો કેવળ ઉદાહરણ આપવા પૂરતાં જ છે, કેમ કે ચોક્કસ કમ્પ્લાયન્સ સિસ્ટમને હજી સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી નથી.)
તમને કેવા ફાયદા મળી શકે છે?
જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ સિસ્ટમ ઉચ્ચ રેટિંગ્સ ધરાવતા લોકોને અન્ય લાભો આપી શકશે, જેવા કે...
તેઓ તરત જ તેમનાં રીફન્ડ મેળવશે.
ખરીદદારોને તરત જ ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ મળી શકે છે.
ઉચ્ચ જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ વધુ બિઝનેસને આકર્ષિત કરશે.
જ્યારે તમે જીએસટી કમ્પ્લાયન્ટ હો ત્યારે તમારી ટૅક્સ ઑડિટની શક્યતાઓ ઓછી થશે.
જો તમારું જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ ઊંચું હશે તો તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
જીએસટી કમ્પ્લાયન્ટ બનવાથી વ્યવસાયોને કેવી રીતે લાભ થશે?
જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગને કારણે વ્યવસાયોને ઘણો લાભ મળશે. ચાલો આને ઉદાહરણની મદદથી સમજીએ...
માની લો કે રવિને ઑફિસ માટેની વસ્તુઓની જરૂર છે અને તેના ધ્યાનમાં બે વિક્રેતા છે ‘એ’ અને ‘બી’. વિક્રેતા ‘એ’નું કમ્પ્લાયન્સ રેટિંગ ૯ છે, જ્યારે વિક્રેતા ‘બી’નું રેટિંગ ૬ છે. રવિ સાંભળે છે કે વિક્રેતા ‘બી’ તેમનું જીએસટી વળતર સમયસર ફાઇલ કરતા નથી એથી ઇન્પુટ ક્રેડિટ અવરોધિત થાય છે, પરંતુ વિક્રેતા ‘એ’ની બાબતે આવી કોઈ સમસ્યા નથી. એથી તેઓનું રેટિંગ ઊંચું છે. સ્વાભાવિક રીતે જ રવિ તેમની ઉચ્ચ કમ્પ્લાયન્ટ રેટિંગને કારણે વિક્રેતા ‘એ’ પાસેથી પોતાની ઑફિસ માટેની વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. આમ પોતાની ઇન્પુટ ક્રેડિટ ઝડપથી મેળવવા માટે ખરીદદાર ઊંચા રેટિંગવાળા વિક્રેતાઓની શોધ કરશે. સ્વાભાવિક રીતે ઊંચા રેટિંગવાળા વિક્રેતાઓને વધુ ખરીદદારો મળવાથી એમના બિઝનેસમાં ફાયદો મળશે. આમ જીએસટી રેટિંગ વ્યવસાયો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહિત કરશે, કારણ કે સંભવિત ગ્રાહકો વ્યવસાય માટે સંપર્ક કરતાં પહેલાં તેમની રેટિંગ્સ વિશે તપાસ કરશે.
આ રેટિંગ યોજનાના ગેરફાયદા શું છે?
નાના અને નવા વ્યવસાયો જીએસટી ફાઇલિંગ કરવામાં ભૂલો કરતા હોય છે અને ઓછા અનુભવને કારણે ફાઇલિંગ કરવામાં મોડું પણ થઈ જતું હોય છે. રેટિંગ્સ બિઝનેસના કમ્પ્લાયન્સ પર સીધી રીતે આધારિત હોવાને કારણે આવા નાના અને નવા વ્યવસાયો નીચા રેટિંગ્સના ભારનો સામનો કરશે. તેમની પાસે સંપૂર્ણ સુસંગત બનવા માટે સંસાધનો નહીં હોય. એથી આ પ્રકારની રેટિંગ સિસ્ટમ તેમના માટે ગેરલાભ લાવી શકે છે. નીચા રેટિંગ્સ તેમના વ્યવસાયો પર અસર કરી શકે છે. બીજી તરફ મોટા ખેલાડીઓ પાસે જરૂરી સંસાધનો ઉપલબ્ધ હોવાથી તેઓ સંપૂર્ણ રીતે સુસંગત બનીને ઉચ્ચ રેટિંગ્સ મેળવી શકશે. આથી તેઓ કુદરતી રીતે જ અન્ય સ્પર્ધકોથી અલગ પડશે.
નિષ્કર્ષ
જીએસટી કમ્પ્લાયન્સ રેટિંગ સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને એ સંબંધિત કરદાતાને જણાવવામાં આવશે. રેટિંગ જાહેરમાં પણ ઉપલબ્ધ હશે અને કોઈ પણ ખરીદનાર અથવા ગ્રાહક વિક્રેતાનો સંપર્ક કરતાં પહેલાં રેટિંગની સંભવિત તપાસ કરી શકે છે. આથી લાભ મેળવવા માટે જીએસટી કમ્પ્લાયન્ટ રહેવાની ભલામણ કરવામાં આવે છે.


