રિલાયન્સ બ્લૉક ડીલમાં ભારે વૉલ્યુમ સાથે સવાબે ટકા બગડ્યો, અદાણીના ૧૦માંથી ૯ શૅર નરમ
પ્રતીકાત્મક તસવીર
નોમુરાના ડાઉન ગ્રેડિંગમાં એચડીએફસી બૅન્ક ચાર ટકા તૂટતાં બજારને ૪૩૨ પૉઇન્ટનો ફટકો : રિલાયન્સ બ્લૉક ડીલમાં ભારે વૉલ્યુમ સાથે સવાબે ટકા બગડ્યો, અદાણીના ૧૦માંથી ૯ શૅર નરમ : આર.આર. કેબલનું પ્રોત્સાહક લિસ્ટિંગ, ક્યુઆઇબીની મહેરબાનીમાં યાત્રા ઑનલાઇનનો ઇશ્યુ છેવટે પાર લાગ્યો : સાંઈ સિલ્ક્સના નવી ગિલ્લી નવો દાવ જેવા ઇશ્યુને પ્રથમ દિવસે કંગાળ રિસ્પૉન્સ : પાવર ફાઇ. કૉર્પો. એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ નહીંવત્ નરમ, અપાર ઇન્ડ.ની વૉલ્યુમ સાથે બેવડી સદી : મોટા ભાગના સેક્ટોરલ રેડ ઝોનમાં, માર્કેટ બ્રેડ્થ નબળી, માર્કેટકૅપમાં અઢી લાખ કરોડ રૂપિયા ડૂલ
વિશ્વબજારમાં ક્રૂડ ૯૬ ડૉલર પાર થયું છે. ફેડનું આઉટકમ માથે છે, અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધવા માંડ્યું છે. એફઆઇઆઇ સેલિંગ મૂડમાં આવી છે. કૅનેડા સાથેના સંબંધમાં તનાવ પેદા થયો છે. સરવાળે બજાર આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી છેવટે ૭૯૬ પૉઇન્ટ ઘટી ૬૬,૮૦૧ તથા નિફ્ટી ૨૩૨ પૉઇન્ટ બગડી ૧૯,૯૦૧ બુધવારે બંધ થયો છે. સેન્સેક્સ આગલા બંધથી ખાસ્સો નબળો, ૫૧૭ પૉઇન્ટના ગૅપ ડાઉન ઓપનિંગમાં ૬૭,૦૮૦ ખૂલી ઉપરમાં ૬૭,૨૯૪ અને નીચામાં ૬૬,૭૨૮ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની ૧.૨ ટકા જેવી નરમાઈ સામે સ્મૉલ કૅપ પોણો ટકો અને બ્રૉડર માર્કેટ એક ટકા ઘટ્યું છે. પાવર અને યુટિલિટી ઇન્ડેક્સ અડધો ટકો જેવા પ્લસ હતા. અન્ય લગભગ તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા છે. બૅન્ક નિફ્ટી ૫૯૫ પૉઇન્ટ કે સવા ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૪ ટકા, રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૨ ટકા, ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકા, મેટલ ઇન્ડેક્સ સવા ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૨ ટકા ડાઉન થયા છે. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૭૦૮ શૅરની સામે ૧૩૨૩ જાતો ઘટી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે મોટા ભાગનાં એશિયન બજારો નરમ હતાં. થાઇલૅન્ડ એક ટકો, જપાન અને તાઇવાન અડધા ટકાથી વધુ, ચાઇના તથા હૉન્ગકૉન્ગ અડધો ટકો, ઑસ્ટ્રેલિયા, મલેશિયા, ફિલિપીન્સ તેમ જ સિંગાપોર સામાન્ય ઢીલાં હતાં. યુરોપ અડધા ટકા જેવું રનિંગમાં પ્લસ હતું. લંડન ફુત્સી પોણા ટકાથી વધુ પ્લસ હતો. ભારત-કૅનેડા વચ્ચેનું આર્થિક કનેક્શન સ્ટ્રૉન્ગ છે. ત્યાંના લાર્જેસ્ટ પેન્શન ફન્ડ તરફથી ૨૧ અબજ ડૉલર (આશરે પોણાબે લાખ કરોડ રૂપિયા)નું રોકાણ આપણા શૅરબજારમાં થયેલું છે. બે દેશો વચ્ચે ટેન્શન વકરે તો શૅરબજારને અવશ્ય માઠી અસર થશે. ડૉલર સામે રૂપિયો ૮૩.૨૯ના ઑલટાઇમ તળિયે જઈ ચૂક્યો છે. વિશ્લેષકો આગામી છ માસમાં ૮૩.૭૫ અને એ લેવલ તૂટે તો ૮૪.૨૦ના નવા બૉટમની શક્યતા જુએ છે. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૨.૪૮ લાખ કરોડ ઘટી ૩૨૦.૫૨ લાખ કરોડ જેવું રહ્યું છે.
પાવર ગ્રિડ, એનટીપીસી, ઍક્સિસ બૅન્કમાં નવી ટૉપ, રિલાયન્સ વૉલ્યુમ સાથે તૂટ્યો
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૭ અને નિફ્ટીના ૫૦માંથી ૧૧ શૅર પ્લસ હતા. પાવર ગ્રિડ બમણા કામકાજે ૨૦૬ની ટૉપ બતાવી ૨.૩ ટકા વધી ૨૦૫ થયો છે. તો એનટીપીસી પણ ૨૪૬ના શિખરે જઈ સામાન્ય વધી ૨૪૨ હતો. એશિયન પેઇન્ટ્સ અડધો ટકો પ્લસ હતો. મહિન્દ્ર ૦.૩ ટકા ઘટી ૧૬૩૭ થયો છે. ઍક્સિસ બૅન્ક ૧૦૪૮ નજીક વિક્રમી સપાટી બનાવી ૦.૩ ટકા વધી ૧૦૨૮ રહી છે. નિફ્ટી ખાતે કોલ ઇન્ડિયા ૨૮૮ના બેસ્ટ લેવલ બાદ એક ટકો વધીને ૨૮૪ હતો. ઓએનજીસી પોણો ટકો અને સનફાર્મા અડધો ટકો પ્લસ હતા. એચડીએફસી બૅન્કમાં નોમુરાનું ડી-રેટિંગ આવતાં ભાવ ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૧૫૬૦ થઈ ચાર ટકા લથડી ૧૫૬૨ બંધ થતાં સેન્સેક્સને ૪૩૨ પૉઇન્ટનો ફટકો પડ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૧ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ અઢી ટકા, અલ્ટ્રાટેક ૧.૯ ટકા, ભારતી ઍરટેલ એક ટકા, મારુતિ દોઢ ટકો, ટેક મહિન્દ્ર ૧.૨ ટકા, બ્રિટાનિયા દોઢ ટકા, અપોલો હૉસ્પિ. ૧.૪ ટકા, એચડીએફસી લાઇફ ૧.૮ ટકા, એસબીઆઇ લાઇફ બે ટકા, હિન્દાલ્કો સવા ટકા, ભારત પેટ્રો ૨.૨ ટકા, યુપીએલ ૧.૨ ટકા, તાતા કન્ઝ્યુમર સવા ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા ડાઉન હતા.
બ્લૉકડીલના પગલે સરેરાશ કરતાં ૧૩ ગણા વૉલ્યુમે રિલાયન્સ નીચામાં ૨૩૬૧ થઈ ૨.૨ ટકા ગગડી ૨૩૮૨ બંધ થતાં બજારને ૧૬૩ પૉઇન્ટની હાનિ થઈ છે. જિયો ફાઇનૅન્શિયલ વધુ ૧.૪ ટકા ઘટીને ૨૩૦ રહ્યો છે. અદાણી ગ્રુપના ૧૦માંથી ૯ શૅર માઇનસ થયા છે. અદાણી એન્ટર ૧.૩ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૬ ટકા, અદાણી પાવર દોઢ ટકા, એસીસી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૧.૯ ટકા અને એનડીટીવી અડધો ટકો ઘટ્યા છે. અદાણી ગ્રીન પોણો ટકો વધ્યો છે. અદાણી વિલ્મર ૦.૭ ટકા અને અદાણી ટોટલ અડધો ટકો નરમ હતા.
ખોટ કરતી સિગ્નેચર ગ્લોબલનો ઇશ્યુ પ્રથમ દિવસે ૫૭ ટકા ભરાઈ ગયો
મેઇન બોર્ડમાં મુંબઈના વરલી ખાતેની આર.આર. કેબલનો પાંચના શૅરદીઠ ૧૦૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે આગલા દિવસે ગ્રે માર્કેટમાં ૧૦૪ રૂપિયાના પ્રીમિયમવાળો ઇશ્યુ ગઈ કાલે ૧૧૭૯ ખૂલી નીચામાં ૧૧૩૮ અને ઉપરમાં ૧૨૧૩ થઈ ૧૧૯૭ બંધ થતાં અત્રે ૧૫.૬ ટકાનો કે શૅરદીઠ ૧૬૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ખોટ કરતી મુંબઈના લોઅર પરેલ ખાતેની યાત્રા ઑનલાઇનનો એકના શૅરદીઠ ૧૪૨ની અપર બેન્ડ સાથેનો ૭૭૫ કરોડનો પબ્લિક ઇશ્યુ બુધવારે કુલ ૧.૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. અહીં ગ્રે માર્કેટમાં પહેલેથી કોઈ સોદા નથી. હૈદરાબાદી સાંઈ સિલ્ક્સ દાયકા પૂર્વે, ફેબ્રુ ૨૦૧૩માં ૧૦ના શૅરદીઠ ૭૫ની અપર બેન્ડ સાથે ૮૯ કરોડનો ઇશ્યુ લાવી હતી. ભરણું નિષ્ફળ ગયું હતું. હવે તેજીમાં આ જ કંપની બેના શૅરદીઠ ૨૨૨ની અપર બેન્ડ સાથે ૧૨૦૧ કરોડનો ઇશ્યુ લઈ મૂડીબજારમાં આવી છે. ભરણું પ્રથમ દિવસે સાત ટકા ભરાયું છે, જ્યારે નવી દિલ્હી ખાતેની ભારે ખોટને લઈ નેગેટિવ ઍવરેજ ઈપીએસવાળી રિયલ્ટી કંપની સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયાનો એકના શૅરદીઠ ૩૮૫ની અપર બેન્ડ સાથે ૭૩૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૫૭ ટકા ભરાયો છે. સોમવારે લિસ્ટેડ થયેલી મુંબઈના મુલુંડ ખાતેની જ્યુપિટર લાઇફ લાઇન હૉસ્પિટલ્સ ગઈ કાલે નીચામાં ૧૦૨૯ થઈ ૧.૨ ટકા ઘટી ૧૦૬૨ રહી છે.
વાડિયાની નૅશનલ પેરૉકસાઇડ નવી ટોચે, બ્લુસ્ટાર ક્વિપના કરન્ટમાં ઊછળ્યો
બુધવારે ખરાબ બજાર વચ્ચે જિંદલ ફોટો ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૫૦ના શિખરે ગઈ છે. વૉલ્યમ ૧૦ ગણું હતું. એજીઆઇ ગ્રીનપેક અર્થાત અગાઉની હિન્દુસ્તાન સૅનિટરીવેર્સ ૧૫ ટકા કામકાજે ૮૯૫ની નવી ટૉપ બનાવી ૧૭ ટકા કે ૧૨૬ રૂપિયાની તેજીમાં ૮૭૨ થઈ છે. અન્યમાં ઈકેઆઇ એનર્જી ૧૯ ટકા, પંજાબ કમ્યુનિકેશન્સ ૧૨ ટકા, સિટી પલ્સ મલ્ટિપ્લેક્સ ૧૬.૩ ટકા, અજન્ટા સોયા ૧૩.૫ ટકા, બ્લુસ્ટાર ૧૩.૪ ટકા, જયશ્રી ટી ૧૦.૬ ટકા, જિંદલ પોલી ઇન્વેસ્ટમેન્ટ ૧૨.૪ ટકા મજબૂત થયા છે. અપાર ઇન્ડ. ૬ ગણા વૉલ્યુમે ૫૭૪૦ની ટોચે જઈ ચાર ટકા કે ૨૧૩ રૂપિયા ઊચકાઈ ૫૪૫૦ હતી.
ક્રેસેન્ડા સોલ્યુશન્સ ૮.૮ ટકા તથા એનો પાર્ટપેઇડ ૭.૪ ટકા ગગડ્યો છે. ડીબી રિયલ્ટી ૧૮૦ની મલ્ટિયર ટૉપ બનાવી પોણો ટકો વધી ૧૭૩ હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧૪૭૫ની વિક્રમી સપાટી બાદ નીચામાં ૧૪૨૨ થઈ એક ટકો ઘટી ૧૪૪૧ હતો. નસ્લી વાડિયાની નૅશનલ પેરૉક્સાઇડ બમણા કામકાજે ૨૨૫૨ના શિખરે જઈ ૨૩૫ રૂપિયા કે ૧૧.૮ ટકાની તેજીમાં ૨૩૩૫ થઈ છે. બૉમ્બે ડાઇંગ બે ટકા ઘટી ૧૪૫ રહી છે. ટીસીએસ પાંખા કામકાજે ૩૬૨૫ની વર્ષની ટોચે જઈ નજીવો સુધરી ૩૬૦૬ બંધ આવી છે. ટીવીએસ મોટર્સ ૧૫૩૨ના બેસ્ટ લેવલને હાંસલ કરી એક ટકો ઘટી ૧૫૧૨ હતી.
પાવર ફાઇનૅન્સ કૉર્પો. ૪ શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ-બોનસ થવાનો છે. શૅર નહીંવત્ ઘટી ૨૮૭ બંધ થયો છે. બર્ગર પેઇન્ટ્સ પાંચ શૅરદીઠ એક બોનસમાં ૨૨મીએ એક્સ-બોનસ થશે. ભાવ ૧.૮ ટકા વધી ૭૫૪ હતો. બ્લુસ્ટાર લિમિટેડ દ્વારા શૅરદીઠ ૭૮૪ની ફ્લોર પ્રાઇસથી ક્વિપ રૂટ મારફત ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું નક્કી થતાં શૅર ૯૪૬ના શિખરે જઈ ૨૪ ગણા કામકાજે ૧૩.૪ ટકા કે ૧૦૭ રૂપિયા ઊચકાઈ ૯૦૭ થયો છે.
કર્ણાટક બૅન્કમાં ૧૫ વર્ષનું શિખર, થર્મેક્સમાં ૧૧૩ રૂપિયાની મજબૂતી
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના ઘટાડે ૫૯૫ પૉઇન્ટ કે સવા ટકો ટકા કપાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નબળાઈમાં ૧.૨ ટકા ડાઉન હતો. બૅન્કિંગના ૩૮માંથી ૧૧ શૅર પ્લસ હતા. કર્ણાટક બૅન્ક બમણા વૉલ્યુમે ૨૫૮ની ૧૫ વર્ષની ટૉપ હાંસલ કરી ૩.૭ ટકાની આગેકૂચમાં ૨૪૯ હતો. એયુ બૅન્ક ૩.૬ ટકા ઊચકાઈ ૭૫૫ થઈ છે. યુનિયન બૅન્ક ૧૦૩ નજીક નવી ટૉપ દેખાડી પોણો ટકો વધી ૯૯ હતી. ડીસીબી બૅન્ક ૧.૪ ટકા સુધરી છે. સામે ધનલક્ષ્મી બૅન્ક ૩.૫ ટકા, યસ બૅન્ક ત્રણ ટકા, આઇડીબીઆઇ બૅન્ક અઢી ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક ૨.૨ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૪.૨ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૩.૮ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૩ ટકા બગડ્યા હતા. બૅન્કિંગના ભાર સાથે ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૮ શૅરના ઘટાડે ૧.૪ ટકા કપાયો છે. આઇએફસીઆઇ ૧૩ ટકા ઊછળી ૨૧ની નવી ટોચે બંધ હતી. ધાની સર્વિસિસ ૫ ટકા, બીએફ ઇન્વે. ૪.૭ ટકા અને સાટિન ક્રેડિટ ૪.૩ ટકા વધ્યા છે. આનંદ રાઠી વેલ્થ ૩.૨ ટકા ઊચકાઈ ૧૫૧૬ની ટોચે ગઈ છે.
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૪ શૅરના ઘટાડામાં અડધો ટકો ડાઉન હતો. ટેક મહિન્દ્ર, એચસીએલ ટેક્નૉ, ઇન્ફી, વિપ્રો, લાટિમ જેવી અગ્રણી જાતો માઇનસમાં રહી છે. ઇન્ડ્સ ટાવર, અવાન્ટેલ, તાતા ટેલિ, એમટીએનએલ અને આઇટીઆઇ જેવા ટેલિકૉમ શૅર દોઢથી પોણાપાંચ ટકા કપાયા હતા. એનર્જીમાં ચેન્નઈ પેટ્રો ૫૪૯ના શિખરે જઈ ૫.૭ ટકા ઊછળી ૫૩૭ થયો છે. જેએસડબ્લ્યુ એનર્જી ૩.૨ ટકા ઝળકીને ૪૦૬ હતો. સતલજ જલ વિદ્યુત ૮૪ નજીકની નવી ઊંચી સપાટી બતાવી ૬.૮ ટકાના જમ્પમાં ૮૨ બંધ રહ્યો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટ્યો છે, પરંતુ થર્મેક્સ ૧૧૩ રૂપિયા કે ચાર ટકા ઊચકાઈ ૨૯૦૨ હતો. સુઝલોન ૪.૬ ટકા પ્લસ થયો છે. હેલ્થકૅરમાં આરપીજી લાઇફ ૧૩૩૯ની ટૉપ બનાવી ચાર ટકા ઊછળી ૧૩૧૫ થયો છે. ઇન્ડોકો રેમેડિઝ ૪.૪ ટકાની ખરાબીમાં ૩૪૧ રહ્યો છે. એફએમસીજી સ્પેસમાં ચમનલાલ સેટિયા ૨૪૨ની ટૉપ દેખાડી ૧૦.૫ ટકાની તેજીમાં ૨૨૮ હતો. એન્ડ્રુએલ ૪૦ નજીકની ઊંચી સપાટી નોંધાવી ૯.૪ ટકા ઊછળી ૩૯ બંધ રહ્યો છે.


