ભાવ ઊંચા હતા એટલે ગયા વર્ષની સરખામણીએ અડધો જ ધંધો
ગઈ કાલે દાદરના એક જ્વેલરી-સ્ટોરમાં ગુઢી પાડવા પર દાગીનાની ખરીદી કરતાં એક મહિલા. (આશિષ રાજે)
આ વર્ષે ઝવેરીઓને આશા હતી કે ગુઢી પાડવાએ સારી ખરીદી નીકળશે અને ૧૦ ગ્રામ સોનાના ભાવ ૭૫,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જશે. જોકે ઊંચા ભાવને કારણે ઘરાકી ન નીકળતાં તેમ જ વૈશ્વિક પરિબળોએ સાથ ન આપતાં સોનાના ભાવ ગઈ કાલે ૭૩,૫૦૦ સુધી જ જઈ શક્યા હતા.
ઊંચા ભાવનો ફટકો ઘરાકી પર પણ જોવા મળ્યો હતો અને એટલે જ ગઈ કાલે દર વર્ષે ગુઢી પાડવાના દિવસે થતા વેપારનો ૫૦ ટકા જેટલો જ ધંધો થયો હોવાનું માર્કેટ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું હતું.
ADVERTISEMENT
ઇન્ડિયા બુલિયન અસોસિએશનના પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વખતે ઊંચા ભાવને કારણે ગુઢી પાડવાએ ઘરાકી ધીમી રહી હતી. પાછલાં વર્ષોની સરખામણીએ અંદાજે ૫૦ ટકા જેટલો ધંધો થયો એમ કહી શકાય. હવે લોકો પહેલેથી જ બુકિંગ કરાવી લે છે અને ગુઢી પાડવાએ ડિલિવરી લેતા હોય છે. મોટા ભાગે દાગીનાનું વેચાણ થયું છે. જેમને મુરત માટે લેવું છે તેઓ તો લે જ છે. ભાવ વધારે હોય તો ક્વૉન્ટિટી ઓછી લે, પણ લે તો ખરા જ. હવે આગળ જતાં અખાત્રીજ અને લગ્નની મોસમ છે એટલે આશા છે કે ડિમાન્ડ નીકળશે. બીજું, જ્યારે ખેતરમાં પાક તૈયાર થવામાં છે અને એનું વેચાણ કરતાં પણ લોકો પાસે સારાએવા પૈસા આવે છે જેનું રોકાણ સોનામાં થાય છે. આમ આગળ જતાં માર્કેટ સુધરશે એમાં કોઈ શંકા નથી.’
કૉમોડિટી માર્કેટમાં અને રીટેલમાં સોનાના ભાવમાં ફરક જોવા મળે છે એનું કારણ એ છે કે કૉમોડિટી માર્કેટમાં સોના પર રીટેલની સરખામણીએ GST ત્રણ ટકા ઓછો છે અને આ જ કારણસર બન્નેના ભાવમાં ફરક જોવા મળે છે.


