Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અદાણીના શૅરોમાં તેજીના તાલ વચ્ચે બજાર સાધારણ સુધારામાં, રિલાયન્સ યથાવત્ રહ્યો

અદાણીના શૅરોમાં તેજીના તાલ વચ્ચે બજાર સાધારણ સુધારામાં, રિલાયન્સ યથાવત્ રહ્યો

24 May, 2023 12:41 PM IST | Mumbai
Anil Patel

જેટ ઍરવેઝ અને સ્પાઇસ જેટ ખરડાઈને નવા નીચા તળિયે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અદાણી એન્ટરની તેજીને કારણે સેન્સેક્સના મુકાબલે નિફ્ટીમાં મોટો સુધારો : ઑરો ઇમ્પેક્સનું નબળું લિ​સ્ટિંગ, ઇન્ડોટેક ટ્રાન્સફૉર્મર્સ ઉપલી સર્કિટ સાથે નવા શિખરે: જેટ ઍરવેઝ અને સ્પાઇસ જેટ ખરડાઈને નવા નીચા તળિયે, વૅલિયન્ટ ઑર્ગે. એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર : આવાસ ફાઇ.માં નવી ઐતિહાસિક નીચી સપાટી, રેપ્કો હોમ વૉલ્યુમ સાથે ઊછળ્યો : બાલક્રિશ્ના ઇન્ડ. માથે રિઝલ્ટ વચ્ચે પાંચ ટકાની તેજીમાં, પરિણામની પૂર્વસંધ્યાએ એલઆઇસીમાં કરન્ટ : માર્કેટ બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ

એશિયન બજારોના મિશ્ર વલણ વચ્ચે ચાઇનીઝ માર્કેટ દોઢ ટકા અને હૉન્ગકૉન્ગ સવા ટકો બગડ્યું છે. જૅપનીઝ નિક્કેઈ ૩૧,૩૫૨ની ઑગસ્ટ ૧૯૯૦ પછીની નવી ટૉપ બતાવી આઠ દિવસ બાદ પ્રથમ વાર ઢીલો પડી ૦.૪ ટકાની પીછેહઠમાં ૩૦,૯૫૮ બંધ આવ્યો છે. સાઉથ કોરિયન કોસ્પી બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ હતો. તાઇવાન અને સિંગાપોર નજીવા વધ્યા છે. યુકોર રનિંગમાં ઘટાડાતરફી જણાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૭૬ ડૉલર અને નાઇમેક્સ ૭૨ ડૉલરે ટકેલું હતું. હાજર સોનું અડધા ટકાથી વધુની નબળાઈમાં ૧૯૫૮ ડૉલર દેખાયું છે. બેઝ મેટલમાં ઝિન્ક, ટિન તથા કૉપર વાયદા દોઢ-બે ટકા અને ઍલ્યુમિનિયમ એક ટકાની નજીક નરમ હતું. ઘરઆંગણે મંગળવારે બજાર પ્રમાણમાં ધીમા સુધારા સાથે આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહીને ૧૮ પૉઇન્ટની આગેકૂચમાં ૬૧,૯૮૨ તથા નિફ્ટી ૩૪ પૉઇન્ટ વધીને ૧૮,૩૪૮ બંધ આવ્યો છે. બન્ને બજારોનાં લગભગ તમામ સેક્ટોરલ વધ્યાં છે. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ૦.૬ ટકા પ્લસ હતો, પણ અદાણી એન્ટર.ની સવાતેર ટકાની તેજીના જોરમાં નિફ્ટી મેટલ અઢી ટકા ઊંચકાયો છે. પાવર, યુટિલિટી, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક એકથી દોઢ ટકા તથા એનર્જી ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ થયો છે. એફએમસીજી તથા ઑટોમાં અડધા ટકા આસપાસનો સુધારો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૩૩ પૉઇન્ટ ડાઉન થયો છે. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૧૦૪૭ શૅરની સામે ૯૮૮ કાઉન્ટર માઇનસ થયાં છે. બજાર વધઘટની રેન્જ ઘણી સાંકડી હતી. સેન્સેક્સ નીચામાં ૬૧,૯૧૪ અને ઉપરમાં ૬૨,૨૪૫ દેખાયો હતો.



ઑરો ઇમ્પેક્સ ઍન્ડ કેમિકલ્સનો એસએમઈ ઇશ્યુ ૭૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં આગલા દિવસે બોલાતા ત્રણેક રૂપિયાના પ્રીમિયમની સામે ગઈ કાલે ભાવોભાવ ૭૮ નજીક બંધ રહેતાં ૩ ટકાની લિ​સ્ટિંગ લૉસ થઈ છે. રોકડામાં ઇન્ડોટેક ટ્રાન્સ ફૉર્મર્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૮૪ નજીક ઑલટાઇમ હાઈ થયો છે. એનએસીએલ ઇન્ડસ્ટ્રીઝ પરિણામ પાછળ ગણા કામકાજે ઉપરમાં ૧૦૨ થઈ ૧૫ ટકાના જમ્પમાં ૧૦૦ નજીક હતો. બરોડાની ક્વૉલિટી આરઓ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૮૪ બંધ રહી છે. જેટ ઍરવેઝ ૪ ગણા વૉલ્યુમે પાંચ ટકાની નીચલી સર્કિટે ૫૧ની નીચે ઐતિહાસિક બૉટમ બનાવી ત્યાં જ બંધ હતી તો સ્પાઇસ જેટ ૧૨ ગણા કામકાજે ૨૩ની અંદર નવી નીચી સપાટી નોંધાવી ૧૪ ટકા તૂટી ૨૪ થયો છે.


અદાણી એન્ટર.ની ટ્રિપલ સેન્ચુરી, છ શૅર તેજીની સર્કિટે બંધ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૩ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર વધ્યા છે. સેન્સેક્સ ખાતે બજાજ ફિનસર્વ ૧.૮ ટકા, આઇટીસી એક ટકા, ઇન્ફોસિસ અડધો ટકો, તાતા મોટર્સ સવા ટકો, એશિયન પેઇન્ટસ ૧.૧ ટકા, ઇન્ડ્સઇન્ડ એક ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ઉપરમાં ૨૭૫૯ બતાવી ૧૩.૨ ટકા કે ૩૦૮ રૂપિયાની મજબૂતીમાં ૨૬૩૪ બંધ થયો છે. બે દિવસમાં આ કાઉન્ટર ૬૭૯ રૂપિયા ઊછળ્યું છે. અદાણી પોર્ટ્સ ઉપરમાં ૭૮૬ નજીક ગયા બાદ અડધો ટકો વધી ૭૩૪ રહ્યો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર, અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન તથા અદાણી ટોટલ પાંચ-પાંચ ટકાની અને અદાણી વિલ્મર ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ગયા છે. અંબુજા સિમેન્ટ્સ એકાદ ટકા વધ્યો હતો. એનડીટીવી પણ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯૬ જેવો થઈ ત્યાં જ રહ્યો છે તો એસીસી નહીંવત સુધર્યા છે. નિફ્ટી ખાતે ડિવીઝ લૅબ ૩.૭ ટકા કે ૧૨૧ રૂપિયાના જમ્પમાં ૩૩૮૬ બંધ આપી સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. અન્યમાં આઇશર મોટર્સ ૧.૬ ટકા, ભારત પેટ્રોલિયમ ૧.૪ ટકા, યુપીએલ દોઢ ટકા, એસબીઆઇ લાઇફ ૧.૩ ટકા, હિન્દાલ્કો ૦.૬ ટકા પ્લસ હતા. રિલાયન્સ ૨૪૫૪ના લેવલે જૈસે-થે રહ્યો છે. સેન્સેક્સ ખાતે લાર્સન ૦.૯ ટકા, ટાઇટન ૧.૧ ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો ઢીલા હતા. નિફ્ટી ખાતે આ ઉપરાંત ગ્રાસિમ સવા ટકો અને એચડીએફસી લાઇફ પોણો ટકો ડાઉન હતા. એ-ગ્રુપ ખાતે અદાણી એન્ટર સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. વૅલિયન્ટ ઑર્ગેનિક્સ ૧૫.૯ ટકા ઊછળી ૫૫૦ તો રિલા. પાવર ૧૩ ટકાના જમ્પમાં ૧૩ નજીક બંધ હતા, જ્યારે સ્પાઇસ જેટ બાદ બોરોસીલ ૮.૩ ટકા બગડીને ૩૭૭ બંધ થયો છે. નબળાં પરિણામોમાં એચઈજી લિમિટેડ ૧૪ માસના મોટા કડાકામાં ૧૧૬૩ થઈ ૭.૪ ટકાની ખુવારીમાં ૧૧૬૯ રહ્યો છે. એનસીસી લિમિટેડનાં રિઝલ્ટ ૨૬મીએ છે. શૅર મંગળવારે નીચામાં ૧૦૧ બનાવી ૮.૪ ટકા લથડીને ૧૦૨ બંધ આવ્યો છે. એચઈજી લિમિટેડ પાછળ ગ્રેફાઇટ ઇન્ડિયા પણ નીચામાં ૩૨૮ થઈને ૩.૪ ટકાના ઘટાડે ૩૩૦ બંધ હતો.


વેદાંતા ૧૮૫૦ ટકાના ઇન્ટરિમ પછી ફક્ત એક રૂપિયો વધી શક્યો

અદાણીના શૅરોની મજબૂતીમાં પાવર, યુટિલિટી, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એકથી દોઢેક ટકા અને એનર્જી બેન્ચમાર્ક ૦.૭ ટકા વધ્યો છે. અત્રે અન્ય જાતોમાં કૉ​ન્ફિડન્સ પેટ્રો ૪.૩ ટકા, હિન્દુ. પેટ્રો ૩.૨ ટકા, ઇન્ડિયન ઑઇલ ૨.૧ ટકા, ચેન્નઇ પેટ્રો સવાત્રણ ટકા, સીજી પાવર ૧.૪ ટકા, રિલાયન્સ પાવર ૧૩ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૩.૯ ટકા, એનએલસી ઇન્ડિયા ૩.૫ ટકા, કેપી ગ્રીન એનર્જી ૨.૮ ટકા, ભારત પેટ્રો દોઢ ટકા પ્લસ હતા. એબીબી ઇન્ડિયા ૩૯૬૭ના શિખરે જઈ અડધો ટકો વધી ૩૯૧૩ રહ્યો છે. હિન્દુ. ઑઇલ એક ટકા અને જેપી પાવર ૧.૧ ટકા નરમ હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૨ શૅરના ઘટાડામાં ૨૩૩ પૉઇન્ટ કટ થયો છે. લાર્સન ૦.૯ ટકા ઘટી ૨૧૯૭ બંધ થતાં આ આંકને ૧૪૬ પૉઇન્ટનો માર પડ્યો છે. ભારત ઇલે. ૨.૩ ટકા અને હિન્દુ. ઍરોનો ટિક્સ ૧.૬ ટકા માઇનસ હતા. ગ્રાઇન્ડ વેલ નૉર્ટન પાંખા કામકાજે ૩ ટકા ઘટી ૨૦૧૧ થયો છે. વેદાંતામાં શૅરદીઠ સાડાઅઢાર રૂપિયા કે ૧૮૫૦ ટકાનું પ્રથમ ઇન્ટરિમ જાહેર થયું છે. રેકૉર્ડ ડેટ ૩૦ મે છે. શૅર જોકે એક રૂપિયો સુધરી ૨૮૮ બંધ આવ્યો છે. અન્ય મેટલ શૅરમાં એપીએલ અપોલો ૪.૮ ટકાની મજબૂતીમાં ૧૧૫૫ હતો. તાતા સ્ટીલ, હિન્દાલ્કો અને સેઇલ અડધાથી પોણો ટકો સુધર્યો છે. જિંદાલ સ્ટેનલેસ ૩.૫ ટકા ઊંચકાયો છે. મિનરલ્સ સેગમેન્ટમાં આશાપુરા માઇનકેમ ૧૫૫ નજીક વર્ષની ટોચે જઈ સવા ટકો વધી ૧૫૧ થયો છે. સધન મૅગ્નેશિયમ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૩ ઉપર ગયો હતો. સાંડુર મૅન્ગેનીઝ ૧૨૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧.૮ ટકા વધી ૧૨૨૩ રહ્યો છે. ઓરિસા મિનરલ ૧.૮ ટકા ઘટીને ૨૭૨૯ હતો. ટ્વેન્સી માઇક્રૉન્સ ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૯૦ બતાવી ૪.૮ ટકાની તેજીમાં ૮૮ બંધ હતો.

એલઆઇસી પરિણામની પૂર્વસંધ્યાએ મજબૂત, રેપ્કો હોમમાં ૧૧ ટકાની તેજી

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સથવારા છતાં ૬૯ પૉઇન્ટ જેવો મામૂલી વધી ૪,૩૯,૫૪૪ રહ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅરના સુધારામાં ૦.૪ ટકો અપ હતો. બૅ​ન્કિંગ ઉદ્યોગ ખાતે ૩૭માંથી ૨૦ શૅર વધ્યા છે. એયુ બૅન્ક ૭૭૫ નજીક નવી વિક્રમી સપાટી બાદ અડધો ટકો સુધરી ૭૬૩ હતો. બંધન બૅન્કનો ત્રિમાસિક નફો ૫૭ ટકા ગગડ્યો છે, પણ ધિરાણ વૃદ્ધિનો દર ડબલ ડિજિટમાં નોંધાતાં સંખ્યાબંધ બ્રોકરેજ હાઉસ દ્વારા બાયનું રેટિંગ જાળવી રખાયું છે. શૅર અઢી ગણા કામકાજે પોણાપાંચ ટકાની મજબૂતીમાં ૨૫૪ થયો છે. સૂર્યોદય બૅન્ક ૩.૧ ટકા, જેકે બૅન્ક ૨.૮ ટકા, આરબીએલ બૅન્ક ૨.૯ ટકા, ડીસીબી બૅન્ક ૧.૭ ટકા, ઇન્ડ્સઇન્ડ એક ટકા અને બૅન્ક ઑફ બરોડા સવાટકો પ્લસ હતા. ઉજજીવન બૅન્ક બે ટકા, કરૂર વૈશ્ય સવાટકા, કોટક બૅન્ક એક ટકા ડાઉન હતી. સ્ટેટ બૅન્ક પોણો ટકો વધી ૫૮૧ રહી છે.  ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૭૭ શૅર વધવા છતાં ૧૫ પૉઇન્ટ જેવો નજીવો સુધર્યો છે. રેપ્કો હોમનાં રિઝલ્ટ ૨૬મીએ છે. શૅર ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૨૩૯ વટાવી ૧૦.૮ ટકાની તેજીમાં ૨૨૮ બંધ થયો છે. કૅપ્રી ગ્લોબલ પાંચ ટકા, એમસીએક્સ ૫.૧ ટકા, પ્રુડન્ટ કૉર્પોરેટ ૪.૪ ટકા, અબાન હો​લ્ડિંગ્સ અઢી ટકા અને બજાજ હો​લ્ડિંગ્સ સાડાત્રણ ટકા પ્લસ હતા. કૅરરેટિંગ ૩.૯ ટકા ઘટી ૬૬૮ હતો. એન્જલ વન ૩.૪ ટકા, યુગ્રો કૅપિટલ બે ટકા અને મુથૂટ કૅપિટલ સાધારણ ઘટ્યાં છે. એલઆઇસી પરિણામની પૂર્વસંધ્યાએ દોઢા કામકાજે સવાબે ટકા વધીને ૫૯૦ થયો છે. પેટીએમ ૧.૮ ટકો વધી ૭૧૯ હતો. બીએસઈ લિમિટેડ સવા ટકાના સુધારે ૫૩૩ થયો છે. બે-એક મહિના પહેલાં અહીં ૪૦૬નું ઐતિહાસિક બૉટમ બન્યું હતું. આવાસ ફાઇ. ૧૩૮૨ની અંદર નવા તળિયે જઈ નજીવા ઘટી ૧૩૮૫ બંધ થયો છે.

આઇટીમાં ધીમો ઘટાડો, ટેક્નૉ. ઇન્ડેક્સ ખાતે ટીવી૧૮ ઝળક્યો

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૧ શૅરના ઘટાડે ૭૬ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. આર. સિસ્ટમ્સ સવાપાંચ ટકા અને ઓરિયનપ્રો તથા બ્રાઇટકૉમ પાંચ ટકા મજબૂત હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી અને વિપ્રો અડધો ટકો પ્લસ તો ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેક્નૉ. એક-સવા ટકો નરમ હતા. ટીસીએસ નામકે વાસ્તે ઘટી ૩૨૯૭ની અંદર ગયો છે. લાટિમ ૧૩૫ રૂપિયા કે પોણાત્રણ ટકા જેવો કટ થયો છે. સિગ્નેટી, ​ક્વિક હીલ, ૬૩ મૂન્સ અને સુબેક્સ પોણાબેથી બે ટકા પ્લસ હતા. ઑપ્ટિમસ પોણાનવ ટકા, રાઉટ મોબાઇલ ૪.૭ ટકા, આઇટીઆઇ ૩.૭ ટકા, રેલટેલ સવાબે ટકા, ઇન્ડ્સ ટાવર ૧.૪ ટકા, તાતા કમ્યુ. સવા ટકો વધવાની સાથે ટેલિકૉમ બેન્ચમાર્ક અડધો ટકો રણક્યો છે. ભારતી ઍરટેલ સાધારણ અને વોડાફોન અડધો ટકો નરમ હતા. ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨૭માંથી ૧૪ શૅરના સુધારા વચ્ચે નહીંવત્ ઘટ્યો છે, પણ ટીવી ૧૮ સાડાસાત ટકા અને નેટવર્ક ૧૮ સવાબે ટકા મજબૂત હતા. સનટીવી દોઢ ટકો સુધર્યો છે.

ઑટો ઇન્ડેક્સ ૨૦૪ પૉઇન્ટ કે અડધા ટકાથી વધુ સુધર્યો છે. બાલક્રિશ્ના ઇન્ડ.નાં રિઝલ્ટ ૨૭મીએ છે, પણ શૅર ૧૧૫ રૂપિયા કે પાંચ ટકાની તેજીમાં ૨૪૦૫ થયો છે. તાતા મોટર્સ, આઇશર અને ટીવીએસ મોટર્સ સવાથી પોણાબે ટકા પ્લસ હતા. અશોક લેલૅન્ડ અને બજાજ ઑટો અડધા ટકાથી વધુ નરમ તો મારુતિ અને હીરો મોટોકૉર્પ અડધો ટકો પ્લસ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ સાધારણ વધ્યો છે. વિમતા લૅબ ૧૧ ટકા, ગ્લેન્ડફાર્મા સવાપાંચ ટકા અને સુપ્રિયા લાઇફ ૫.૨ ટકા મજબૂત હતા. ન્યુલૅન્ડ લૅબ ૪.૨ ટકા ગગડી ૨૭૩૩ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 12:41 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK