નિષ્ણાતોનું માનવું છે કે કટની મસૂર ૫૭૫૦ની નીચે મંદીમાં રહેશે અને ઉપરમાં ૬૦૦૦-૬૨૦૦ની રેન્જમાં તેજી જોવા મળી શકે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
માગમાં ઘટાડો અને સારા પ્રમાણમાં પાક થવાને લીધે મસૂર બજારમાં હાલના સમયમાં અનિશ્ચિતતાનો માહોલ છે. નિષ્ણાતો પહેલાંથી જ મસૂરમાં મર્યાદિત વેપાર કરવાની સલાહ આપી રહ્યા છે. મસૂરની સ્થાનિક માગ ઍવરેજ છે અને અન્ય કઠોળમાં સરકારના કડક વલણને લીધે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
મસૂરમાં મોટા સ્ટૉકિસ્ટોનો અભાવ છે અને મિલર્સ ખરીદી જરૂરિયાત પૂરતી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં મસૂરના ભાવ એમએસપી (ટેકાના ભાવ) ૬૦૦૦થી નીચે છે અને સરકારી ખરીદીમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે તેમ જ રાજ્ય સરકાર દ્વારા ટેન્ડરમાં મસૂરની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જો તુવેરદાળની બદલે મસૂરના ટેન્ડર આવે તો લગભગ ચાર લાખ ટન મસૂર ટેન્ડરમાં જશે એવો અંદાજ છે. નિષ્ણાતોનું માનવું છે કે કટની મસૂર ૫૭૫૦ની નીચે મંદીમાં રહેશે અને ઉપરમાં ૬૦૦૦-૬૨૦૦ની રેન્જમાં તેજી જોવા મળી શકે છે.
દરમ્યાન મધ્ય પ્રદેશના પચોરમાં એનસીસીએફ દ્વારા એફપીઓના મારફતે મસૂરની ખરીદી ૬૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે થઈ રહી હોવાના અહેવાલો છે. સૂત્રોએ કહ્યું કે મધ્ય પ્રદેશની અન્ય મંડીઓમાં પણ ટૂંક સમયમાં મસૂરની ખરીદી શરૂ થશે.
હાલના સમયમાં મધ્ય પ્રદેશમાં મસૂરની આવક ઘણી ઓછી છે. ૧૭ મેએ મધ્ય પ્રદેશમાં મસૂરની કુલ આવક ૮૨૫ ટનની આસપાસ હોવાનો અંદાજ છે. જાણકારોનું કહેવું છે કે એક લાખ ટન મસૂરની ખરીદી થશે તો હાજર ભાવમાં વધારો થઈ શકે છે.