કોઈ એક નાણાકીય વર્ષના આ બધા ફેરફારો માટેની છેલ્લી તારીખ જીએસટીનું રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ એટલે કે ત્યાર પછીના વર્ષના સપ્ટેમ્બરની છેલ્લી તારીખ નથી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ભારત સરકારે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના નોટિફિકેશન ક્રમાંક ૧૮/૨૨-સેન્ટ્રલ ટૅક્સ દ્વારા ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૨માં ૧૦૦થી ૧૧૪મી કલમો નોટિફાય કરી છે. આ ઉપરાંત ૪ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ અખબારી યાદી દ્વારા સ્પષ્ટતા કરી છે કે ઉક્ત કલમો નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨થી લાગુ પડે છે.
નોટિફિકેશન બહાર પડ્યા બાદ હવે આઇટીસી ક્લેમ કરવા માટેની છેલ્લી તારીખ અને ક્રેડિટ નોટ્સ વગેરે મારફતે જીએસટી ભરવાની જવાબદારીમાં ફેરફારો કરાવવા માટેની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૨ છે.
ADVERTISEMENT
વાંચકોએ નોંધ લેવી કે આઇટીસી ક્લેમ કરવા માટેની નવી છેલ્લી તારીખ અને સુધારાઓ કરાવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૨ છે. આ છેલ્લી તારીખ નવેમ્બર ૨૦૨૨નું ફૉર્મ જીએસટીઆર ૩બીમાં સમરી રિટર્ન ભરવા માટે લાગુ નથી.
નોંધનીય છે કે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૬ અને ૩૪માં ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૨ની કલમ ૧૦૦ અને ૧૦૨ દ્વારા સુધારા કરવામાં આવ્યા છે. એમાં નાણાકીય વર્ષ માટેની ક્રેડિટ નોટ બનાવવી તથા નાણાકીય વર્ષના સુધારા, ફેરફારો, રિટર્નનાં સુધારા અને રિપોર્ટિંગ, મિસ્ડ સેલ્સ ઇન્વૉઇસ અથવા ડેબિટ/ક્રેડિટ નોટ્સનો સમાવેશ થાય છે. કોઈ એક નાણાકીય વર્ષના આ બધા ફેરફારો માટેની છેલ્લી તારીખ જીએસટીનું રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ એટલે કે ત્યાર પછીના વર્ષના સપ્ટેમ્બરની છેલ્લી તારીખ નથી. હવે આ તારીખ પછીના વર્ષની ૩૦ નવેમ્બર અથવા સંબંધિત વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એ બન્નેમાંથી જે તારીખ વહેલી આવે એ તારીખ છે.
સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૬ હેઠળની સંબંધિત જોગવાઈઓ
કલમ ૧૬(૪)માં કહેવામાં આવ્યું છે કે જે નાણાકીય વર્ષ માટે ગુડ્સ કે સર્વિસિસ કે બન્નેની સપ્લાય માટેનાં ઇન્વૉઇસ કે ડેબિટ નોટ આપવામાં આવ્યાં હોય એ વર્ષ પૂરું થયા બાદના વર્ષની ૩૦ નવેમ્બર પછી અથવા તો સંબંધિત વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એ બન્નેમાંથી જે તારીખ વહેલી આવે ત્યાર પછી રજિસ્ટર્ડ પર્સન એ ઇન્વૉઇસ કે ડેબિટ નોટ સંબંધે આઇટીસી લઈ શકે નહીં.
રજિસ્ટર્ડ પર્સન કઈ રીતે આઇટીસી ક્લેમ કરી શકે?
માસિક કરવેરા ભરનારાઓ માટે છેલ્લી તારીખને લગતા નવા નિયમ મુજબ પ્રાપ્ત નહીં કરાયેલી આઇટીસી ઑક્ટોબર ૨૦૨૨નું જીએસટીઆર ૩બી રિટર્ન ભરીને ૨૦થી ૨૪ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં પ્રાપ્ત કરી શકાય છે. આ રિટર્ન મોડું ભરી શકાય છે, પરંતુ ૩૦ નવેમ્બર, ૨૦૨૨ પછી નહીં.
ક્યુઆરએમપી સ્કીમ પસંદ કરીને ત્રિમાસિક ધોરણે કરવેરા ભરનારાઓ માટે સપ્ટેમ્બર ક્વૉર્ટર માટેનું ફૉર્મ જીએસટીઆર ૩બીમાં ભરવાના સમરી રિટર્ન માટેની છેલ્લી તારીખ ૨૨ કે ૨૪ ઑક્ટોબર છે. ડિસેમ્બર ક્વૉર્ટર માટેની છેલ્લી તારીખ ૨૨ કે ૨૪ જાન્યુઆરી છે.
જીએસટી રિટર્ન મોડેથી ભરવામાં આવે તો લેટ ફી અને વ્યાજ લાગુ પડે છે. આથી કરદાતાઓએ રિટર્ન મોડું કરવાનો નિર્ણય લેતાં પહેલાં વિચાર કરી લેવો જરૂરી છે.
ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ) રિટર્ન માટે કલમ બાવનમાં કરવામાં આવેલો ફેરફાર સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ બાવનમાં ટીસીએસ રિટર્ન માટે ફેરફાર કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ માટેના ફૉર્મ જીએસટીઆર-૮માં ટીસીએસ રિટર્નમાં સુધારા પછીના નાણાકીય વર્ષની ૩૦ નવેમ્બર કે એની પહેલાં કરવાના હોય છે.
નિષ્કર્ષ
મારા મતે સરકારે કરદાતાઓને જીએસટી રિટર્નમાં ભરવામાં આવેલી વિગતોમાં ફેરફાર કરવા માટે વધારાનો સમય આપ્યો છે. જોકે ૩૦ નવેમ્બર, ૨૦૨૨ની તારીખ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ સાથે આવતી નહીં હોવાને લીધે કરદાતાઓને થોડી ગૂંચવણ થઈ શકે છે.


