ડૉલરની માગમાં વધારો થવાને પગલે રૂપિયો છેલ્લા ત્રણેક દિવસથી નબળો પડી રહ્યો છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ફૉરેક્સ માર્કેટમાં રૂપિયાની હાલત દિવસે-દિવસે કથળી રહી છે. અમેરિકામાં બૅન્કો વધુ નબળી પડે એવા સમાચાર વહેતા થયા હોવાથી કરન્સી બજારમાં ભારે અફરાતફરી છે, જેને પગલે રૂપિયો નબળો પડી રહ્યો છે. રૂપિયો ડૉલર સામે ગુરુવારે વધુ ૧૪ પૈસા નબળો પડ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૭૯ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૮૧ સુધીની સપાટી જોવા મળ્યા બાદ દિવસના અંતે રૂપિયો ૮૨.૭૪ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૬૦ પર બંધ હતો. આમ એમાં ૧૪ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ડૉલરની માગમાં વધારો થવાને પગલે રૂપિયો છેલ્લા ત્રણેક દિવસથી નબળો પડી રહ્યો છે.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે રોકાણકારો ડૉલર અને ગોલ્ડ જેવી સેફ ઍસેટ પર વળી રહ્યા હોવાથી રૂપિયામાં નરમાઈ હજી વધે એવી ધારણા છે.
વિદેશી ફન્ડોની પણ લેવાલી ઘટી હોવાથી ડૉલરનો પુરવઠો ઘટી રહ્યો છે.