ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > બિઝનેસ સમાચાર > > > ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ શૅરબજારમાં સળંગ છ દિવસના સુધારાને ધીમી બ્રેક

ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ શૅરબજારમાં સળંગ છ દિવસના સુધારાને ધીમી બ્રેક

05 August, 2022 05:40 PM IST | Mumbai
Anil Patel

સારાંનરસાં પરિણામો વચ્ચે અદાણી ગ્રુપના ચાર શૅર બીજા દિવસેય નવા બેસ્ટ લેવલે, રિલાયન્સ સવા ટકો રડમસઃ એલઆઇસીનાં પરિણામો ૧૨ ઑગસ્ટે, શૅરમાં નરમાઈ આગળ વધીઃ સિપ્લા, સન ફાર્મા, અપોલો હૉસ્પિટલ સહિતના ફ્રન્ટલાઇનના સથવારે ફાર્મા-હેલ્થકૅરમાં ઝમક

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે રિઝર્વ બૅન્કની નાણાનીતિ જાહેર થવાની છે, જેમાં મહત્તમ ૦.૩૫ ટકા જેવો રેપો રેટનો નવો વધારો અપેક્ષિત છે. બુધવારની રાત્રે અમેરિકન ડાઉ સવા ટકો અને નાસ્ડેક અઢી ટકા વધીને બંધ આવતાં તમામ અગ્રણી એશિયન બજારો ધીમા સુધારાને આગળ વધારવાના મૂડમાં ગુરુવારે જોવાયાં છે. હૉન્ગકૉન્ગ બે ટકા તો ચાઇના, સિંગાપોર, સાઉથ કોરિયા, જપાન અડધો, પોણો ટકો અપ હતાં. તાઇવાન અપવાદ સ્વરૂપે અડધો ટકો નરમ હતું. યુરોપ સવા-દોઢ ટકો રનિંગમાં મજબૂત દેખાયું છે. ફુત્સી સાધારણ સુધારામાં હતો. બ્રેન્ટ ક્રૂડ ૯૭ ડૉલર તથા નાયમેક્સ ક્રૂડ ૯૧ ડૉલર હતો. ઓપેકની બેઠક ઉપર નજર રહી હતી. કૉપર, ઍલ્યુમિનિયમ તથા ઝિન્ક વાયદા એકથી દોઢ ટકો નીચે ચાલતા હતા. ટિન ૨૪,૨૪૫ના લેવલે ફ્લૅટ હતું. સળંગ છ દિવસની આગેકૂચ પછી ઘરઆંગણે સેન્સેક્સ ગઈ કાલે ૨૨૧ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલ્યા પછી વધુ ૧૪૨ પૉઇન્ટના ઉમેરામાં ૫૮,૭૧૩ નજીક ગયો હતો અને ત્યાંથી ૧૧૩૬ પૉઇન્ટની ઝડપી ખરાબીમાં ૫૭,૫૭૭નું ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી સ્ટ્રૉન્ગ બાઉન્સ બૅકમાં ૫૮,૨૯૯ બંધ થયો છે. સરવાળે બાવન પૉઇન્ટની નરમાઈ સાથે સુધારાની ડબલ હૅટટ્રિક બજારમાં અટકી છે. ગઈ કાલની પ્રમાણમાં મોટી ઊથલપાથલ પછી નિફ્ટી તો ફક્ત છ પૉઇન્ટ જેવા નજીવા ઘટાડામાં ૧૭,૩૮૨ બંધ આવ્યો છે. સેન્સેક્સ નિફ્ટીની નજીવી પીછેહઠ સામે રોકડું અને બ્રોડર માર્કેટ ઇન્ડેક્સની રીતે સહેજ વધીને બંધ થયું છે, પરંતુ સુધારાનો વ્યાપ સીમિત હોવાથી માર્કેટ બ્રેડથ નેગેટિવ જ રહી છે. સેક્ટોરલ મિશ્ર વલણમાં હતા. નિફ્ટી ફાર્મા અઢી ટકા તો હેલ્થકૅર બેન્ચમાર્ક બે ટકા જેવો ઊંચકાયો છે. રિયલ્ટી તથા ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકાથી વધુ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા કટ થયા હતા. 

સિપ્લા અને સન ફાર્મા મેઇન બેન્ચમાર્કમાં ટૉપ ગેઇનર 

ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા. સન ફાર્મા અઢી ટકા વધીને ૯૧૯ના બંધમાં સેન્સેકસ ખાતે તો સિપ્લા સવાત્રણ ટકા નજીકની તેજીમાં ૧૦૪૪ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ પર્ફોર્મર હતા. નેસ્લે ૨.૪ ટકા કે ૪૬૪ રૂપિયા, ઇન્ફોસિસ સવાબે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકાથી વધુ, અપોલો હૉસ્પિટલ્સ બે ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ પોણાબે ટકા, દિવીસ લેબ ૧.૭ ટકા, હિન્દાલ્કો દોઢ ટકો મજબૂત હતાં. સામે પક્ષે એનટીપીસી સવાત્રણ ટકાની નજીકની ખરાબીમાં ૧૫૫ નીચે બંધ રહી બંને બજારમાં ટૉપ લૂઝર થયો છે. તાતા કન્ઝ્યુ. ત્રણ ટકા, કોલ ઇન્ડિયા ૨.૪ ટકા, શ્રી સિમેન્ટ અને સ્ટેટ બૅન્ક દોઢેક ટકો, ઍક્સીસ બૅન્ક, પાવર ગ્રીડ તેમ જ કોટક મહિન્દ્રા બૅન્ક એક - સવા ટકો ડાઉન હતા. માર્કેટ લીડર રિલાયન્સ સવા ટકાથી વધુની નબળાઈમાં ૨૫૭૧નો બંધ આપી બજારને સૌથી વધુ, ૧૦૫ પૉઇન્ટ નડ્યો છે.


હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૭માંથી ૫૨ શૅરના સુધારે બે ટકા નજીક તો ફાર્મા નિફ્ટી ૨૦માંથી ૧૬ શૅર પ્લસમાં આપીને ૨.૪ ટકા તંદુરસ્ત હતા. ટેક સૉલ્યુશન્સ સવાતેર ટકાની તેજીમાં ૨૮ વટાવી ગયો છે. ઝાયડસ લાઇફ તથા લુપિન પરિણામના જોરમાં સવાપાંચ ટકા ઊંચકાયા છે. ઇપ્કા લૅબ ૪.૭ ટકા અને લૌરસ લૅબ ચાર ટકા અપ હતા. પરિણામનો અફસોસ વધુ ઘેરો થતાં ન્યુલૅન્ડ લૅબ સાડાસાત ટકા વધુ ખરડાઈને ૧૦૭૬ થયો છે. ટૉરન્ટ ફાર્મા ત્રણ ટકા વધી ૧૫૬૧ હતો. 

પરિણામો સારાં આવે કે ખરાબ, અદાણીના શૅર સતત તેજીમાં 


અદાણી ગ્રુપના ચાર શૅર બૅક ટુ બૅક નવા શિખરે ગયા છે. અદાણી પાવરનો ત્રિમાસિક નફો ૧૭ ગણો થતાં શૅર ૩૫૪ની નવી ટોચે જઈ પોણાબે ટકા વધી ૩૪૭ થયો છે. અદાણી ટ્રાન્સમિશને ૬૧ ટકાના ઘટાડે ૧૬૮ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો હોવા છતાં ભાવ ૩૫૪૯ના નવા શિખરે જઈ અડધો ટકો વધી ૩૫૨૫ બંધ થયો છે. અદાણી એન્ટરપ્રાઇસિસ પરિણામ પૂર્વે ૨૭૪૪ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૦.૪ ટકા વધીને ૨૭૨૩ તો અદાણી ટોટલે અગાઉનો ૧૩૮ કરોડનો નફો જાળવી રખતાં ફ્લૅટ રિઝલ્ટ આપ્યાં હોવા છતાં ભાવ ૩૪૦૧ની લાઇફટાઇમ હાઈ બતાવી ૨.૨ ટકા ઊછળી ૩૩૩૫ નજીક ગયો છે. અદાણી ગ્રીન અને અદાણી વિલ્મર અડધો ટકો માઇનસ હતા. અદાણી પોર્ટ્સ ૮૦૭ના લેવલે જૈસે-થે હતો. બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ સવા ટકો ઘટીને ૧૧૧૭ હતી. નાયકા પરિણામની પૂર્વસંધ્યાએ નહીંવત્ સુધારામાં ૧૪૪૧ હતો. પેટીએમનાં રિઝલ્ટ શુક્રવારે છે. ભાવ ૦.૭ ટકા વધી ૮૦૯ વટાવી ગયો છે. એલઆઇસીનાં રિઝલ્ટ ૧૨ ઑગસ્ટે છે. શૅર પોણો ટકો ઘટીને ૬૭૪ની અંદર ગયો છે. પૉલિસી બાઝાર સવા ટકો ઘટી ૫૪૯ હતો. ઝોમૅટો સવાચાર ટકાની મજબૂતીમાં ૫૮ નજીક સરક્યો છે. સ્ટાર હેલ્થ અઢી ટકા ગગડી ૭૦૦ રહ્યો છે. 

ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બૅન્કિંગ અને રિયલ્ટી નરમાઈમાં 

બૅન્ક નિફ્ટી ૦.૬ ટકા કે ૨૩૪ પૉઇન્ટ ઘટ્યો છે, પણ અહીં બારમાંથી ૧૧ શૅર ડાઉન હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક, પોણાબે ટકા ડુલ થયો છે, તેના બારમાંથી દસ શૅર નરમ હતા. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની ૩૬માંથી ૭ જાતો સુધરી હતી. કરુર વૈશ્ય બૅન્ક પોણાપાંચ ટકા, એયુ સ્મૉલ બૅન્ક સાડાચાર ટકા, યસ બૅન્ક તથા આઇડીબીઆઇ બૅન્ક સવા ટકો પ્લસ હતા. સામે કૅનરા બૅન્ક સવાત્રણ ટકા, બૅન્ક ઑફ બરોડા બે ટકા, ઇન્ડિયન બૅન્ક પીએનબી અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પોણાબે ટકા, બંધન બૅન્ક ૧.૯ ટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક ત્રણ ટકા કપાયા છે. સ્ટેટ બૅન્કના પરિણામ ૬ ઑગસ્ટ, શનિવારે છે શૅર દોઢ ટકો ઘટીને ૫૩૩ થયો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૨૮માંથી ૮૯ શૅરની નરમાઈમાં અડધો ટકો નરમ હતો. રિલાયન્સ કૅપિટલ તથા શ્રેઇ ઇન્ફ્રા પાંચ-પાંચ ટકા મજબૂત હતા. સાટિન ક્રેડિટ ૮.૨ ટકા ગગડી ૧૦૯ થયો છે. એસએમસી ગ્લોબલ પાંચ ટકા, ઍન્જલવન સાડાચાર ટકા, એલઆઇસી હાઉસીંગ અને કૅનફિન હોમ્સ ૩.૪ ટકા માઇનસ હતા. 

રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૧ ટકો વધુ ડાઉન થયો છે. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ સરેરાશ ૧૯,૦૦૦ શૅરની સામે ગઈ કાલે ૩૭.૫૨ લાખ શૅરના જંગી વૉલ્યુમે ૧૦૧૦નું ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી પોણાછ ટકા તરડાઈને ૧૦૩૯ થયો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝમાં અઢી ટકાની નબળાઈ હતી. ઑટો ઇન્ડેક્સ ૯૦ પૉઇન્ટ જેવો સામાન્ય પ્લસ હતો. મારુતિ સુઝુકી, આઇશર, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ અને બજાજ ઑટો નહીંવત્ સાધારણ સુધર્યા હતા. મહિન્દ્રા અડધો ટકો ને ટીવીએસ મોટર્સ પોણો ટકો અપ હતા. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકાની તેજીમાં ૨૨૨૦ નજીક પહોંચી છે. બોશ દોઢ ટકો વધી હતી. અશોક લેલૅન્ડ પોણાબે ટકા ઘટીને ૧૪૬ થઈ છે. 

સુબેક્સ સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ 

ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને આઇટી શૅરમાં સુધારાનો નવો દોર આગળ વધ્યો છે. આઇટી ઇન્ડેક્સ સવા ટકો કે ૩૬૮ પૉઇન્ટ મજબૂત થયો છે. અત્રે ૬૨માંથી ૪૧ શૅર વધ્યા છે. જિયો સાથેની ભાગીદારીનો કરન્ટ જાળવી રાખતાં સુબેક્સ સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટે ૪૦ થયો છે. ઇન્ફિબીમ ૭ ટકા તો ૬૩ મૂન્સ પાંચ ટકા અપ હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ સવાબે ટકા ઊછળી ૧૫૯૯, ટીસીએસ અડધો ટકો વધી ૩૩૫૪, વિપ્રો પોણો ટકો વધી ૪૩૫ બંધ હતા. માઇન્ડ ટ્રી પોણાત્રણ ટકા, લાર્સન ઇન્ફોટેક ૨.૪ ટકા અને લાર્સન ટેક્નૉલૉજીસ દોઢ ટકો અપ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૭માંથી ૧૪ શૅરના ઘટાડે એક ટકાથી વધુ કટ થયો છે ભારતી ઍરટેલ નહીંવત્ તો સ્ટરલાઇટ ટેક્નૉ. ૪.૭ ટકા પ્લસ હતા. વોડાફોન ૩.૮ ટકા, એમટીએનએલ ૩.૨ ટકા, જીટીપીએલ અઢી ટકા, તેજસ નેટ ૨.૪ ટકા ડાઉન હતા. મેટલ બેન્ચમાર્ક એક ટકો વધ્યો છે. એપીએલ અપોલો ૭.૩ ટકાની તેજીમાં ૧૦૫૨ થયો છે. હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ​જિંદાલ સ્ટીલ, એનએમડીસી સવાથી પોણાબે ટકા મજબૂત હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૬૬ પૉઇન્ટ જેવો સાધારણ માઇનસ હતો, પણ થર્મેક્સ ત્રણ ટકા વધી ૨૦૭૪ થયો છે. સિમેન્ટ સવા ટકો, ભારત ઇલે. ૨.૭ ટકા, ગ્રેફાઇટ ઇન્ડિયા દોઢ ટકો વધ્યા છે. લાર્સન અડધો ટકો ઘટીને ૧૭૮૦ બંધ આવ્યો છે. 

05 August, 2022 05:40 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK