Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > રોકાણકારોને મ​​લ્ટિ-ઍસેટ ઍલોકેશન ફન્ડ્સથી થતો ફાયદો

રોકાણકારોને મ​​લ્ટિ-ઍસેટ ઍલોકેશન ફન્ડ્સથી થતો ફાયદો

08 December, 2022 12:12 PM IST | Mumbai
Amit Trivedi

મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમના વર્ગીકરણ સંબંધેના સેબીના પરિપત્ર મુજબ મલ્ટિ-ઍસેટ ઍલોકેશન ફન્ડ્સ એ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફન્ડ્સની એક શ્રેણી છે, જે ત્રણ કે એથી વધુ ઍસેટ-ક્લાસમાં રોકાણ કરે છે

પ્રતીકાત્મક તસવીર

ફન્ડના ફન્ડા

પ્રતીકાત્મક તસવીર


અકાઉન્ટિંગમાં કરાયેલી વ્યાખ્યા મુજબ ઍસેટ એટલે આપણી માલિકીની વસ્તુ. એમાં પણ ઍસેટના અલગ-અલગ પ્રકાર હોય છે. રોકાણની બાબતે ઍસેટ-ક્લાસ એટલે રોકાણનો એ સમૂહ જેના પર વિવિધ પરિબળોની એકસમાન અસર થતી હોય છે. અહીં આપણે ઇક્વિટી અને ડેટના ઉદાહરણને ધ્યાનમાં રાખીને વાત કરીએ. ઇક્વિટી એટલે કોઈ બિઝનેસમાં લેવાયેલો આંશિક હિસ્સો. રોકાણકાર કંપનીના શૅર ખરીદે એને ઇક્વિટીમાં રોકાણ કર્યું કહેવાય. રોકાણકારને કંપની દ્વારા ચૂકવવામાં આવતા ડિવિડન્ડના સ્વરૂપે અને શૅરના ભાવમાં થતી વૃદ્ધિના સ્વરૂપે વળતર મળતું હોય છે. ડિવિડન્ડ દર વર્ષે થોડું-થોડું કરીને જમા થતું હોય છે, જ્યારે શૅરના ભાવમાં થતો વધારો બિઝનેસ અને નફામાં લાંબા ગાળે થતી વૃદ્ધિ સૂચવે છે.


અહીં નોંધવું રહ્યું કે નજીકના ગાળામાં કંપનીની પ્રગતિની અસર એના શૅરના ભાવમાં દેખાય નહીં એવું શક્ય છે. ટૂંકા ગાળામાં શૅરના ભાવમાં ઘણો ઉતાર-ચડાવ થવાની સાથે-સાથે અનપેક્ષિત ફેરફાર પણ થતો હોય છે.ડિવિડન્ડ કેટલું ચૂકવવું એ કંપનીના સંચાલકો નક્કી કરતા હોય છે. કંપનીના નફા અને રોકડ અનામતના આધારે ડિવિડન્ડનું પ્રમાણ નક્કી થતું હોય છે. આમ છતાં શક્ય છે કે મૅનેજમેન્ટ જરા પણ ડિવિડન્ડ ન ચૂકવવાનો નિર્ણય લઈ શકે છે.


ડેટ સિક્યૉરિટીઝ બાબતે જણાવવાનું કે ડેટ સાધન ઇશ્યુ કરનારે રોકાણકારો પાસેથી લીધેલું કરજ એટલે ડેટ. આ સાધનોમાં ડિબેન્ચર અને બૉન્ડનો સમાવેશ થાય છે. ડેટના ઇશ્યુઅર સરકારી કે ખાનગી કંપની, બૅન્કો, મહાનગરપાલિકાઓ વગેરે હોઈ શકે છે. ડેટ સિક્યૉરિટી પર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને એની પાકતી મુદત પણ નક્કી હોય છે. એ મુદત બાદ સિક્યૉરિટીઝ અસ્તિત્વમાં રહેતી નથી.

ઇક્વિટીમાં રોકાણ કરનાર વ્યક્તિ કંપનીના હિસ્સાનો માલિક કહેવાય, જ્યારે ડેટમાં રોકાણ કરનારે ઇશ્યુઅરને લોન આપી કહેવાય. ડેટના પ્રમાણમાં ઇક્વિટી વધુ જોખમ ધરાવતું રોકાણ છે. જોકે ડેટની તુલનાએ ઇક્વિટીમાં વળતર પણ વધારે મળવાની સંભાવના હોય છે.


અલગ-અલગ ઍસેટના અલગ-અલગ ગુણધર્મને લીધે જ રોકાણકાર જ્યારે બે અલગ-અલગ પ્રકારની ઍસેટમાં એક જ સમયે રોકાણ કરે ત્યારે એનું જોખમ ઘટી જાય છે. જો વ્યક્તિ પોતાના પોર્ટફોલિયોમાં વધુ એક ઍસેટ-ક્લાસનો ઉમેરો કરે તો જોખમ એનાથીય ઓછું થઈ જાય, પરંતુ સરેરાશ વળતરમાં ઘટાડો થતો નથી. રોકાણકારો માટે આ સ્થિતિ લાભપ્રદ હોય છે. ઍસેટ ઍલોકેશન ફન્ડ સરેરાશ વળતરમાં ઘટાડો કર્યા વગર જોખમમાં ઘટાડો કરવાના સિદ્ધાંતને આધારે ચાલે છે.

ઍસેટ ઍલોકેશન ફન્ડે ત્રણ કે એનાથી વધુ ઍસેટ-ક્લાસમાં રોકાણ કરવું ફરજિયાત છે. એમાંથી દરેક ઍસેટ-ક્લાસમાં ઓછામાં ઓછી ૧૦ ટકા નાણાંની ફાળવણી કરવામાં આવી હોવી જોઈએ. ભારતમાં મોટા ભાગનાં ઍસેટ ઍલોકેશન ફન્ડ્સ ઇક્વિટી, ડેટ અને સોનું એમ ત્રણ ઍસેટ-ક્લાસમાં રોકાણ કરે છે.

અહીં જણાવવું રહ્યું કે રોકાણકાર જાતે પણ મ​લ્ટિ-ઍસેટ ઍલોકેશન ધરાવતો પોર્ટફોલિયો રચી શકે છે, છતાં ઉક્ત મ્યુચ્યુઅલ ફન્ડની જરૂર શું કામ પડે છે? આ સવાલના જવાબમાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા આવશ્યક છેઃ

૧. વિવિધ ઍસેટ-ક્લાસમાં કરાયેલા રોકાણને પુનઃ સંતુલિત કરવાની વાત આવે ત્યારે મોટા ભાગના રોકાણકારોમાં એ કરવા જેટલી શિસ્ત હોતી નથી. ક્યારેક રોકાણકારો પુનઃ સંતુલન કરવા તરફ દુર્લક્ષ કરે છે, કારણ કે તેઓ બજારની વધઘટથી દોરવાતા હોય છે. પરિણામે પોર્ટફોલિયોમાં ઍસેટ્સનું સંતુલન રહેવાને બદલે કોઈ એક ઍસેટનું પ્રમાણ વધારે થઈ જાય છે. આ રીતે પોર્ટફોલિયો વધુ જોખમ ધરાવતો બની જાય છે.

૨. ધારો કે કોઈ રોકાણકાર ધ્યાનપૂર્વક પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન કરતા હોય તો પણ વ્યવહારના ખર્ચ અને કરવેરાની ચુકવણીના ખર્ચ તેમણે કરતા પડતા હોય છે. આવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફન્ડને વ્યવહારના ખર્ચ ઓછા લાગુ પડે છે. વળી એમને કરમુક્ત સંસ્થા ગણવામાં આવે છે.

કરવેરાની બાબતે અહીં જણાવવું રહ્યું કે મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારને પણ કરવેરો લાગુ પડે છે, પરંતુ તેઓ નફો અંકે કરે તો જ એ ભરવાની વાત આવે છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ નફો અંકે કરે તો એને કરવેરો લાગુ પડતો નથી, કારણ કે એ કરમુક્ત સંસ્થા છે. આમ રોકાણકાર રિડેમ્પશન એટલે કે રોકાણ ઉપાડી લેવાના સમય સુધી કરવેરાથી બચી જાય છે. એને પગલે એનું કરવેરા બાદનું વળતર સામાન્ય રીતે ઊંચું હોય છે.

ઉક્ત ચર્ચા પરથી કહી શકાય કે ઍસેટ ઍલોકેશન ફન્ડ્સ રોકાણકારને એક જ સ્કીમ મારફતે વૈવિધ્ય ધરાવતો પોર્ટફોલિયો તૈયાર કરવાની તક પૂરી પાડે છે. 

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 12:12 PM IST | Mumbai | Amit Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK