કુલ નફામાં અડધોઅડધ હિસ્સો માત્ર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો

પ્રતીકાત્મક તસવીર
પબ્લિક સેક્ટર-જાહેર ક્ષેત્રની બૅન્કોનો સંચિત નફો માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયો હતો, જેમાં માર્કેટ લીડર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા કુલ કમાણીમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે.
૨૦૧૭-’૧૮માં કુલ ૮૫,૩૯૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ બાદ જાહેર ક્ષેત્રની બૅન્કોએ ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે, કારણ કે તેમનો નફો ૨૦૨૨-’૨૩માં ૧,૦૪,૬૪૯ કરોડ રૂપિયાને સ્પર્શ્યો હતો, તેમના નાણાકીય પરિણામોના વિશ્લેષણ મુજબના આંકડાઓ કહે છે.
આ ૧૨ સરકારી બૅન્કોના કુલ નફામાં ૨૦૨૧-’૨૨માં ૬૬,૫૩૯.૯૮ કરોડ રૂપિયાની કમાણી કરતાં ૫૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.
ટકાવારીની દૃષ્ટિએ પુણેસ્થિત બૅન્ક ઑફ મહારાષ્ટ્રનો ચોખ્ખો નફો સૌથી વધુ ૧૨૬ ટકા વધીને ૨૬૦૨ કરોડ રૂપિયા થયો હતો. ત્યાર બાદ યુકો બૅન્કનો ૧૦૦ ટકા વધીને ૧૮૬૨ કરોડ રૂપિયા અને બૅન્ક ઑફ બરોડાનો ૯૪ ટકાના વધારા સાથે ૧૪,૧૧૦ કરોડ રૂપિયા છે.
જોકે સંપૂર્ણ ગાળામાં એસબીઆઇએ ૨૦૨૨-’૨૩માં વાર્ષિક ૫૦,૨૩૨ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં ૫૯ ટકાનો વધારો દર્શાવે છે. દિલ્હી-હેડ ક્વૉર્ટર પીએનબીનો વાર્ષિક ચોખ્ખો નફો ૨૦૨૧-’૨૨માં ૩૪૫૬ કરોડ રૂપિયાથી ૨૭ ટકા ઘટીને ૨૫૦૭ કરોડ રૂપિયા થયો છે.