ખાસ કરીને ઘઉંના સ્ટૉકમાં ગયા વર્ષની તુલનાએ ૩૯ ટકા ઘટાડોઃ દેશમાં ૮ મેએ ઘઉં-ચોખાનો મળીને ૭૫૦.૩ લાખ ટનનો સ્ટૉક

પ્રતીકાત્મક તસવીર
દેશમાં ઘઉંના ઊંચા ભાવ અને ઓછા ઉત્પાદનની અસર સરકારી ગોડાઉનમાં પડેલા અનાજના સ્ટૉક પર પણ થઈ છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)ના સત્તાવાર આંકડાઓ મુજબ દેશમાં અનાજનો સ્ટૉક આઠમી મેએ ગયા વર્ષની તુલનાએ બાવીસ ટકા ઘટ્યો છે. જોકે આગલા મહિનાની તુલનાએ ૨૬.૭ ટકાનો વધારો બતાવે છે.
સરકારી સત્તાવાર આંકડાઓ પ્રમાણે એફસીઆઇ સંચાલિત ગોડાઉનમાં અનાજોનો કુલ સ્ટૉક ૬૫૦.૩ લાખ ટનનો રહ્યો છે, જે ગયા વર્ષે આ જ સમયે ૮૩૦.૫ લાખ ટનનો રહ્યો હતો. આ કુલ સ્ટૉકમાં ચોખાનો સ્ટૉક ૩૩૦.૮ લાખ ટન અને ઘઉંનો ૩૧૯.૬ લાખ ટનનો સ્ટૉક રહ્યો છે. એપ્રિલ મહિનામાં સરકારી ગોડાઉનમાં અનાજનો કુલ સ્ટૉક ૫૧૩.૧ લાખ ટનનો રહ્યો હતો.
એફસીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે અનાજના સ્ટૉકમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઘઉંની ઓછી ખરીદી છે. ભારતમાંથી ઘઉંની વિક્રમી માત્રામાં નિકાસ થઈ રહી હોવાથી સરકારી ગોડાઉનમાં ઓછા ઘઉં આવી રહ્યા છે, જેને પગલે આ વર્ષે સરકારી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી પણ ૧૩ વર્ષના તળિયે પહોંચવાનો અંદાજ છે.
ઘઉંની સરકારી ખરીદી આ વર્ષે અડધોઅડધ ઘટીને ૧૯૫ લાખ ટન થવાનો અંદાજ છે જે સરકારે સીઝનની શરૂઆતમાં ૪૪૪ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો હતો. એફસીઆઇએ અત્યાર સુધીમાં ૧૭૭ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.
દેશમાં ચોખાનો સ્ટૉક આ વર્ષે ૩૩૦.૮ લાખ ટનનો છે, જે ગયા વર્ષે ૩૦૫ લાખ ટનનો હતો. આમ એમાં ૮.૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ઘઉંનો સ્ટૉક ૩૯.૨ ટકા ઘટીને ૩૧૯.૬ લાખ ટનનો રહ્યો છે, જે ગયા વર્ષે ૫૨૫.૭ લાખ ટનનો સ્ટૉક રહ્યો હતો.