ઉત્પાદક અને ગ્રાહક બન્નેને સંતોષ થાય એવી નીતિ ઘડવામાં સરકારની નિષ્ફળતાથી વારંવાર લદાતાં આડેધડ નિયંત્રણો : તુવેરના વેપારીઓએ સરકારી નિયંત્રણોની ઐસીતૈસી કરીને બર્મામાં સ્ટૉક કરવાનું ચાલુ કર્યું

પ્રતીકાત્મક તસવીર
બીજેપી હોય કે કૉન્ગ્રેસ, બન્ને રાજકીય પક્ષોએ વોટબૅન્કની નિમ્ન કક્ષાની રાજનીતિ માટે વેપાર-ઉદ્યોગને ભારત બહાર જવા માટે મજબૂર કર્યો છે. છેલ્લા દસકા પર નજર નાખીએ તો ભારતમાં ફૂલેલા-ફાલેલા અને અહીં પગદંડો જમાવેલા કેટલાક વેપાર-ઉદ્યોગ દેશની બહાર નીકળીને જુદા-જુદા દેશમાં પોતાનું આધિપત્ય જમાવીને બેઠા છે. ભારતના આર્થિક વિકાસને આ તમામ બાબતોની મોટી અસર પડી રહી છે, પણ બીજેપી કે કૉન્ગ્રેસ, જે-તે સમયે જેની પણ સરકાર હોય કોઈ ફરક પડતો નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે આત્મનિર્ભર ભારત અને સ્વાભિમાન જેવા ભારેખમ શબ્દોનો ઉપયોગ કરીને મતદારોને લલચાવવામાં આવી રહ્યા છે, પણ વાસ્તવમાં તમામ નીતિઓ ભારતના વેપાર-ઉદ્યોગની કમર તોડનારી બનાવવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ કોઈને ચિંતા નથી. વેપાર-ઉદ્યોગનાં સંગઠનો વારંવાર આ પ્રશ્ને રજૂઆત કરતાં આવ્યાં છે, પણ સરકારને બહેરા કાને અથડાઈને બધું જ પાછું આવે છે અને કોઈ ઉકેલ આવતો નથી. આખો દેશ હાલમાં વેપાર-ઉદ્યોગની પ્રગતિને બદલે માત્ર સત્તાલક્ષી વોટબૅન્કની રાજનીતિના આધારે ચાલે છે જેને કારણે દેશની ટૅલન્ટ અને વેપાર-ઉદ્યોગ ઝડપથી વિદેશમાં ધકેલાઈ રહ્યાં છે.
દુબઈ-સિંગાપોરમાં બ્રોકિંગ બિઝનેસ શિફટ થયો
ઍગ્રિકલ્ચર પ્રોડક્ટની બ્રોકિંગમાં ભારતનું આધિપત્ય વર્ષોથી છે. ભારતમાં બેઠેલા અનેક ઍગ્રી કૉમોડિટીના બ્રોકર આખા વિશ્વનો બિઝનેસ અહીં કોઈ શહેરમાં બેસીને પોતાની આગવી સૂઝ-બૂઝથી વર્ષોથી ચલાવતા હતા, પણ સરકારે કેટલાક બિનજરૂરી કડક નિયમો અને ઊંચો ટૅક્સ લાદી દેતાં અત્યારે અનેક બ્રોકરોએ ભારતમાંથી ઉચાળા ભરીને પોતાની ઑફિસ દુબઈ અને સિંગાપોરમાં ખોલી દીધી છે. કેટલાંક બ્રોકિંગ હાઉસોએ તેમની ભારતની ઑફિસ ઉપરાંત દુબઈ કે સિંગાપોરમાં બ્રાન્ચ ખોલી છે, કારણ કે ઇન્ટરનૅશનલ બ્રોકિંગ બિઝનેસ ભારતથી કરવાનું હવે પૉસિબલ નથી. નિકાસકારોને પ્રોત્સાહન આપતી સ્કીમમાં વારંવાર ફેરફાર અને બ્યુરોક્રેટની દાદાગીરીને કારણે ઑઇલસીડ્સ, સ્પાઇસિસ, પલ્સિસ વગેરેના બ્રોકકિંગ બિઝનેસમાં હવે અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
ભારતીય મગફળી, તલ, જીરું, ધાણા, વરિયાળી, ઇસબગુલ અને અનેક ઍગ્રી કૉમોડિટીની નિકાસ મોટા પાયે થાય છે, પણ અહીંથી કેટલાક દેશોમાં નિકાસ કરવામાં સરકારના કડક નિયમો આડખીલીરૂપ બની રહ્યા હોવાથી હવે ભારતીય નિકાસકારો પહેલાં ભારતથી દુબઈ અને સિંગાપોર નિકાસ કરે છે અને ત્યાંથી અન્ય દેશોમાં તેમની ઍગ્રી પ્રોડક્ટની નિકાસ કરી રહ્યા છે. છેલ્લા દસકામાં દુબઈમાં દર મહિને ઓછામાં ઓછી દસથી બાર ભારતની મોટી બ્રોકિંગ કંપનીઓની ઑફિસ ખૂલી રહી છે. આવું જ સિંગાપોરમાં થઈ રહ્યું છે. ભારતમાં વર્ષોથી જે ટ્રેડ કૉન્ફરન્સ થતી હતી એ પણ હવે દુબઈ કે સિંગાપોરમાં થવા માંડી છે, કારણ કે ભારતીયોને અહીં ટ્રેડ કરવાનું સહેલું પડે છે. દુબઈમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજાતો ગલ્ફ ફૂડ ટ્રેડ ફેરમાં મોટા ભાગની ભારતીય ઍગ્રી કૉમોડિટીની નિકાસ દુબઈથી થાય છે. ઑઇલસીડ્સ અને સ્પાઇસિસનો મોટા ભાગનો ટ્રેડ કદાચ આગામી પાંચથી સાત વર્ષમાં ભારતથી દુબઈમાં શિફટ થઈ જશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે.
સોના-ચાંદીની જ્વેલરીમાં ભારતનું સ્થાન ગલ્ફે લીધું
અગાઉ ફૉરેનના ધનાઢ્યો ભારતથી સોના-ચાંદીના દાગીના ખરીદતા હતા, પણ સરકારે સોના-ચાંદીની આયાત પર જંગી આયાત-ડ્યુટી લાદી દેતાં હવે ફૉરેનના ઘનાઢ્યોને ભારત કરતાં દુબઈ, મસ્તક, કતાર, ઇસ્તંબુલ, સિંગાપોરથી જ્વેલરી સસ્તી મળી રહી છે. કૉન્ગ્રેસના સમયમાં ભારતમાં સોના પર માંડ બેથી ચાર ટકા આયાત-ડ્યુટી હતી એ વધારીને હાલમાં ૧૭ ટકા કરવામાં આવી છે. આટલી જંગી આયાત-ડ્યુટીને કારણે દર વર્ષે ભારતમાં ૨૦૦ ટન સોનું સ્મગલિંગથી આવી રહ્યું છે. આવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ઑફિશ્યલી જાહેર કર્યું છે. આ ઉપરાંત મોટા ભાગના ભારતીયો દુબઈ, કતાર કે સિંગાપોર ફરવા જાય ત્યારે ૨૦થી ૪૦ ગ્રામની સોનાની જ્વેલરી ખરીદીને આવે છે. આમ, ભારતનો જ્વેલરી ઉદ્યોગ લગભગ ભાંગી ગયો છે. ભારતનાં દરેક શહેરોમાં બંગાળના જ્વેલરી કારીગરોની બોલબાલા હતી. કોરોનાના કપરા કાળમાં બંગાળના કારીગરો અન્ય બિઝનેસમાં ચાલ્યા ગયા અને સરકારની ઊંચી ડ્યુટીને કારણે જ્વેલરી ઉદ્યોગ હવે અન્ય દેશો તરફ વળ્યો છે. ભારતમાં ૧૪૫ કરોડની વસ્તી હોવાથી જ્વેલરીની ડિમાન્ડ વધી છે, પણ જો સરકારે અન્ય દેશોમાં ખસેડાઈ ગયેલા બિઝનેસને રોકવા પ્રયત્ન કર્યો હોત તો જ્વેલરી ઉદ્યોગ અત્યારે અનેક લોકોને રોજગારી આપતો હોત અને અનેકગણી પ્રગતિ પણ કરી હોત. કમનસીબે આવું થયું નથી.
દાળ-કઠોળનો બિઝનેસ મ્યાનમાર ખસેડાઈ ગયો
દાળ-કઠોળનો આખો બિઝનેસ મ્યાનમારમાં ખસેડાઈ ગયો છે. તાજેતરમાં ભારતમાં તુવેરના ઊંચા ભાવને કારણે મ્યાનમારમાં મોટો સ્ટૉક થયો છે. આ બાબતે સરકારે તાત્કાલિક પગલાં ભરવાની ફરજ પડી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ભાવ વધવાની અપેક્ષાએ ભારતીય આયાતકારો પાડોશી દેશમાં સ્ટૉક ખરીદી રહ્યા છે અને સંગ્રહ કરી રહ્યા છે એવા અહેવાલને પગલે સરકારે મ્યાનમારને ૧૫ જૂન પછી ભારતમાં એનું તુવેરનું શિપમેન્ટ અટકાવવાની ચેતવણી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે મ્યાનમારને આજે એક સૂચના જારી કરીને ૧૫ જૂન પછી તુવેરનું શિપમેન્ટ અટકાવવાની ચેતવણી આપી છે. લગભગ એક લાખ ટન તુવેર હજી પણ મ્યાનમારમાં અટવાયેલી છે અને પાંચ લાખ ટનથી વધુ અડદ દેશમાં મોકલવામાં આવી નથી રહી. અમે તુવેર અને અડદનો સ્ટૉક મુક્ત કરવા માટે મ્યાનમારના વેપારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ ઉપરાંત, સરકાર મ્યાનમારથી તુવેરની સરકારથી સરકારી આયાત માટે વિકલ્પ શોધવાનું પણ આયોજન કરી રહી છે.’
છેલ્લાં દસ વર્ષમાં ધીમે-ધીમે ભારતની મોટા ભાગની દાળમિલો મ્યાનમારમાં ટ્રાન્સફર થઈ ગઈ છે. ગ્લોબલ કંપનીઓએ પણ તેમના ભારતીય યુનિટને મ્યાનમાર કે દુબઈ ખસેડી દીધા છે. ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને રશિયાથી ચણા, તુવેર, અડદ વગેરે પલ્સિસની આયાતના વેપાર અને બ્રોકરિંગ અગાઉ ભારતથી થતી હતી એ હવે દુબઈ કે સિંગાપોરથી થઈ રહી છે.