ભારતનો સાત ટકાનો દર અને આવતા વર્ષે પણ પાંચ-સાડાપાંચ ટકાનો દર નિશ્ચિત જણાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સપ્ટેમ્બર ક્વૉર્ટરનો આપણા આર્થિક વિકાસનો દર (૬.૩ ટકા) અપેક્ષા પ્રમાણે જૂન ક્વૉર્ટર (૧૩.૫ ટકા) કરતાં નીચો છે. તો પણ અમેરિકા (૨.૯ ટકા) અને ચીન ( ૩.૯ ટકા) કરતાં આ દર ઘણો ઊંચો છે. હવે પછીનાં બે ક્વૉર્ટરમાં આપણા વિકાસનો દર હજી ધીમો પડશે. એ પછી પણ આપણે ફિસ્કલ ૨૩ના વર્ષે ૬.૮થી ૭ ટકાનો દર હાંસલ કરી શકીશું એ આપણી મોટી સિદ્ધિ ગણાય.
વિશ્વમાં ચારેબાજુ (ખાસ કરીને યુરો ઝોન અને અમેરિકામાં) મંદી અને સ્લોડાઉન (ખાસ કરીને ચીનમાં)ની બૂમો સંભળાય છે. એ સંદર્ભમાં આપણો સાત ટકાનો દર અને આવતા વર્ષે પણ પાંચ-સાડાપાંચ ટકાનો દર નિશ્ચિત જણાય છે. એટલે વિશ્વના મુખ્ય દેશોની નજર મૂડીરોકાણ માટે ભારત તરફ છે.
ચીનના આર્થિક સ્લોડાઉન અને ઝીરો કોવિડ પૉલિસીનો સ્થાનિકોનો સખત વિરોધ (એ લૉકડાઉનનો વિરોધ છે કે આડકતરી રીતે લોકશાહીની માગ?) અને સરકાર સામેના દેખાવોને કારણે સર્જાયેલી અસ્થિરતાને લીધે વિશ્વનાં મોટાં-મોટાં કૉર્પોરેટ્સનો ચીનમાં મૂડીરોકાણ વધારવા માટેનો રસ ઓછો થઈ રહ્યો છે જે ભારત માટે મોટો પ્લસ પૉઇન્ટ ગણાય. ચીનમાં ઉત્પાદન અને સેવાના ક્ષેત્રના પીએમઆઇ ૫૦ની નીચે ગયા છે જે અર્થતંત્ર ધીમું પડી રહ્યાના સૂચક છે.
આપણા આર્થિક વિકાસના દરને ટકાવી રાખવામાં આપણા કૃષિ ક્ષેત્રનો ફાળો બહુ મોટો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વધતા જતા વ્યાજના દર અને ઇન્પુટની વધતી જતી કિંમતોને લીધે ઉત્પાદન ક્ષેત્રના (૪.૩ ટકા) અને ખાણ ક્ષેત્રના વિકાસના દર (૨.૮ ટકા) માઇનસ રહ્યા છે. એ આપણે માટે ચિંતાનો વિષય ગણાય. આ ક્વૉર્ટરમાં ખાનગી વપરાશ ખર્ચના અને મૂડીરોકાણના ૧૦ ટકાના વધારાએ આર્થિક વિકાસના દરને પુશ કરવામાં મદદ કરી છે. જીડીપીમાં ખાનગી વપરાશ ખર્ચનો ફાળો બહુ મોટો (૫૫થી ૬૦ ટકા) છે, જયારે મૂડીરોકાણનો ફાળો નજીવો છે. સરકારી ખર્ચના ઘટાડા (૪.૪ ટકા)ને લીધે આર્થિક વિકાસના દર પર બ્રેક લાગી.
ફેડ દ્વારા વ્યાજના દરનો વધારો ધીમો પડવાના સંકેતથી અમેરિકન અને અન્ય સ્ટૉક માર્કેટ સાથે ભારતના સ્ટૉક માર્કેટમાં સેન્સેકસ (૬૩,૫૮૩) અને નિફ્ટી (૧૮,૮૮૮) નવી ઊંચાઈ પર પહોંચ્યાં.
ત્રીજા ક્વૉર્ટરના આર્થિક વિકાસના દરને અસર કરે એવા મેક્રો-ઇકૉનૉમિક પેરામીટર્સ મિશ્ર વલણ દર્શાવે છે. એમાં નવેમ્બરમાં વધેલાં જીએસટી કલેક્શન, ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઇનો વધારો, ટૂ-વ્હીલર્સના વેચાણનો વધારો અને વિદેશમાં વસતા ભારતીયો દ્વારા મોકલાવેલા વિક્રમ ડૉલર (ઇન્વર્ડ રેમિટન્સ) પૉઝિટિવ પરિબળો છે તો ઑક્ટોબરમાં સ્થગિત થઈ ગયેલો કોર સેક્ટરનો વધારો અને નિકાસનો ઘટાડો નેગેટિવ.
ભારતના આર્થિક વિકાસનો દર વિશ્વના કે અન્ય મુખ્ય દેશોના આર્થિક વિકાસના દર કરતાં ઊંચો છે. એટલું જ નહીં, ૨૦૨૨માં સેન્સેક્સનો વધારો પણ વિશ્વના અન્ય દેશોના સ્ટૉક માર્કેટના વધારા કરતાં મોટો છે. એવું જ રૂપિયાની બાહ્મ કિંમત બાબતે છે. ડૉલર સામે અન્ય મુખ્ય ચલણો (યેન, યુરો કે પાઉન્ડ)ના અવમૂલ્યનની સરખામણીએ રૂપિયાનું અવમૂલ્યન (રશિયા-યુક્રેન વૉરની શરૂઆતથી ૭.૨ ટકા) ઓછું છે, એટલે કે રૂપિયાનાં આ ચલણો સામે કિંમત વધી છે. ભાવવધારા બાબતે પણ ભારતની પરિસ્થિતિ સાપેક્ષ રીતે જોતાં ઘણી સારી છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ફ્રી-ટ્રેડ કરાર ડિસેમ્બર ૨૯થી અમલમાં આવશે. પરિણામે ભારત ૬૦૦૦થી વધુ આઇટમોની ડ્યુટી-ફ્રી નિકાસ ઑસ્ટ્રેલિયા ખાતે કરી શકશે. આને લીધે બે દેશો વચ્ચેનો દ્વિપક્ષી વેપાર આવતાં પાંચ વર્ષમાં બમણો (૪૫થી ૫૦ બિલ્યન ડૉલર) થવાનો લક્ષ્યાંક છે. એટલે ભારતમાંથી ઘટતી જતી નિકાસોને (અને પરિણામે આપણા ઉત્પાદન ક્ષેત્રને, રોજગારીને અને આર્થિક વિકાસના દરને) વેગ મળશે.
છેલ્લાં થોડાં વર્ષોથી ડિજિટલ અર્થતંત્રને અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વેગ મળે એવા પ્રયાસો થઈ રહ્યા છે. એ બધાના શિરમોર જેવો એક પ્રયાસ એટલે પહેલી ડિસેમ્બરથી છૂટક વેપારના ક્ષેત્રે રિઝર્વ બૅન્ક દ્વારા મર્યાદિત રીતે અમલમાં મુકાયેલી સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (ઈ-રુપી) સ્કીમ.
આ સાથે માત્ર ૧૧ દેશો દ્વારા અમલમાં મુકાયેલી ડિજિટલ કરન્સીની વિશિષ્ટ ક્લબમાં ભારતનો પ્રવેશ થયો છે.
પહેલી ડિસેમ્બરથી ભારતે G-20 (જેમાં ઊંચી આવકવાળા દેશો, મિડલ ઇન્કમવાળા દેશો અને ઇન્ડોનેશિયા અને ભારત જેવા બે લોઅર-મિડલ ઇન્કમવાળા દેશોનો સમાવેશ થાય છે)નું પ્રમુખપદ સંભાળ્યું છે. આને લીધે આ દેશોના ઉચ્ચ સ્તરીય રાજકારણીઓ અને અધિકારીઓની ભારતની અવારનવારની મુલાકાતથી ભારતમાં મૂડીરોકાણ અને આર્થિક વિકાસને વેગ મળશે.
સપ્ટેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસનો દર ટકાવવામાં કૃષિ ક્ષેત્રે સહાય કરી
અનેક વૈશ્વિક પડકારો અને જોખમો (લંબાતું જતું રશિયા-યુક્રેન યુદ્ધ, વધતા જતા વ્યાજના દર, ૨૦૨૨માં વૈશ્વિક ૮.૮ ટકાનો ભાવવધારો અને સપ્લાય ચેઇનનું ભંગાણ) વચ્ચે પણ અગાઉના ક્વૉર્ટર કરતાં સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર ૩.૬ ટકા જેટલો વધ્યો. આ સાથે ફિસ્કલ ૨૩ના પૂર્વાર્ધમાં વિકાસનો દર ૯.૭ ટકા રહ્યો, જે બીજા ઘણા મોટા દેશોની સરખામણીએ ઝડપી હતો. આ સમય દરમ્યાન ઇન્ડોનેશિયા (૫.૬ ટકા), યુકે (૩.૪ ટકા), યુરો ઝોન (૩.૨ ટકા), ચીન (૨.૨ ટકા), અમેરિકા (૧.૮ ટકા) અને જપાન (૧.૭ ટકા)ના આર્થિક વિકાસનો દર ભારત કરતાં નીચો રહ્યો. જે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા (વિપરીત સંજોગોમાં પણ મૂળ સ્થિતિમાં તરત આવી જવું) દર્શાવે છે.
કમોસમી વરસાદ થયો હોવા છતાં કૃષિ ક્ષેત્રના વિકાસના ૪.૬ ટકાના ઊંચા દરે ઓવરઑલ વિકાસનો દર ટકાવી રાખવામાં મદદ કરી. કોવિડ પરના અંકુશો ઉઠાવાતા ગયા એને કારણે સેવાના (વેપાર અને પરિવહન) ક્ષેત્રના ઊંચા દરે (૧૫ ટકા) પણ અર્થતંત્રને જરૂરી ધક્કો લગાવ્યો. પરિણામે સેવાનાં બધાં ક્ષેત્રોનો જીડીપી મહામારી પહેલાંના લેવલને વટાવી ગયો. ઉપરાંત એક પછી એક ક્વૉર્ટરમાં (અગાઉના ક્વૉર્ટરની સરખામણીએ) વધતો જતો આર્થિક વિકાસનો દર અર્થતંત્ર માટેનું પૉઝિટિવ પરિબળ છે. નિકાસોના આંકડા પ્રોત્સાહજનક નથી તો પણ વધતી જતી ઘરેલુ માગ આર્થિક વિકાસને જાળવી રાખવામાં મદદ કરશે.
ભારતના અર્થતંત્રની છેલ્લાં આઠ વર્ષની નોંધવા જેવી સિદ્ધિઓ
૧. કૃષિક્ષેત્ર કમોસમી વરસાદ અને નબળા ચોમાસાના સામના માટે વધુ સક્ષમ બન્યું છે. પશુપાલન અને મત્સ્યઉદ્યોગની કૃષિ ક્ષેત્રની વૅલ્યુ-ચેઇન (જે ખેડૂતની આવક વધારવામાં સહાય કરે છે)ની કાયાપલટ થઈ છે.
૨. સરકારી ખર્ચના માળખામાં બદલાવ : શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચ/મૂડીરોકાણમાં વધારો.
૩. માથાદીઠ રાષ્ટ્રીય આવક (ડૉલર ટર્મમાં)નો વધારો (૫૭ ટકા) આ જ ગાળાના બ્રાઝિલ (૨૭ ટકા) અને જપાન (૧૧ ટકા)ના વધારા કરતાં મોટો.
૪. કૉસ્ટ ઑફ લીવિંગ (હાઉસહોલ્ડ બજેટ)નો વધારો (૧૨ ટકા) છેલ્લા એક વર્ષમાં અન્ય દેશો કરતાં ઓછો. જર્મની (૨૦ ટકા) અને યુકે (૨૩ ટકા).
૫. એ જ રીતે ખાદ્ય-ખોરાકીની ચીજોના ભાવોનો વધારો (૧૫ ટકા) અમેરિકા (૨૫ ટકા), યુકે (૧૮ ટકા) અને જર્મની (૩૫ ટકા) કરતાં ઓછો.
આર્થિક વિકાસનો દર ઊંચો હોવા છતાં રિઝર્વ બૅન્ક આ અઠવાડિયે વ્યાજના દર નજીવા વધારશે કે સાવ નહીં વધારે?
આર્થિક વિકાસનો દર રિઝર્વ બૅન્કની અપેક્ષા પ્રમાણે અને વિશ્વનાં મુખ્ય અર્થતંત્રોની સરખામણીએ ઊંચો છે, જે વ્યાજના દર વધારવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ગણાય. તો પણ આ અઠવાડિયે કરાનારી મૉનિટરી પૉલિસીની જાહેરાતમાં વ્યાજના દર વધારતાં પહેલાં રિઝર્વ બૅન્ક બે વાર વિચાર કરશે. વધારશે તો પણ આ વધારો નજીવો હશે, જેને માટે ત્રણ કારણો મુખ્ય ગણાય:
૧. ભાવવધારો માર્ચ ૨૦૨૩ સુધીમાં છ ટકાની અંદર જતો રહેવાની ધારણા છે.
૨. વૈશ્વિક સ્લોડાઉન અને વધતા જતા વ્યાજના દરોને લઈને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો નબળો દેખાવ. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનાના કરવેરાની આવકનો વધારાનો દર આર્થિક વિકાસના દર (ચાલુ ભાવે) કરતાં ઓછો છે, જે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર નબળું હોવાનો નિર્દેશ કરે છે.
૩. આ મહિને ફેડ વ્યાજના દરનો વધારો ધીમો પાડશે અને ચીનમાં પ્રજાના પ્રચંડ વિરોધને કારણે સરકાર કોવિડ પરના અંકુશો ઘટાડશે .
બેરોજગારીનો ઊંચો દર પણ રિઝર્વ બૅન્કના વ્યાજના દરના વધારા પર બ્રેક લગાવી શકે
નવેમ્બર મહિને બેરોજગારીનો દર (૮ ટકા) ત્રણ મહિનાનો સૌથી ઊંચો છે. એમાં પણ શહેરી વિસ્તારમાં તો આ દર (૯ ટકા) વધુ ઊંચો છે. વૈશ્વિક સ્લોડાઉનના દબાણ વચ્ચે અને લે-ઑફની પણ શરૂઆત થઈ ગઈ હોવાથી વ્યાજના દરનો હવેનો વધારો ઉત્પાદન ક્ષેત્ર માટે ‘લાસ્ટ સ્ટ્રો ઑન ધ બૅક ઑફ કૅમલ’ જેવો સાબિત ન થાય એ માટે પણ રિઝર્વ બૅન્કે સાવધ રહેવું પડશે.
નવેમ્બર મહિનામાં ભારતમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણનો ઇન્ફલો ચાલુ થયો, શું કારણ?
સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં વિદેશી પોર્ટ ફોલિયો મૂડીરોકાણના આઉટફ્લો પછી નવેમ્બર મહિને આ ઇન્ફલો ફરી ચાલુ થયો છે. (૪૫,૦૦૦ કરોડ રૂપિયા એટલે લગભગ ૪.૫ બિલ્યન ડૉલર). વ્યાજના દરના વધારા વચ્ચે અમેરિકામાં ડાઉ જોન્સે છેલ્લા બે મહિનામાં ૨૦ ટકાનો વધારો જોયો છે. એનું મુખ્ય કારણ એ છે કે ઇન્ફલેશનના ઊંચા દર (ઑક્ટોબરમાં ૭.૮ ટકા)ને કારણે મૂડીરોકાણકારો વ્યાજના દરના સારાએવા વધારા પછી પણ ઋણનાં સાધનોનું રોકાણ એટલું નફાકારક ગણતા નથી. રોકાણકારોની એવી ગણતરી છે કે અમેરિકાની આર્થિક સ્થિતિ ખરાબ થતી જતી હોવાથી આજે નહીં તો કાલે ફેડ વ્યાજના દર વધારવાનુ બંધ કરશે કે ઘટાડવાનું શરૂ કરશે તો પછી સ્ટૉક માર્કેટની તેજી ચાલુ રહેશે. આ ગણતરીએ અમેરિકાના સ્ટૉક માર્કેટની તેજી ચાલુ રહે છે અને એની પાછળ ભારતમાં પણ ફરી પોર્ટ ફોલિયો મૂડીરોકાણનો ઇન્ફલો ચાલુ થયો છે એને કારણે સેન્સેક્સની અપવૉર્ડ માર્ચ પણ જારી છે. વિચિત્ર લાગે, પણ એ હકીકત છે કે અમેરિકાની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશામાં સ્ટૉક માર્કેટ સુધરી રહ્યાં છે.