Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > ખાદ્ય તેલોની વિક્રમી આયાત : આત્મનિર્ભરતાની ઐસી કી તૈસી, પણ તહેવારોમાં સસ્તાં તેલો મળશે

ખાદ્ય તેલોની વિક્રમી આયાત : આત્મનિર્ભરતાની ઐસી કી તૈસી, પણ તહેવારોમાં સસ્તાં તેલો મળશે

18 September, 2023 03:14 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ગ્રાહકો ખુશ-ગયા વર્ષ કરતાં ખાદ્ય તેલોનો સ્ટૉક ૧૦ લાખ ટન વધુ રહેતાં તહેવારો પહેલાં હજી ભાવ ઘટશે

પ્રતીકાત્મક તસવીર કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


અત્યાર સુધીની સૌથી વધુ ૧૬૫ લાખ ટનની આયાત થવાનો અંદાજ, ભારત વિશ્વનું ડ​​​મ્પિંગ સ્ટેશન બન્યું  ઃ ગ્રાહકો ખુશ-ગયા વર્ષ કરતાં ખાદ્ય તેલોનો સ્ટૉક ૧૦ લાખ ટન વધુ રહેતાં તહેવારો પહેલાં હજી ભાવ ઘટશે : ખેડૂતો નાખુશ-ખરીફ તેલીબિયાંનું વાવેતર ઘટ્યું, તેલીબિયાંના વાવેતરનું આકર્ષણ ન હોવાથી રવિ વાવેતર ઘટશે

‘કહીં ખુશી, કહીં ગમ’ જેવો માહોલ ખાદ્ય તેલો બાબતે બન્યો છે. દેશમાં ચાલુ સીઝનમાં વિક્રમી ખાદ્ય તેલોની આયાત થવાના સંજોગો બન્યા છે. આ વર્ષે દેશમાં આયાતી ખાદ્ય તેલનો ધોધ વહેવા લાગ્યો છે અને ઑગસ્ટ મહિનામાં ખાદ્ય તેલની વિક્રમી ૧૮.૫૨ લાખ ટનની આયાત થઈ છે. મોંઘવારીને નાથવા માટે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવાથી પામતેલ સહિતનાં ખાદ્ય તેલોની વિક્રમી આયાતો થઈ છે, જેને પગલે સમગ્ર વર્ષની આયાત ૧૬૫ લાખ ટનની વિક્રમી થાય એવો અંદાજ છે. સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ મુજબ દેશમાં ઑગસ્ટ મહિનામાં ખાદ્ય તેલની કુલ ૧૮.૫૨ લાખ ટનની આયાત થઈ છે, જે ગયા મહિને ૧૭.૫૫ લાખ ટનની આયાત થઈ હતી. આમ આયાતમાં પાંચ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ખાદ્ય તેલની કુલ ૧૩.૭૫ લાખ ટનની આયાત થઈ હતી, જેની તુલનાએ આયાતમાં ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.


ખાદ્ય તેલોની જરૂરિયાત-આયાતનું ગણિત


ભારત ૧૯૯૪થી ખાદ્ય તેલોમાં સતત ગુલામી તરફ ઘકેલાતું રહ્યું છે. ૧૯૯૪ સુધી દેશની ખાદ્ય તેલોની જરૂરિયાત જેટલા તેલીબિયાંનું ઉત્પાદન ભારતમાં થતું હતું, પણ ૧૯૯૪માં વિદેશી ખાદ્ય તેલો માટે લાલ જાજમ પાથરવામાં આવતાં ભારતમાં સસ્તાં વિદેશી ખાદ્ય તેલોની આયાત કૂદકે ને ભૂસકે વધી રહી છે. ૧૯૯૪ પછી ખાદ્ય તેલોની આયાત બાબતે પાછા વળીને જોવું પડે એવી સ્થિતિ એકપણ વર્ષ બની નહોતી. આર્થિક સમૃ​દ્ધિની સાથે દેશનો ખાદ્ય તેલોનો વપરાશ રૉકેટ ગતિએ વધી રહ્યો છે, પણ ૧૯૯૪થી માંડીને આજ સુધી દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન ગોકળગાય ગતિએ વધી રહ્યું હોવાથી લગભગ સ્થિર છે. હાલ દેશની ખાદ્ય તેલોની વાર્ષિક જરૂરિયાત ૨૨૫થી ૨૩૦ લાખ ટનની છે એની સામે ચાલુ સીઝનમાં દેશની ખાદ્ય તેલોની આયાત ૧૬૫થી ૧૭૦ લાખ ટન થશે. એટલે દેશની ૭૦થી ૭૫ ટકા જરૂરિયાત આયાતી ખાદ્ય તેલોથી પૂરી થશે. ચાલુ વર્ષે દેશમાં અંદાજે ૧૦૦ લાખ ટન પામતેલની આયાત થશે. નવાઈની વાત એ છે કે ભારતમાં પામતેલનું ઉત્પાદન માંડ બેથી ૩ લાખ ટન થાય છે, પણ ૨૨૫થી ૨૩૦ લાખ ટનની જરૂરિયાતમાં સૌથી વધુ પામતેલનો વપરાશ થાય છે, જેની મોટા ભાગની આયાત મલેશિયા અને ઇન્ડોનેશિયા બે દેશોમાંથી થાય છે. ભારતમાં ખાદ્ય તેલોનો વપરાશ જેમ-જેમ વધે છે તેમ-તેમ મલેશિયા અને ઇન્ડોનેશિયાના ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. ભારતમાં ખાદ્ય તેલોના વધતા વપરાશની સાથે-સાથે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પામતેલનું ઉત્પાદન વધે છે અને અહીં તેલીબિયાંનું ઉત્પાદન ઘટે છે.

ખાદ્ય તેલોની આયાતને સરકારનું પ્રોત્સાહન


રાજકારણીઓની કરણી અને કથનીમાં હંમેશાં તફાવત હોય છે અને આ બાબતે કોઈ બાકાત નથી. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર દેશ-વિદેશના જાહેર મંચ પરથી આત્મનિર્ભરતાની વાતો કરતાં આવ્યા છે, પણ ભારત ખાદ્ય તેલો બાબતે વિદેશી ગુલામી તરફ વધુ ને વધુ ધકેલાતું જાય છે. ૨૦૧૮માં જ્યારે ભારતને ખાદ્ય તેલોની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનો નારો વધુ ગુંજતો થયો ત્યારે નરેન્દ્ર મોદી સરકારે આઠ મહિનાના સમય ગાળામાં પાંચ વખત ખાદ્ય તેલોની આયાત ડ્યુટી વધારી હતી અને ઝીરોથી પાંચ ટકા રહેલી આયાત ડ્યુટી વધારીને ૫૦થી ૫૫ ટકા કરતાં ૨૦૨૦થી ૨૦૨૨ સુધી ખાદ્ય તેલોની આયાત ધીમે-ધીમે ઘટી રહી હતી અને ગઈ સીઝનમાં ખાદ્ય તેલોની આયાત ઘટીને ૧૩૫ લાખ ટને પહોંચી હતી, પણ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી નજીક આવતાં અને મોંઘવારી સતત વધી રહી હોવાથી નરેન્દ્ર મોદી સરકારે ખાદ્ય તેલોની આયાત ડ્યુટી એક જ ઝાટકે ઘટાડી નાખી અને થોડા મહિનાઓ પહેલાં ૨૦-૨૦ લાખ ટન સોયાતેલ અને સનફ્લાવર ઑઇલની ડ્યુટી-ફ્રી આયાતની છૂટ આપી હતી જેને કારણે વિશ્વમાં ભારત ખાદ્ય તેલોનું ડ​મ્પિંગ સ્ટેશન બન્યું અને આયાતકારોએ સસ્તાં ખાદ્ય તેલોની લાઇન લગાડી દીધી એનું સીધું પરિણામ એ આવ્યું કે  આપણે ખાદ્ય તેલોની વિક્રમી આયાત કરવા જઈ રહ્યા છે.

વિક્રમી ખાદ્ય તેલોની આયાતના અંદાજો

દેશમાં ચાલુ ખાદ્ય તેલ સીઝન વર્ષમાં ખાદ્ય તેલની વિક્રમી આયાત થવાનો અંદાજ છે. અમેરિકન કૃષિ સંસ્થા (યુએસડીએ)ના અનુસાર ભારતમાં ચાલુ વર્ષે કુલ ૧૬૫ લાખ ટનની આયાતો અંદાજ છે.

‘તેલબિયાં : વિશ્વ બજારો અને વેપાર’ પરના સપ્ટેમ્બરના અહેવાલમાં, યુએસડીએએ જણાવ્યું હતું કે ભારતની આયાતમાં લગભગ ૧૦૦ લાખ ટન પામ તેલનો સમાવેશ થાય છે. વધુમાં સનફ્લાવર તેલની આયાત અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગઈ છે, કારણ કે આ પ્રીમિયમ તેલના મોટા જથ્થાને કાળા સમુદ્રના દેશમાંથી ડિસ્કાઉન્ટમાં ઑફર કરવામાં આવી રહ્યા છે, એમ તેણે જણાવ્યું હતું.

જ્યારે આ માર્કેટિંગ વર્ષમાં ખાદ્ય તેલનો વપરાશ ફરી વધ્યો છે ત્યારે તાજેતરના મોટા પ્રમાણમાં આયાતી તેલ પણ ભારતમાં સ્ટૉકને ફરી એકઠો કરવામાં મદદ કરશે અને આગામી મહિનાઓમાં તહેવારો દરમ્યાન વધતી માગને ટેકો મળશે.

દેશમાં ૧૬૫ લાખ ટનની આયાતના અંદાજને વાજબી અંદાજ તરીકે ગણાવતાં સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના પ્રવકતાએ જણાવ્યું હતું કે ‘જો શિપમેન્ટ તે શ્રેણી કરતાં વધી જાય તો પણ આશ્ચર્ય થશે નહીં. સપ્ટેમ્બર અને ઑક્ટોબર માટે લાઇન-અપ લગભગ પચીસ લાખ ટન પ્લસ આયાત હોઈ શકે છે. ભારત ઑગસ્ટ સુધીમાં ૧૪૦ લાખ ટન આયાત કરી ચૂક્યું છે. દેશે ૨૦૧૬-’૧૭માં ૧૩૧ લાખ ટનની આયાત કરી હતી જે સર્વકાલીન ઉચ્ચ સ્તરનો રેકૉર્ડ હતો. ચાલુ વર્ષે ખાદ્ય તેલની આયાત અગાઉના તમામ રેકૉર્ડ તોડી નાખશે.

યુએસડીએના અંદાજો સાથે સહમત થતાં ભારતીય વનસ્પતિ તેલ ઉત્પાદક સંઘના પ્રમુખ સુધાકર દેસાઈએ જણાવ્યું હતું કે પાછલા વર્ષની સરખામણીમાં ભાવમાં ભારે ઘટાડાને કારણે ખાદ્ય તેલના વપરાશમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ઑગસ્ટમાં આશરે ચારથી પાંચ લાખ ટનની આયાતનાં વધારાને કારણે ભારતમાં વધારાનો સ્ટૉક જમા થયો છે. તેમણે જણાવ્યું હતું કે ઊંચા ભાવને કારણે પાછલાં બે વર્ષમાં સ્થિર માગ પછી દેશમાં વપરાશમાં લગભગ છથી સાત ટકાનો વધારો થયો છે.

તહેવારો પહેલાં હજી ભાવ ઘટશે

દેશમાં પહેલી સપ્ટેમ્બરના રોજ વિવિધ પોર્ટ ઉપર ખાદ્ય તેલનો કુલ ૧૪.૬૪ લાખ ટનનો સ્ટૉક પડ્યો હતો, જેમાં ક્રૂડ પામતેલનો ૫.૫૩ લાખ ટન, રિફાઇન્ડનો ૨.૩૨ લાખ ટન, સોયાતેલનો ૩.૮૩ લાખ ટન અને સનફ્લાવરનો ૨.૯૬ લાખ ટનનો સ્ટૉક હતો, જ્યારે પાઇપલાઇનમાં ખાદ્ય તેલનો કુલ ૨૨.૭૨ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. આમ પહેલી સપ્ટેમ્બરે કુલ સ્ટૉક ૩૭.૩૫ લાખ ટનનો છે, જે ગયા વર્ષના ૧ સપ્ટેમ્બર કરતાં ૧૦ લાખ ટન વધુ હોવાથી ખાદ્ય તેલોના ભાવ સતત ઘટી રહ્યા છે અને તહેવારો પહેલાં ખાદ્ય તેલોના ભાવ હજી ઘટશે, પણ ખેડૂતો માટે તેલીબિયાંના નીચા ભાવને કારણે એનું વાવેતર કરવાનું કોઈ આકર્ષણ નથી. ખરીફ સીઝનમાં તેલીબિયાંનું વાવેતર સવા ટકો ઘટ્યું છે, પણ રવિ સીઝનમાં રાયડાનું વાવેતર ચાલુ વર્ષે ૧૫થી ૨૦ ટકા અને રવિ તેલીબિયાંનું વાવેતર ૧૦થી ૧૫ ટકા ઘટવાની ધારણા છે.

18 September, 2023 03:14 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK