આવકવેરા ધારા મુજબ કૅપિટલ ઍસેટ (મૂડીગત અસ્ક્યામત)ની ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે કૅપિટલ ગેઇન્સ (મૂડીલાભ) થાય છે
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ મનુષ્યને ભેટ ગમતી હોય છે, પરંતુ કોઈ પણ વસ્તુ પરનો કરવેરો ગમતો નથી. ભેટ રોકડ, સ્થાવર કે જંગમ મિલકતનાં સ્વરૂપે હોઈ શકે છે અને એ સંબંધે કરવેરા વિશે પૂરતી સમજ હોવી આવશ્યક છે. આવકવેરાના રિટર્નમાં કેવી રીતે એની નોંધ લેવી અને કયા-કયા દસ્તાવેજો સાચવીને રાખવા એના વિશે આજે વાત કરીએ...
ભેટ આપનારને લાગુ પડતો કરવેરો
ADVERTISEMENT
અહીં નોંધવું ઘટે કે ગિફ્ટ ટૅક્સ ઍક્ટ નાબૂદ થઈ ચૂક્યો હોવાથી હવે ભેટ આપનાર વ્યક્તિને એને લગતો કોઈ કરવેરો લાગુ થતો નથી.
આવકવેરા ધારા મુજબ કૅપિટલ ઍસેટ (મૂડીગત અસ્ક્યામત)ની ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે કૅપિટલ ગેઇન્સ (મૂડીલાભ) થાય છે. જોકે, આ ધારાની કલમ ૪૭ હેઠળ ‘ભેટ’ને ‘ટ્રાન્સફર’ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. આમ, ભેટ આપનાર વ્યક્તિએ એ વ્યવહાર વખતે આવકવેરો ભરવો પડતો નથી.
ભેટ મેળવનારને લાગુ પડતો કરવેરો
ભેટ મળે ત્યારે : જે ભેટ શૅર, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, ઘરેણાં, ચિત્રકામ વગેરેનાં સ્વરૂપે હોય અને જેનું ઉચિત બજારમૂલ્ય ૫૦,૦૦૦ કરતાં વધારે હોય તો એ ભેટ મેળવનાર વ્યક્તિના હાથમાં ભેટ કરપાત્ર બને છે. આવી જોગવાઈ આવકવેરા ધારાની કલમ ૫૬(૨)માં કરવામાં આવી છે. આવી આવકને આવકવેરાના રિટર્નમાં ‘અન્ય સ્રોતોમાંથી મળેલી આવક’ તરીકે દર્શાવવામાં આવવી જોઈએ અને ભેટ મેળવનાર વ્યક્તિના ઇન્કમ ટૅક્સના સ્લેબ અનુસાર એના પર કરવેરો ભરવામાં આવવો જોઈએ.
શૅરની ભેટ આ સંજોગોમાં કરવેરામાંથી મુક્ત હોય છે :
સંબંધી (ભાઈ-ભાંડુઓ, જીવનસાથી અને વંશાવલીમાં આવતા લોકો) પાસેથી વ્યક્તિગત કરદાતાને મળતી ભેટ
લગ્નપ્રસંગે વ્યક્તિગત કરદાતાને મળતી ભેટ
વારસામાં મળેલી ભેટ
ભેટનું વેચાણ : ભેટમાં મળેલા શૅર, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું વેચાણ કરવામાં આવે ત્યારે એને કૅપિટલ ગેઇન્સ તરીકે મળેલી આવક ગણવામાં આવે છે અને એ મુજબ વેચાણની રકમને કરવેરો લાગુ પડે છે. આ સ્થિતિમાં ભેટ મેળવનાર વ્યક્તિએ આવકવેરા રિટર્ન ક્રમાંક-૨ ભરીને લાગુ પડતા દરે કરવેરો ભરવો જોઈએ. આ કૅપિટલ ગેઇન્સ શૉર્ટ ટર્મ છે કે લૉન્ગ ટર્મ છે એ નક્કી કરવા માટે ભેટ પ્રાપ્ત થઈ હોય એ તારીખથી એનું વેચાણ થાય એ તારીખ સુધીના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે છે. કૅપિટલ ગેઇન્સ કેટલો થયો એ નક્કી કરવા માટે ભેટ આપનાર વ્યક્તિએ જ્યારે એ ભેટવસ્તુ ખરીદી હતી એ વખતે એમણે ચૂકવેલા ભાવને ગણતરીમાં લેવામાં આવે છે. આ મુદ્દા પરથી સ્પષ્ટ થાય છે કે ભેટની લેવડદેવડ કરનાર વ્યક્તિએ ભેટના વ્યવહારોની ખરાઈ થઈ શકે એ રીતે દસ્તાવેજો સાચવીને રાખવા જરૂરી બને છે. ભેટ અપાયેલી વસ્તુ કયા ભાવે ખરીદવામાં આવી એ જાણવા માટે એનું બિલ આવશ્યક હોય છે. જો ભેટ અપાયેલી વસ્તુનું મૂલ્ય ઘણું વધારે હોય તો આવકવેરા ખાતું સ્ક્રુટિની કરાવે એવી શક્યતા હોય છે.
સવાલ તમારા…
જે શૅરધારકોને રાઇટ્સ ઇશ્યુમાં ઇક્વિટી શૅર મળ્યા હોય તેઓ શૅરની ફાળવણીના થોડા દિવસ બાદ રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ વેચી દે તો એના પર કેટલો કરવેરો લાગુ પડે? આ લાભને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન કહેવાય કે લૉન્ગ ટર્મ?
રાઇટ્સ ઇશ્યુના શૅરનું વેચાણ કરવામાં આવે ત્યારે એના પર થતા લાભમાંથી એક લાખ રૂપિયા કરતાં વધુ જે રકમ હોય એના પર ૧૦ ટકા લેખે લૉન્ગ ટર્મ અથવા ૧૫ ટકા લેખે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે. શૅરના હોલ્ડિંગનો સમયગાળો રાઇટ્સ ઇશ્યુના શૅરની ફાળવણીથી વેચાણ સુધીનો ગણવામાં આવે છે. બોનસ શૅરના વેચાણ વખતે મળતા કૅપિટલ ગેઇન્સ માટે જે રીતે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે એ જ રીતે રાઇટ્સ ઇશ્યુ પર લાગુ પડશે. રાઇટ્સ શૅર પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલી રકમને એની પ્રાપ્તિના મૂલ્ય તરીકે ગણવામાં આવશે. જો હોલ્ડિંગ સમયગાળો બાર મહિના કરતાં ઓછો હોય તો શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે.
મારો મિત્ર લિસ્ટેડ કંપનીના શૅર મને ઑફ માર્કેટ વેચાણ દ્વારા ટ્રાન્સફર કરી રહ્યો છે. મારે એના પર કેટલો અને કયો કરવેરો ચૂકવવો પડશે? મારે કયા દસ્તાવેજો સાચવીને રાખવા જરૂરી છે? જો મિત્ર ગિફ્ટ મારફતે શૅર ટ્રાન્સફર કરે તો શું એના પર કરવેરો લાગુ પડશે?
ઉપર જણાવ્યું એમ, જો ૫૦,૦૦૦ રૂપિયાના ઉચિત બજારમૂલ્ય કરતાં વધુના શૅર, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે ભેટ મળ્યા હોય તો એ ભેટ મેળવનાર વ્યક્તિના હાથમાં કરપાત્ર બને છે. આ આવકને ‘અન્ય સ્રોતોમાંથી થયેલી આવક’ તરીકે દર્શાવવી પડે છે અને કરદાતાને લાગુ પડતા સ્લેબ અનુસાર એના પર કરવેરો ચૂકવવો પડે છે. ભેટ આપનાર વ્યક્તિએ આપેલી ભેટ ઉચિત આવકમાંથી ખરીદવામાં આવી હતી એવું જરૂર પડ્યે દર્શાવી શકાય એવા દસ્તાવેજો હોવા જરૂરી છે. ભેટ તરીકે મળેલા શૅર, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેને કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે. ભેટ મેળવનાર વ્યક્તિએ આવકવેરા રિટર્ન ક્રમાંક-૨માં એની નોંધ લઈને લાગુ પડતા દરે કરવેરો ચૂકવવો પડે છે.


