Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અચ્છા-અચ્છા ખેલાડીઓ પણ કોચની મદદ લેતા હોય છે, તો રોકાણકારે શું કામ ન લેવી!

અચ્છા-અચ્છા ખેલાડીઓ પણ કોચની મદદ લેતા હોય છે, તો રોકાણકારે શું કામ ન લેવી!

16 February, 2023 03:31 PM IST | Mumbai
Amit Trivedi

પાર્ટ ટાઇમ રોકાણકારો પણ વૉરન બફેટ અથવા રાકેશ ઝુનઝુનવાલા બનવાનો પ્રયાસ કરતા હોય છે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ફન્ડના ફન્ડા

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


લોકો હજી ટેનિસના બૉલથી રમવા માંડે એટલામાં તો તેઓ વિમ્બલ્ડન જીતવાનાં સપનાં જોવા માંડે છે એવા કિસ્સા જોવા મળે છે. બીજી બાજુ, પ્રશિક્ષકની નજરે આવી શિખાઉ વ્યક્તિઓએ ઘણું શીખવાનું બાકી હોય છે. બાળક જ્યારે જુનિયર સ્તરે સ્પર્ધામાં ભાગ લેતું થાય છે ત્યારે સ્પર્ધાત્મકતા વચ્ચે પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે. આપણા જેવી કોઈ વ્યક્તિ તેની અને પ્રોફેશનલ ખેલાડીની રમતની તુલના કરે ત્યારે તેમના વચ્ચેનો તફાવત આપણને દેખાય છે. 

જ્યારે રોજર ફેડરર રાફેલ નડાલની સામે રમવા મેદાનમાં આવે ત્યારે સૌને ખબર હોય છે કે ઘણી સારી રમત અને સ્પર્ધા જોવા મળશે. એમાં અજાણતા જ થઈ ગયેલી ભૂલો, જેને અનફોર્સ્ડ એરર્સ કહેવાય, એ થતી ઓછી હોય છે. આપણે શિખાઉ ખેલાડીઓની મૅચ જોઈએ ત્યારે ખબર પડે છે કે જેની અનફોર્સ્ડ એરર્સ ઘણી ઓછી હોય છે એ જ ખેલાડી રમત જીતી જાય છે.



આપણે રોકાણના વિશ્વની વાત કરીએ અને ઉક્ત ઉદાહરણનો સંદર્ભ લઈએ. પાર્ટ ટાઇમ રોકાણકારો પણ વૉરન બફેટ અથવા રાકેશ ઝુનઝુનવાલા બનવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે સામાન્ય રોકાણકાર અને ફન્ડ મૅનેજર વચ્ચે ઘણો ફરક હોય છે. ફન્ડ મૅનેજરો પ્રતિસ્પર્ધી સ્કીમ કરતાં વધુ વળતર અપાવવાનો પ્રયાસ કરતા હોય છે, જ્યારે સામાન્ય રોકાણકાર પોતાનાં મુદ્દલનાં નાણાં ગુમાવે નહીં એ જ એના માટે મોટી વાત હોય છે.


રોકાણકારો નાણાં ગુમાવે છે એની પાછળ અનેક પ્રલોભનો જવાબદાર હોય છે. આપણે રોકાણકારોની કેટલીક સામાન્ય ભૂલો વિશે અહીં વાત કરવાના છીએ...

આ પણ વાંચો: વધતા વ્યાજદરની સ્થિતિમાં ડેટ ફન્ડ વિશે આટલું જાણી લેવું અગત્યનું છે


૧. કેટલાક લોકો પોતાને સમજ ન પડતી હોય એવી પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા હોય છે. કોઈકના કહેવાથી કે ક્યાંકથી મળેલી ટિપના આધારે શૅરની ખરીદી કરી હોવાના અનેક કિસ્સા છે. તેઓ કંપનીનાં ફન્ડામેન્ટલ્સ કે ટિપ આપનાર વ્યક્તિની વિશ્વસનીયતાનો વિચાર કર્યા વગર રોકાણ કરી લેતા હોય છે. 

૨. અમુક લોકોને લાગે છે કે અમુક સ્કીમમાં સરળતાથી ગૅરન્ટેડ વળતર મળી રહેશે. ખરી રીતે, સલામત પ્રોડક્ટ્સ કરતાં વધુ વળતર જોઈતું હોય તો વધારે જોખમ લેવું પડે છે અને જ્યાં જોખમ હોય ત્યાં વળતરની કોઈ ગૅરન્ટી હોતી નથી. આમ, ઊંચા વળતરની પાછળ દોડવાનું હોતું નથી.

૩. ક્યારેક લોકો મ્યુચ્યુઅલ ફન્ડની કોઈ સ્કીમમાં ટૂંકા ગાળામાં સારું વળતર મળ્યું હોવાનું જોઈને રોકાણ કરતા હોય છે. અહીં દરેકે મ્યુચ્યુઅલ ફન્ડની જાહેરખબરોમાં સાથે દર્શાવવામાં આવતું સૂત્ર યાદ રાખવું જોઈએ. આ સૂત્ર કહે છે કે ભૂતકાળમાં કરાયેલી કામગીરી ભવિષ્યમાં પણ ટકી રહેશે એવું નિશ્ચિત હોતું નથી. વાસ્તવમાં, આ સ્પષ્ટતા સોનું અને રિયલ એસ્ટેટ સહિતની તમામ પ્રકારની ઍસેટ્સને લાગુ પડે છે. ઘણી વાર રોકાણકારો જેમાં ઘણું સારું વળતર મળ્યું હોય એવી ઍસેટ્સની પાછળ ભાગવા લાગે છે, પરંતુ તેમણે રોકાણ કર્યા બાદ બજારમાં ભાવ તૂટી જતા હોય છે. 

૪. ઘણા લોકો છેતરામણી યોજનાઓમાં નાણાં ગુમાવી ચૂક્યાં છે. ઘણું ઊંચું વળતર આપવાની લાલચ આપનારી અનેક યોજનાઓમાં અત્યાર સુધીમાં લાખો લોકો, વળતર તો બાજુએ રહ્યું, મુદ્દલ પણ ગુમાવી બેઠા છે.

રોકાણકારોની ભૂલોને લગતાં અનેક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. જોકે સાથે-સાથે એ પણ સમજી લેવું જોઈએ કે નવો માણસ વધુ ભૂલો કરે એવી શક્યતા વધારે હોય છે. આવામાં આપણે પોતાનાં નાણાંનું રક્ષણ કેવી રીતે કરવું એ મોટો સવાલ છે. 

આપણને ભારે પડી શકે એવી ભૂલો વિશે જાણીને આપણે નાણાં બચાવી શકીએ છીએ. જોકે દરેક વખતે બચવાનું શક્ય ન પણ હોય. આમ છતાં, આપણે એમાં ગુમાવવા પડતાં નાણાંનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. આથી દરેક રોકાણકારે અલગ-અલગ પ્રકારના રોકાણને લાગુ પડતાં જોખમો વિશે જાણી લેવું જોઈએ. એ વાત તો સ્પષ્ટ છે કે જેમાં ઘણું વધારે વળતર આપવાની વાત થતી હોય એમાં ચોક્કસપણે જોખમ પણ વધારે હોય છે, પછી ભલે એ જોખમ તરત દેખાતું ન હોય. 

ઉક્ત ચર્ચા પરથી કહી શકાય કે પોતાની મર્યાદાઓને ઓળખીને પોતાની ક્ષમતા પ્રમાણે રમવું એ જ રોકાણનો ઉત્તમ વ્યૂહ કહેવાય. રમત રમો, પરંતુ અનફોર્સ્ડ એરર્સ ના કરો. જરૂર પડ્યે પ્રોફેશનલની મદદ લો. યાદ રહે, પ્રોફેશનલ ખેલાડીઓ પણ કોચની મદદ લેતા હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 03:31 PM IST | Mumbai | Amit Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK