૨૦૨૧-૨૨માં નિકાસ ૫૦૦ અબજ ડૉલરથી વધીને ૬૭૬ અબજ ડૉલરની થઈ હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ૩૧ માર્ચે પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં દેશની વેપારી અને સેવાઓની નિકાસ ૭૬૦ અબજ ડૉલરને પાર કરવાનો અંદાજ છે.
૨૦૨૧-૨૨માં નિકાસ ૫૦૦ અબજ ડૉલરથી વધીને ૬૭૬ અબજ ડૉલરની થઈ હતી. અહીં અસોચેમના વાર્ષિક સત્રમાં બોલતાં ગોયલે કહ્યું હતું કે જ્યારે આખું વિશ્વ મંદી, ઉચ્ચ ફુગાવો અને ઊંચા વ્યાજ દરોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત સારું પ્રદર્શન કરી રહ્યું છે. ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લાં નવ વર્ષોમાં મોદી-સરકારનું ધ્યાન એવા પાયાના બ્લૉક્સ બનાવવા પર છે જે અર્થતંત્ર માટે ઘણાં વર્ષો સુધી અવિરત અને ટકાઉ વિકાસ માટે જરૂરી છે.
સરકાર દ્વારા લેવામાં આવતાં વિવિધ પગલાં ભારતને વધુ પડતર સ્પર્ધાત્મક બનાવી રહ્યાં છે; લૉજિસ્ટિક્સ, ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ અથવા પીએમ ગતિશક્તિ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશાળ રોકાણને કારણે ગ્રોથ જોવા મળ્યો છે.