Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > > > શૅરબજારની ધીમા સુધારે આગેકૂચ, બૅન્ક નિફ્ટી તથા પીએસયુ બૅન્ક નિફ્ટીમાં નવાં સર્વોચ્ચ શિખર

શૅરબજારની ધીમા સુધારે આગેકૂચ, બૅન્ક નિફ્ટી તથા પીએસયુ બૅન્ક નિફ્ટીમાં નવાં સર્વોચ્ચ શિખર

24 November, 2022 10:24 AM IST | Mumbai
Anil Patel

પેટીએમમાં ૧૦૦૦થી ૧૪૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુની ભ્રમજાળમાં લોકો ફસાયા, શૅર ૪૪૦ના ઑલટાઇમ તળિયે

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અદાણી એન્ટર ૨૦,૦૦૦ કરોડ ઊભા કરવા સક્રિય બનીને શૅર ટૉપ લૂઝર થતાં માર્કેટ કૅપ ૧૫,૦૦૦ કરોડ ડૂલ થયું : શૅર વિભાજન માથે છે એ મફતલાલ ઇન્ડ.માં સવાદસ ટકાનો જમ્પ, દાવણગિરિ શુગર છ મહિનામાં ૧૫થી વધીને ૬૯ થયો : રુસ્તમજી કિસ્ટોન ગુરુવારે લિસ્ટેડ થશે, આઇનોક્સ ગ્રીનનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં રહ્યું

શૅરબજાર બુધવારે આગલા બંધ કરતાં ૩૬૧ પૉઇન્ટ મજબૂત ખૂલ્યા પછી છેવટે ૯૨ પૉઇન્ટ નજીકના ધીમા સુધારામાં ૬૧,૫૧૦ ઉપર બંધ થયું છે. નિફ્ટી ૨૩ પૉઇન્ટની આગેકૂચમાં ૧૮,૨૫૫ રહ્યો છે. બજારની પ્રારંભિક મજબૂતી ટકી શકી નહોતી. એમાંય છેલ્લો અડધો કલાક ઝડપી નબળાઈનો હતો, જેમાં બજાર ૬૧,૬૭૮ના લેવલથી બગડી ૬૧,૪૪૩ની અંદર આવી ગયું હતું, જે એની ઇન્ટ્રા-ડે બૉટમ હતી. બજારની માર્કેટ બ્રેડ્થ ત્રણ દિવસ પછી પ્રથમ વાર ગઈ કાલે પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે ૧૦૮૫ શૅર પ્લસ તો ૮૯૭ જાતો માઇનસ ઝોનમાં ગઈ છે. એક બીજી મહત્ત્વની વાત એ છે કે સેન્સેક્સ વધવા છતાં માર્કેટ કૅપ ૧૮,૦૦૦ કરોડ રૂપિયા ઘટ્યું છે. બજારના બહુમતી સેક્ટોરલ સુધર્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી, નિફ્ટી મીડિયા, બૅન્ક નિફ્ટી, ઑઇલ-ગૅસ, મેટલ ઇન્ડેક્સ, ફાઇનૅન્સ અડધાથી એક ટકો અપ હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર પ્લસ હતા. અપોલો હૉસ્પિટલ્સ ૩.૪ ટકા કે ૧૪૦ રૂપિયાની તેજીમાં ૪૬૧૦ બંધ આપીને નિફ્ટી ખાતે તથા સ્ટેટ બૅન્ક દોઢ ટકો જેવો વધી સેન્સેક્સમાં મોખરે હતા. અન્યમાં બજાજ ફાઇ. એચડીએફસી લાઇફ, ડૉ. રેડ્ડીઝ લૅબ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારત પેટ્રો, ઓએનજીસી એક-દોઢ ટકો અપ હતા. રિલાયન્સ આઠેક રૂપિયાના સામાન્ય ઘટાડે ૨૫૫૬ થયો છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ અદાણી એન્ટર તરફથી ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અને ફોલોઓન ઇશ્યુ મારફતે ભંડોળ ઊભું કરવા ૨૫મીએ બોર્ડ મીટિંગ બોલાવાઈ છે. કંપની લગભગ ૨૪૦ કરોડ ડૉલર કે આશરે ૨૦,૦૦૦ કરોડ ઊભા કરવાની વેતરણમાં હોવાનું મનાય છે. જોકે આના પગલે શૅર ૧૩૨ રૂપિયા કે સવાત્રણ ટકાથી વધુની ખરાબીમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની ૩૯૦૩ બંધ થયો છે, જેમાં એનું માર્કેટ કૅપ ૧૫,૦૪૨ કરોડ રૂપિયા ધોવાયું છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ ૧.૧ ટકો, અદાણી પાવર પોણો ટકો, અંબુજા સિમેન્ટ તથા અદાણી ટ્રાન્સ ૦.૭ ટકા નરમ હતા. અદાણી વિલ્મર સવાબે ટકા અને અદાણી ગ્રીન અઢી ટકા વધ્યા છે. એનડીટીવી ૪.૬ ટકા ઘટી ૩૫૯ હતો. 


વેદાન્તએ શૅરદીઠ સાડાસત્તર રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૩૦ નવેમ્બર છે. શૅર જોકે પોણો ટકો ઘટીને ૩૦૮ નીચે બંધ આવ્યો છે. રેલ વિકાસ નિગમ ૧૦ ટકાની તેજીમાં ૬૪ નજીકના નવા શિખરે પહોંચ્યો છે. ઇરકોન ૬૨ વટાવી આઠ ટકા ઊછળી ૬૧ ઉપરની ટોચે બંધ હતો. માઝગાવ ડૉક ૯૧૪ની નવી ટૉપ બાદ ૧.૭ ટકા વધી ૮૮૧ થયો છે. સમ્રાટ ફાર્મા નીચલી સર્કિટમાં ૭૦૧ થઈ તેજીની સર્કિટ પાંચ ટકા વધી ૭૬૬ રહ્યો છે. 

ખાતર શૅરોમાં વૉલ્યુમ સાથે ફૅન્સી, આરસીએફ જાન્યુઆરી ૨૦૦૮ પછીની ટોચે 
કોઈ ખાસ ટ્રિગર નથી, બસ ડિમાન્ડ ગ્રોથની થીમ ચાલતાં ખાતર શૅરો બુધવારે ફૅન્સીમાં આવ્યા છે. ગઈ કાલે ઉદ્યોગનાં ૨૧માંથી ૧૬ કાઉન્ટર વધ્યાં છે, જેમાંથી નવ જાતો ચારથી બારેક ટકા સુધી ઊંચકાઈ હતી. રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિ.ના પરિણામ તથા ઇન્ટરિમ માટે ૨૯મીએ બોર્ડ મીટિંગ છે. ભાવ ગઈ કાલે ૧૩ ગણા કામકાજે ૧૧૯ની જાન્યુઆરી ૨૦૦૮ પછીની ટૉપ બતાવી ૧૧.૫ ટકાની તેજીમાં ૧૧૬ બંધ થયો છે. અન્ય સરકારી ખાતર કંપની નૅશનલ ફર્ટિ. ૨૯ ગણા વૉલ્યુમે ૫૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દસ ટકાના જમ્પમાં ૫૬ ઉપર હતો. તો ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોર આઠ ગણા કામકાજમાં ૧૪૭ નજીક જઈને ૧૦.૮ ટકાના ઉછાળે ૧૪૨ રહ્યો છે. આ ઉપરાંત મદ્રાસ ફર્ટિ. સાત ટકા, સ્પીક ૮.૭ ટકા, જીએસએફસી ૭.૧ ટકા, ઝુખારી એગ્રોકેમ ૪.૯ ટકા, ખૈતાન કેમિકલ્સ ૩.૭ ટકા, ચંબલ ફર્ટિ. ચારેક ટકા, મૅન્ગલોર ફર્ટિ ૨.૭ ટકા, રામા ફોસ્ફેટ્સ બે ટકા અપ હતા. પારાદીપ ફોસ્ફેટ અઢી ટકા વધી ૫૬ હતો. પેસ્ટિસાઇડ્સ અને એગ્રોકેમ સેક્ટરમાં ભાસ્કર ઍગ્રીકેમ ૩.૨ ટકા, પંજાબ કેમિકલ ૩.૬ ટકા, રાલીસ ઇન્ડિયા ૪.૩ ટકા, ઇન્ડિયન પેસ્ટિસાઇડ્સ ૩.૮ ટકા, એસ્ટેક લાઇફ ૨.૯ ટકા મજબૂત હતા. ધાનુકા ઍગ્રીટેક તરફથી શૅરદીઠ ૮૫૦ સુધીના મહત્તમ ભાવથી ૮૫ કરોડ રૂપિયાની બાયબૅક ટેન્ડર રૂટથી જાહેર થયેલી છે. શૅર અડધો ટકો ઘટીને ૭૦૦ બંધ હતો. શુગર ઉદ્યોગના ૩૮માંથી ૨૩ શૅર ઘટ્યા છે. દાવણગિરિ શુગર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૯ નજીક નવા શિખરે ગયો છે. આ કાઉન્ટર ૨૫ મેના રોજ ૧૫ રૂપિયાની આસપાસ હતું. દાલમિયાં શુગર ૧.૮ ટકા, પિકાડેલી શુગર ૨.૮ ટકા, ઝુખારી ઇન્ડ. બે ટકા, ઉત્તમ શુગર ૧.૮ ટકા પ્લસ હતા. રાજશ્રી શુગર બે ટકા કડવી બની છે. રાવલગાંવ ૪.૬ ટકા વધી ૫૧૯૦ હતો. અહીં ૧૬મીએ ૬૧૫૪ની મલ્ટિયર ટૉપ બની હતી. શ્રી રેણુકા શુગર સરેરાશ કરતાં ૪૦ ટકાના કામકાજે ૫૫ના આગલા લેવલે રહી છે. 


પેટીએમ તૂટીને ૪૫૦ની અંદર ગયો, નાયકા નવા નીચા ભાવની તૈયારીમાં 
નાયકામાં ચીફ ફાઇ. ઑફિસર અગરવાલે અણધાર્યું રાજીનામું આપી દેતાં ભાવ નીચામાં ૧૬૯ થઈ બે ટકા ઘટી ૧૭૨ બંધ આવ્યો છે. અત્રે ઑક્ટોબરમાં ૧૬૩ નજીકની જે ઑલ ટાઇમ બૉટમ બની હતી એ અવશ્ય તૂટશે એમ મનાય છે. પેટીએમમાં ખરાબીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ભાવ અઢી ગણા કામકાજે ૪૪૦ની નવી સૌથી વરવી સપાટીએ જઈ ૫.૨ ટકા ગગડી ૪૫૨ બંધ આવ્યો છે. અત્રે જેપી મૉર્ગન તરફથી ૯ નવેમ્બરે ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ અપવર્ડ કરીને ૧૧૦૦ના ભાવ સાથે બુલિશ વ્યુ જારી કરાયો હતો. એની અગાઉ ગોલ્ડમૅન સાક્સે સપ્ટેમ્બરના થર્ડ વીકમાં જ્યારે શૅરનો ભાવ ૭૦૮ આસપાસ હતો ત્યારે ૧૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે લેવાની ભલામણ કરી હતી. સપ્ટેમ્બરના બીજા સપ્તાહના અંતે ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સિટી ગ્રુપ તરફથી ત્યારે ચાલતા ૭૨૭ના ભાવની સામે ૯૯૮ની ટાર્ગેટ પ્રાઇસમાં બાયનું રેટિંગ અપાયું હતું. મહિના પહેલાં ૧૭ ઑક્ટોબરે ઍક્સિસ કૅપિટલ વાળાએ અહીં ૧૦૦૦ના ટાર્ગેટ સાથે બુલિશ વ્યુ આપ્યો હતો. છ-સાત મહિના પહેલાં અહીં આઇસીઆઇસીઆઇ સિક્યૉરિટીવાળાએ ૧૪૬૦ની ટાર્ગેટ પ્રાઇસ (જે એ વખતે ચાલતા ભાવથી ૬૨ ટકા વધુ હતી) સાથે બાયનો કૉલ આપ્યો હતો. દૌલત કૅપિટલ તરફથી જુલાઈની આખરમાં ૧૪૦૦ના ટાર્ગેટ પ્રાઇસ સાથે શૅર ખરીદવાની સલાહ અપાઈ હતી. રોકાણકારોમાં હિંમત હોય તો આ બધા અને આવા અન્ય તમામ નમૂનાઓ તથા તેમના રિસર્ચ ઍનલિસ્ટનો કૉલર પકડી પૂછવું જોઈએ કે અમારા નુકસાન માટે જવાબદાર કોણ? શૅરબજારમાં રીબલ અને મિનિંગ ફુલ કરેક્શનની સાઇકલ શરૂ થશે ત્યારે પેટીએમ બે આંકડે આવી જશે એમ માનીને ચાલો. માત્ર પેટીએમ જ નહીં, પૉલિસી બાઝાર, નાયકા, ઝોમૅટો, સ્ટાર હેલ્થ, બિકાજી ફૂડ્સ, ગ્લોબલ હેલ્થ સહિત અનેક શૅર જેના મોટા આઇપીઓ તદ્દન ખોટા ભાવે આવ્યા હતા એ બધા સાફ થશે. 

ફીનો પેમેન્ટ બૅન્કમાં પ્રથમ વાર ૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી 
બૅન્કિંગ આજકાલ ઇન-થિંગ્સ છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૧ શૅર પ્લસમાં આપીને ૪૨,૮૬૦ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૦.૬ ટકા કે ૨૭૨ પૉઇન્ટ વધી ૪૨,૭૨૯ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી ચાર શૅરના સુધારામાં ૪૦૨૮ની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને એક ટકો વધી ૪૦૦૯ બંધ થયો છે. બૅન્કિંગ ક્ષેત્રનાં ૩૭માંથી ૨૪ કાઉન્ટર વધ્યાં છે ફીનો પેમેન્ટ બૅન્ક સાત ગણા કામકાજે ૨૦ ટકાનો સૌથી મોટો કુદકો મારી ૨૩૧ બંધ આવી છે. ૧૭ નવેમ્બરે અહીં ૧૮૨ની ઑલ ટાઇમ બૉટમ બની હતી. આ ઉપરાંત બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કર્ણાટકા બૅન્ક, પીએનબી ઇન્ટ્રા-ડેમાં નવા ઐતિહાસિક શિખરે ગયાં છે. બંધન બૅન્ક પોણા ટકાના સુધારે ૨૧૫ રહી છે. પીએનબી સાડાચાર ટકા, કૅનેરા બૅન્ક બે ટકા, કર્ણાટકા બૅન્ક ચાર ટકા, ફેડરલ બૅન્ક તથા ડીસીબી બૅન્ક સવાબે ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક સાડાત્રણ ટકા મજબૂત હતા. સ્ટેટ બૅન્ક દોઢ ટકો, કોટક બૅન્ક પોણા ટકાથી વધુ તો ઍક્સિસ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધા ટકા જેવા પ્લસ હતો. યુકો બૅન્ક સાડાચાર ટકા, સેન્ટ્રલ બૅન્ક તથા પંજાબ સિંધ બૅન્ક પોણાત્રણ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાબે ટકા માઇનસ થયા છે. એચડીએફસી ટ્વિન્સ સાધારણ સુધર્યો છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૮૧ શૅરના સથવારે અડધો ટકો વધ્યો છે. હુડકો સાડાપાંચેક ટકા ઊંચકાઈને ૫૧ના નવા શિખરે બંધ હતો. એડલવીસ સવાછ ટકા, સેન્ટ્રલ કૅપિટલ સવાપાંચ ટકા, ઇન્ડો સ્ટાર સાડાચાર ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ ૪.૪ ટકા, રેલીગેર ૪.૩ ટકા, ઇક્વિટાસ હોલ્ડિંગ ૪ ટકા, ઉજ્જીવન ફાઇ. ૩ ટકા મજબૂત હતા. એલઆઇસી પોણા ટકાની પીછેહઠમાં ૬૨૧ રહી છે. સ્ટાર હેલ્થ અઢી ટકા કપાઈ ૬૦૧ હતો. પેસાલો હિજિટલ ૪ ટકા ડૂલ્યો છે. બજાજ ફાઇ. ૧.૪ ટકા પ્લસ તો બજાજ ફીન સર્વ અડધો ટકો માઇનસ હતા. 

આઇનોક્સ ગ્રીન એનર્જીનું લિસ્ટિંગ ધારણા કરતાં પણ ખરાબ નીવડ્યું 
ખોટ કરતી આઇનોક્સ વિન્ડની સતત લોસ મેકિંગ સબસિડિયરી આઇનોક્સ ગ્રીનનો આઇપીઓ બુધવારે ડિસ્કાઉન્ટમાં ગયો છે. શૅરદીઠ ૬૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવ ૬૦ ઉપર ખૂલી ઉપરમાં ૬૪ અને નીચામાં ૫૮ થઈ નવ ટકાની લિસ્ટિંગ લોસમાં ૫૯ બંધ થયો છે. આનો ભાવ હજી ગગડશે. મંગળવારે ૧૦૩ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન આપનારી કીનેસ ટેક્નો ગઈ કાલે ૩.૭ ટકા વધી ૭૧૬ નજીક, આર્ચિન કેમિકલ બે ટકા વધીને ૪૬૫ તો ફાઇવસ્ટાર બિઝનેસ પોણા ટકાની નરમાઈમાં ૪૮૯ બંધ હતા. બિકાજી ફૂડ્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૩૪૫ના બેસ્ટ લેવલે છે. ગ્લોબલ હેલ્થ ૪૫૭ના નવા શિખરે જઈ સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૪૫૧ થઈ છે. પૉલિસી બાઝાર નહીંવત્ ઘટાડે ૪૦૧ નજીક રહ્યો છે. દિલ્હીવરી ૩૧૭ના નવા વર્સ્ટ લેવલ બાદ પોણાત્રણ ટકા ખરડાઈને ૩૨૬ની અંદર જોવાઈ છે. પેસ ઈ-કૉમર્સ નીચલી સર્કિટનો સિલસિલો આગળ વધારતાં ૩૪ની નીચે નવા વર્સ્ટ લેવલે બંધ રહી છે. 

મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં ૨૫મીએ એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર બુધવારે ઉપરમાં ૩૭૩ થઈ સવાદસ ટકાની તેજીમાં ૩૬૨ થયો છે. મુંબઈના આબરૂદાર ગણાતા બિલ્ડર રુસ્તમજીની કીસ્ટોન રિયલ્ટર્સનું લિસ્ટિંગ ગુરુવારે થવાનું છે. ત્યારે ગ્રે માર્કેટમાં ચાલતા પાંચેક રૂપિયાના પ્રીમિયમ અદૃશ્ય થઈ ગયાં છે અને આ લખાય છે ત્યારે ચારેક રૂપિયાના ડિસ્કાઉન્ટ ક્વોટ થવા માંડ્યા છે. ૧૦ના શૅરની ઇશ્યુ પ્રાઇસ ૫૪૧ હતી. અમારાં સૂત્રો શૅર સાધારણ લિસ્ટિંગ ગેઇનમાં જવાની વાત કરે છે. 

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2022 10:24 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK