ટીસીએસ ત્રણ ટકા તૂટી બજારને ૮૮ પૉઇન્ટ નડ્યો, કંપનીનાં પરિણામ સોમવારે, ઇન્ફોસિસે સતત ત્રણ દિવસની ખરાબીમાં ૧૪૫૦નું લેવલ ગુમાવ્યું ઃ બૅન્કિંગ સેક્ટરમાં સાર્વત્રિક નબળાઈ વચ્ચે આઇડીબીઆઇ બૅન્ક સામા પ્રવાહે, બજાજ ટ્વિન્સમાં ઘટાડો આગળ વધ્યો
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
અમેરિકન ડાઉ અને નૅસ્ડૅક એક-દોઢ ટકો ઘટીને આવવા છતાં મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારો શુક્રવારે સુધારામાં આગળ વધ્યાં છે. સાઉથ કોરિયા સવા ટકા નજીક તો જપાન, તાઇવાન, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ અડધો-પોણો ટકો જેવા પ્લસ હતા. હૉન્ગકૉન્ગ સામાન્ય અને સિંગાપોર અડધો ટકો નરમ થયા છે. યુરોપ રનિંગમાં સાંકડી વધ-ઘટે મિશ્ર વલણમાં હતું. લંડન બજાજ સતત ચોથા દિવસની આગેકૂચમાં અડધો ટકો ઉપર દેખાયું છે. ઘરઆંગણે કમજોરી યથાવત્ રહી છે. સેન્સેક્સ નરમાઈની હૅટ-ટ્રિકમાં ૪૫૩ પૉઇન્ટ ઘટી ૫૯૯૦૦, તો નિફ્ટી ૧૩૩ પૉઇન્ટ બગડી ૧૭૮૫૯ બંધ થયો છે. ગઈ કાલની બજારની ચાલ ગુરુવારના પુનરાવર્તન જેવી હતી. શૅરઆંક પૉઝિટિવ બાયસમાં ૬૦૩૮૯ ખૂલી તરત ઉપરમાં ૬૦૫૩૮ નજીક જઈ સતત ઘસાતો ગયો હતો. નીચામાં ૫૯૬૭૦ થયો હતો. આ સાથે ૨૦૨૩ના પ્રથમ સપ્તાહે વીકલી ધોરણે સેન્સેક્સ ૯૪૦ પૉઇન્ટ કે ૧.૬ ટકા અને નિફ્ટી ૨૪૬ પૉઇન્ટ કે ૧.૪ ટકા માઇનસ થયા છે. બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૨.૩ ટકા તો ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૩.૮ ટકા લથડ્યા છે. બીએસઈનો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ સર્વાધિક સાડાપાંચ ટકા ઊંચકાયો છે. ગઈ કાલે બજારની માર્કેટ બ્રેડ્થ નોંધપાત્ર રીતે નબળી હતી. એસએસઈમાં ૬૨૦ શૅર પ્લસ તો ૧૪૦૬ જાતો ઘટી છે. બન્ને બજારોનાં લગભગ તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતાં. નિફ્ટી આઇટી બે ટકા અને બીએસઈનો આઇટી બેન્ચમાર્ક ૧.૮ ટકાની ખરાબી સાથે વધુ ખરડાયો છે. નિફ્ટી મીડિયા દોઢ ટકો, બૅન્ક નિફ્ટી એકાદ ટકો, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૮ ટકા, ફાઇ. સર્વિસિસ ઇન્ડેક્સ એક ટકો, મેટલ બેન્ચમાર્ક સવા ટકો બગડ્યો હતો. એફએમસીજી ઇન્ડેક્સ ૧૬૧૩૨માં ફ્લૅટ હતો. ઑટો બેન્ચમાર્ક ૪૮ પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડામાં બંધ થયો છે.
અદાણીના દસેદસ શૅર નરમ, રિલાયન્સમાં એક ટકાનો સુધારો
સેન્સેક્સના ૩૦માંથી ૫ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૧ શૅર પ્લસ રહી શક્યા છે. મહિન્દ્ર એક ટકા, બ્રિટાનિયા ૧.૨ ટકા, રિલાયન્સ એકાદ ટકાના સુધારે વધવામાં મોખરે હતા. ભારત પેટ્રો, આઇટીસી, બજાજ ઑટો અડધો-પોણો ટકો અપ હતા. સોમવારે જેનાં પરિણામ છે એ ટીસીએસ દોઢા વૉલ્યુમ સાથે નીચામાં ૩૨૦૦ થઈ ત્રણ ટકા કે ૯૮ રૂપિયાના ધોવાણમાં ૩૨૧૨ બંધ આપી બજારને સર્વાધિક ૮૮ પૉઇન્ટ નડ્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ત્રણ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૮ ટકા, બજાજ ફિન સર્વ અઢી ટકા, કોટક બૅન્ક પોણાબે ટકા, બજાજ ફાઇ. ૧.૯ ટકા, કોલ ઇન્ડિયા ૧.૯ ટકા,ઇન્ફી ૧.૭ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો, ભારતી ઍરટેલ દોઢ ટકો, તાતા મોટર્સ સવા ટકો, ટેક મહિન્દ્ર અઢી ટકા, વિપ્રો ૧.૧ ટકા, એચસીએલ ટેક્નૉ એક ટકો સાફ થયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:ઘરઆંગણે વિશ્વબજારોથી વિપરીત વલણ, સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટ ઘટીને ૬૦,૫૦૦થી નીચે
રિલાયન્સ એકાદ ટકાના સુધારે ૨૫૩૭ હતો. અદાણી ગ્રુપમાં અદાણી ટોટલ ૨.૩ ટકા, અદાણી પાવર ૧.૯ ટકા, એનડીટીવી દોઢ ટકો ડાઉન હતા. એસીસી, અંબુજા સિમેન્ટ, અદાણી ટ્રાન્સ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન એકથી દોઢ ટકો માઇનસ હતા. ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅર ઘટીને બંધ થયા છે.
સિગાચી ઇન્ડ. ખરાબ બજારમાં સરેરાશ ૭૫૦૮ શૅરની સામે ૫.૨૦ લાખ શૅરના જંગી કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટે ૩૨૯ બંધ રહ્યો છે. ગતિ લિમિટેડ સાત ગણા વૉલ્યુમમાં ૧૪ ટકાની તેજીમાં ૧૫૯ બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. ડીલિસ્ટિંગ પ્લાન પડતો મૂક્યા પછી બીએફ ઇન્વેસ્ટમેન્ટ બીજા દિવસે પણ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૩૭૩ નીચે હતો. જનરલ ઇન્શ્યૉરન્સ ૭.૪ ટકા, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સાડાપાંચ ટકા, ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ ૪.૬ ટકા કપાઈ અહીં ઘટાડે મોખરે હતા.
આઇટીમાં મંદીનો પંજો
નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડે બે ટકા કે ૫૭૧ પૉઇન્ટ કટ થયો છે. બીએસઈનો આઇટી આંક ૧.૮ ટકા કે ૫૦૫ પૉઇન્ટ ડૂલ્યો છે. અહીં ૬૦માંથી ૪૪ શૅર માઇનસ હતા. કેપીઆઇટી ટેક્નૉ સામા પ્રવાહે પાંચ ટકા ઊંચકાઈ ૭૧૬ થયો છે. ફ્રન્ટલાઇનમાં ટીસીએસ ત્રણ ટકા લથડી ૩૨૧૨, ઇન્ફી વધુ ૧.૮ ટકા ખરડાઈને ૧૪૪૯, વિપ્રો સવા ટકો બગડી ૩૮૨, ટેક મહિન્દ્ર અઢી ટકાની ખરાબીમાં ૯૮૬ તથા એચસીએલ ટેક્નૉ એક ટકો ઘટીને ૧૦૩૩ બંધ રહ્યા છે. ટીસીએસ તથા ઇન્ફીની નરમાઈ બજારને ૧૭૩ પૉઇન્ટમાં પડી છે. આઇટીના ભાર સાથે સારેગામા, પીવીઆર, આઇનોક્સ લિઝર, એચએફસીએલ, સ્ટરલાઇટ ટેક્નૉ, ભારતી ઍરટેલ, તાતા ટેલિ, તેજસ નેટ, ઝી એન્ટર અને જસ્ટ ડાયલ સવાથી સવાત્રણ ટકા બગડતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૯ ટકા કટ થયો છે. અહીં ૨૮માંથી ૨૬ શૅરમાઇનસ હતા. ઇન્ડસ ટાવર અડધો ટકો સુધરી ૧૮૭ હતો.
ઑટો ઇન્ડેક્સ ૪૮ પૉઇન્ટ જેવો નહીંવત્ ઘટ્યો છે. એમઆરએફ આગલા દિવસની મજબૂતી આગળ ધપાવતાં બે ટકા કે ૧૮૨૩ રૂપિયા ઊંચકાઈ ૯૩૧૦૩ થયો છે. સીએટ સાડાચાર ટકા પ્લસ, તો અપોલો ટાયર્સ ત્રણ ટકા નરમ હતા. જેકે ટાયર પણ ૩ ટકા તૂટ્યો છે. હીરો મોટોકૉર્પ, ટીવીએસ મોટર્સ, મારુતિ સુઝુકી અને તાતા મોટર્સ અડધાથી સવા ટકો ઘટીને બંધ થયા છે. મેટલ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરના ઘટાડે સવા ટકો પીગળ્યો છે. હિન્દાલ્કો, તાતા સ્ટીલ, હિન્દુ. ઝિન્ક, સેઇલ, કોલ ઇન્ડિયા પોણાથી બે ટકા ડાઉન હતા.
બૅન્કિંગમાં સાગમટે ખરાબી વચ્ચે આઇડીબીઆઇ બૅન્ક મજબૂત
બૅન્કિંગ વધુ નબળું પડ્યું છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડે ૪૨૦ પૉઇન્ટ કે એક ટકો ધોવાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની કમજોરીમાં પોણા ટકાથી વધુ કટ થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી કેવળ ૩ શૅર પ્લસ હતા. આઇડીબીઆઇ બૅન્કમાંથી પ્રમોટર્સ તરીકે સરકાર હટી ગઈ છે અને હવે એ પણ પબ્લિક શૅરહોલ્ડર્સની કૅટેગરીમાં આવવાની છે એટલે બૅન્ક સરકારી અંકુશોમાંથી મુક્ત થશે એવા આશાવાદે શૅર સાડાછ ગણા કામકાજે ૭.૯ ટકા ઊછળીને ૫૯ બંધ આવ્યો છે. બંધન બૅન્ક તથા યુનીયન બૅન્ક સામાન્ય સુધર્યા હતા. સામે યુકો બૅન્ક સર્વાધિક પોણાચાર ટકા બગડી છે. કૅનેરા બૅન્ક, આઇઓબી, પંજાબ સિંધ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, એયુ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, કર્ણાટક બૅન્ક, સીએસબી બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, જેકે બૅન્ક, ડીસીબી બૅન્ક, કોટક બૅન્ક, યસ બૅન્ક, ફેડરલ બૅન્ક, કરુર વૈશ્ય, આરબીએલ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક એકથી ત્રણેક ટકા ડાઉન હતા.
આ પણ વાંચો:સુંદરરામન રામામૂર્તિએ બીએસઈના એમડી-સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળ્યો
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૨૨ શૅરના સુધારા વચ્ચે એક ટકો ઘટ્યો છે. જનરલ ઇન્શ્યૉરન્સ ૭.૪ ટકા અને ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૫.૬ ટકાની ખરાબી સાથે મોખરે હતા. જીઆઇસી હાઉસિંગ સવાપાંચ ટકા, વીએસએસ ફાઇ. ચાર ટકા, એલઆઇસી હાઉસિંગ પોણાચાર ટકા ડૂલ થયા હતા. એલઆઇસી ત્રણેક ટકાની ખરાબીમાં ૭૦૭ નીચે ગયો છે. પેટીએમ પોણાબે ટકા પ્લસ તો પૉલિસી બાઝાર એક ટકો માઇનસ થયા છે. ઝોમૅટો દોઢ ટકા તો નાયકા અડધો ટકો ઢીલો પડ્યો છે.
ન્યુરેકા, બાયોકૉન, થાયરોકૅર અને ક્રિષ્ના ડાયગ્નોસ્ટિકમાં નવાં નીચાં તળિયાં
રામા સ્ટીલ ટ્યુબ્સ શૅરદીઠ ચાર બોનસમાં બોનસ બાદ થતાં શુક્રવારે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૮ પ્લસની ઑલટાઇમ હાઈ બતાવી ત્યાં જ બંધ થયો છે. ગ્લોબ કમર્શિયલ્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૧ના બેસ્ટ લેવલે ગયો છે. સુપ્રીમ પેટ્રોકેમ ૪ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં અઢી ટકા ગગડીને ૩૮૯ રહ્યો છે. સ્પેશ્યલિટી રેસ્ટોરાં ૭ ગણા કામકાજે ૨૬૯ના શિખરે જઈ ૨.૭ ટકાની નરમાઈમાં ૨૪૭ થયો છે. વર્ષ પૂર્વે ભાવ ૮૮ના તળિયે હતો. શૅરદીઠ ૫૦૬ની ઇશ્યુ પ્રાઇસથી ભરણું લાવનારી અને નબળા લિસ્ટિંગ પછી ૪૩૩ના તળિયે જનારી અમદાવાદી લૅન્ડમાર્ક કાર્સ તાજેતરના બુલરનમાં ૫૮૨ નજીક નવી ઑલટાઇમ હાઈ ગઈ કાલે બનાવી ૪.૫ ટકા ઊંચકાઈ ૫૫૩ બંધ હતો. કામકાજ સાડાત્રણ ગણા હતાં. શૅરદીઠ ૫૪ના ભાવે SME IPO લાવનારી દ્રોણાચાર્ય એરિયલ લિસ્ટિંગ પછી સતત મજબૂત વલણમાં નવા શિખર સર કરતી રહીને શુક્રવારે પોણાબે ગણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૨ ઉપર નવી વિક્રમી સપાટી મેળવી ત્યાં જ બંધ આવી છે. આવાસ ફાઇનૅન્શિયર્સ ઘટાડાની ચાલમાં ૧૬૯૮નું નવું ઐતિહાસિક બૉટમ બનાવી બે ટકા વધી ૧૭૬૫ થયો છે. આ શૅર બીજી ફેબ્રુઆરીએ ૩૩૩૭ની ટોચે ગયો હતો. ન્યુરેકા, થાયરોકૅર, બાયોકૉન અને ક્રિષ્ના ડાયગ્નોસ્ટિકમાં પણ નવાં નીચાં બૉટમ બન્યાં છે. આ ચારેય શૅર હેલ્થકૅર સેગમેન્ટના છે. જાગરણ પ્રકાશન આઠેક ગણા કામકાજે ૮૪ની નવી ઊંચી સપાટી મેળવી ૪.૮ ટકા ઊછળી ૭૯ બંધ થયો છે.