ભારતમાં ટૅક્સને લગતા કાયદાના વહીવટ અને અમલીકરણમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ ૧૩૩(૬) (‘ઍક્ટ’) મુખ્ય ભૂમિકા ભજવે છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ટૅક્સને લગતા કાયદાના વહીવટ અને અમલીકરણમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ ૧૩૩(૬) (‘ઍક્ટ’) મુખ્ય ભૂમિકા ભજવે છે. આ જોગવાઈ આવકવેરા વિભાગને વિવિધ એન્ટિટીઓ પાસેથી માહિતી પ્રદાન કરવાની વિનંતી કરવાની સત્તા આપે છે તથા પારદર્શિતા અને કરના નિયમોનું અનુપાલન સુનિશ્ચિત કરે છે. કરદાતાઓ દ્વારા થતી કરચોરી તેમ જ કર ભરવાનું ટાળવાની તેમની વૃત્તિ એ સરકાર માટે કાયમી પડકાર છે. આ પડકારોને અસરકારક રીતે ઝીલવા માટે કર-અધિકારીઓ પાસે ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સની, સંપત્તિઓની અને આવકના સ્રોત વિશેની વ્યાપક તથા સચોટ માહિતીઓનું હોવું ખૂબ જરૂરી છે. ટૅક્સ અધિકારીઓ આ બધા મહત્ત્વના ડેટા એકત્ર કરી શકે એ માટે કલમ ૧૩૩(૬)એ એક મહત્ત્વનું સાધન છે.
કલમ ૧૩૩(૬)નો વ્યાપ
વિવિધ સ્રોતોમાંથી કરદાતાની નાણાકીય બાબતોને લગતી માહિતીઓ જેવી કે હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો અથવા એવી સંબંધિત બીજી કોઈ પણ માહિતીઓની માગણી કરવા માટે કર-અધિકારીઓને કલમ ૧૩૩(૬) સશક્ત બનાવે છે. આ સ્રોતોમાં વ્યક્તિઓ, કંપનીઓ, બૅન્કો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ સામેલ હોઈ શકે છે. જે કરદાતા સ્ક્રૂટીની હેઠળ હોય એ કરદાતા પૂરતી જ આ જોગવાઈ મર્યાદિત નથી, પરંતુ કોઈ પણ અન્ય પાર્ટી જેની પાસે એ કરદાતાને લગતી માહિતી હોવાની શક્યતા હોય તેની પાસેથી પણ આવી માહિતીઓની માગણી કરી શકાય છે.
ADVERTISEMENT
માગણી માટેનો અધિકાર
આ જોગવાઈ હેઠળ, અધિકૃત અધિકારીઓને સંબંધિત પક્ષો પાસેથી સંબંધિત દસ્તાવેજો અને માહિતી રજૂ કરવાની માગણી કરતી નોટિસ આપવાનો અધિકાર છે. આ નોટિસો કાયદાકીય નિયમનોનું પાલન કરતી હોવી જોઈએ તથા કાયદેસર રીતે કર બાબતની તપાસણીના હેતુ માટે જારી કરેલી હોવી જોઈએ. આવી નોટિસોનું અનુપાલન ન કરવામાં આવે તો દંડ ભરવો પડી શકે છે તેમ જ અન્ય કાયદાકીય ગૂંચ ઊભી થઈ શકે છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન ૧૩૩(૬) હેઠળ એસેસીને પોતાના કેસ માટે નોટિસ મળી શકે છે અથવા બીજા કોઈ પૅન નંબર હેઠળના કરદાતા કે જેણે તમારી સાથે ટ્રાન્ઝૅક્શન કર્યું હોય અને તમારો પૅન નંબર ટાંક્યો હોય તો એવા કેસ માટેની માહિતી મેળવવા માટે તમને પણ આવી નોટિસ આવી શકે છે. આ બાબતની વધુ માહિતી મેળવવા અથવા એ નિર્દિષ્ટ વ્યવહાર વિશે પુષ્ટિ મેળવવા માટે, તમને પણ નોટિસ આપવામાં આવી શકે છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન ૧૩૩(૬) હેઠળ આવેલી નોટિસનો જવાબ આપવો ફરજિયાત છે.
ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ ૧૩૩(૬)નું મહત્ત્વ અને એની અસરો
૧. વધારે પારદર્શિતા ઃ ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ ૧૩૩(૬) નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે, જેનાથી કરદાતાઓને પોતાની આવક અથવા સંપત્તિ છુપાવવી મુશ્કેલ બને છે. આને કારણે સરકારને કરની યોગ્ય રકમ એકત્રિત કરવામાં મદદ મળે છે.
૨. કરચોરી પર નિયંત્રણ ઃ આ જોગવાઈના અસ્તિત્વ માત્રથી કરચોરીના કિસ્સાઓ ઓછા કરવામાં મદદ મળે છે. કરદાતાઓને ખબર છે કે કર-અધિકારીઓ છુપાવેલ માહિતીને શોધવા માટે સક્ષમ છે એટલે કરદાતાઓ દ્વારા અપ્રમાણિક વ્યવહારો કરવાની સંભાવના ઓછી થાય છે.
૩. અન્ય પક્ષ પાસેથી માહિતી મેળવવાની ક્ષમતા ઃ આ જોગવાઈની એક અનન્ય સુવિધા એ સંબંધિત અન્ય પક્ષો પાસેથી માહિતીની માગ કરવાની ક્ષમતા છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કરદાતાએ બૅન્ક ખાતામાંની આવક દર્શાવી ન હોય તો કર-અધિકારીઓ આવી આવકનો સ્રોત જાણવા માટે બૅન્કના રેકૉર્ડ મેળવવાની વિનંતી કરીને તપાસી શકે છે.
ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ ૧૩૩(૬) હેઠળ મળેલી નોટિસનો જવાબ આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ
૧. નોટિસને ધ્યાનપૂર્વક વાંચીને નોટિસ આપવાનાં કારણોનું વિશ્લેષણ કરો.
૨. વર્ષ દરમ્યાન મેળવેલી આવકના તમામ સ્રોતો વિશેની માહિતી એકત્રિત કરો.
૩. નોટિસમાં જે રીતે જરૂરી હોય એ બધી જ જરૂરી માહિતીઓ આપો.
૪. ઉલ્લેખિત સમયગાળાની અંદર બધી માહિતીઓ સબમિટ કરો.
૫. કમ્પ્લાયન્સ પોર્ટલ અથવા નોટિસમાં દર્શાવેલ કોઈ પણ માહિતી જો તમને સંબંધિત ન હોય તો તરત જ એને નકારી કાઢો.
ધ્યાનમાં રાખો કે ટૅક્સ ડિપાર્ટમેન્ટને ઑનલાઇન માહિતી પ્રદાન કરી દેવાથી તમારી સ્ક્રૂટીની ટાળી શકાય છે.


