જિયોને એસબીઆઇના એસ્ક્રો અકાઉન્ટમાં ૩૭૨૦ કરોડ રૂપિયા જમા કરાવવાની સૂચના

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ સોમવારે જિયોને રિલાયન્સ ઇન્ફ્રાટેલના અધિગ્રહણ માટે મંજૂરી આપી છે. ટ્રિબ્યુનલે જિયોને આરકૉમના ટાવર અને ફાઇબર અસ્કયામતોનું સંપાદન પૂર્ણ કરવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના એસ્ક્રો અકાઉન્ટમાં ૩૭૨૦ કરોડ રૂપિયા જમા કરવા જણાવ્યું હતું.
૬ નવેમ્બરે જિયોએ રિલાયન્સ ઇન્ફ્રાટેલનું સંપાદન પૂર્ણ કરવા માટે એસ્ક્રો અકાઉન્ટમાં ૩૭૨૦ કરોડ રૂપિયા જમા કરવાની દરખાસ્ત કરી હતી, જે નાદારી રેઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
ADVERTISEMENT
અબજોપતિ મુકેશ ધીરુભાઈ અંબાણીની આગેવાની હેઠળના જિયોએ તેમના નાના ભાઈ અનિલ અંબાણી સંચાલિત કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સની દેવા હેઠળ દબાયેલી પેટાકંપનીના ટાવર અને ફાઇબર ઍસેટ હસ્તગત કરવા નવેમ્બર ૨૦૧૯માં ૩૭૨૦ કરોડ રૂપિયાની બિડ લગાવી હતી.
લેણદારોની સમિતિએ ૪ માર્ચે ૧૦૦ ટકા મત સાથે જિયો દ્વારા રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે.
જિયોની પેટાકંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ અને પ્રૉપર્ટી મૅનેજમેન્ટ સર્વિસિસ દ્વારા ખસેડવામાં આવેલી અરજી અનુસાર, રકમના વિતરણ અને ‘કોઈ બાકી’ પ્રમાણપત્ર જારી કરવા વિશેની કાર્યવાહી પેન્ડિંગ હોવાને કારણે રેઝોલ્યુશન પ્લાનના અમલીકરણમાં વિલંબ થયો છે.

