દિવ્યજ ફાઉન્ડેશનનાં સ્થાપક અમૃતા ફડણવીસ અને BMCના કમિશનરની હાજરી
મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યો તે પ્રસંગમાં હાજર મહાનુભાવો
સિક્યૉરિટીઝ બજારમાં નાણાકીય શિક્ષણ અને રોકાણકાર જાગૃતિ વધારવા માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE) અને દિવ્યજ ફાઉન્ડેશન વચ્ચે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ફાઉન્ડેશનનાં સ્થાપક અમૃતા દેવેન્દ્ર ફડણવીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણી અને બૉલીવુડ અભિનેત્રી શર્વરી વાઘ ઉપસ્થિત રહ્યાં હતાં. કરાર બાદ એક ઇન્વેસ્ટર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુંબઈ મહાપાલિકાની ૨૦૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું કે ‘BMC મહત્ત્વપૂર્ણ શિક્ષણ અને જાગૃતિ માટેની પહેલોને ટેકો આપી વિવિધ કાર્યક્રમો યોજે છે. નાણાકીય જ્ઞાન અને રોકાણકાર જાગૃતિનું મહત્ત્વ અમે સમજીએ છીએ.’
વિખ્યાત સેવા સંસ્થા દિવ્યજનાં સ્થાપક અમૃતા ફડણવીસે આ પ્રસંગે કહ્યું કે ‘NSE સાથેની આ ભાગીદારી દ્વારા અમે નાણાકીય જ્ઞાનને અંતરિયાળ ગામડાંઓની મહિલાઓ સુધી પહોંચાડી શકીશું.’
ADVERTISEMENT
NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું કે ‘NSE નાણાકીય શિક્ષણ અને રોકાણકાર જાગૃતિના પ્રસાર માટે કટિબદ્ધ છે. દિવ્યજ ફાઉન્ડેશન સાથેના જોડાણથી આ દિશામાં વધુ સારી કામગીરી થઈ શકશે અને વધુ ને વધુ લોકો જાણકારીયુક્ત નાણાકીય નિર્ણયો લઈ શકશે.’
દિવ્યજ ફાઉન્ડેશન શિક્ષણ, નાણાકીય સ્વતંત્રતા, આરોગ્ય, કૌશલ વિકાસ, પોષક આહાર, સ્વચ્છતા, મહિલા સશક્તીકરણ અને બાળકોની સંભાળ ક્ષેત્રે કામ કરે છે.

