Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકારે બૉલબેરિંગના એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા નાના મૅન્યુફૅક્ચરરોને ઇન્સેન્ટિવ આપવું જોઈએ

સરકારે બૉલબેરિંગના એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા નાના મૅન્યુફૅક્ચરરોને ઇન્સેન્ટિવ આપવું જોઈએ

10 June, 2024 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ટાઇમ એવો હતો કે બેરિંગની ઇમ્પોર્ટ પર ૨૫૦ ટકા ડ્યુટી હતી. અમે સરકારને સમયાંતરે બહુબધી રજૂઆતો કરીને સમજાવ્યું કે આટલી બધી ડ્યુટીને કારણે લોકોએ નાછૂટકે ગેરકાયદે ધંધો કરવો પડે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મન્ડે સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


અમારું ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ અસોસિએશન છેલ્લાં ૭૦ વર્ષથી કાર્યરત છે અને આખા દેશમાંથી ૧૬૦૦ વેપારીઓ અમારા મેમ્બર છે. અમારું હેડક્વૉર્ટર મુંબઈમાં છે. એ સિવાય દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં અમારી ઑફિસો આવેલી છે. આ અસોસિએશનની સ્થાપના થઈ ત્યારે લાઇસન્સનો જમાનો હતો. ત્યારે ગવર્નમેન્ટની કંપની દ્વારા અમને બૉલબેરિંગ ઇમ્પોર્ટ કરવા લાઇસન્સ થ્રૂ ક્વોટાનું અલોકેશન થતું. એથી એ વખતે ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીઝ રશિયા, રોમાનિયા, પોલૅન્ડ, હંગેરી, ચેકોસ્લોવેકિયામાંથી અમને ઇમ્પોર્ટ કરવાની છૂટ મળેલી. અમારા જે મેમ્બરોને ઇમ્પોર્ટ કરવું હોય એમને અમે એ લાઇસન્સ આપતા. એ વખતે પણ લાઇસન્સ મેળવવા પ્રીમિયમ આપવું પડતું, જ્યારે અમે માત્ર ૧૦ ટકા ચાર્જ લઈને એ લાઇસન્સ આપતા. મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચેન્નઈના લાઇક-માઇન્ડેડ સિનિયરમોસ્ટ વેપારીઓએ ભેગા મળીને આ અસોસિએશનની સ્થાપના કરી હતી.

એક ટાઇમ એવો હતો કે બેરિંગની ઇમ્પોર્ટ પર ૨૫૦ ટકા ડ્યુટી હતી. અમે સરકારને સમયાંતરે બહુબધી રજૂઆતો કરીને સમજાવ્યું કે આટલી બધી ડ્યુટીને કારણે લોકોએ નાછૂટકે ગેરકાયદે ધંધો કરવો પડે છે, બૉલબેરિંગનું સ્મગલિંગ થઈ રહ્યું છે અને સ્મગલરો વેપાર હાઇજૅક કરી રહ્યા છે ત્યારે આટલી બધી ડ્યુટી શેના માટે? ત્યારે તેમના તરફથી એમ કહેવાયું કે ભારતની બેરિંગ-ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવા માટે આટલી ડ્યુટી લઈએ છીએ. ત્યારે ભારતમાં લિમિટેડ ચારથી પાંચ જ મૅન્યુફૅક્ચરર્સ હતા અને તેમની કાર્ટેલ હતી. એ લોકો એનો પૂરો ફાયદો ઉઠાવતા હતા. ઇમ્પોર્ટ થઈને આવતાં બેરિંગ્સ કરતાં પણ તેમની કૉસ્ટ વધુ રહેતી. એ લોકો ઇચ્છતા જ નહોતા કે બેરિંગ ઇમ્પોર્ટ થાય. ધીરે-ધીરે ગવર્નમેન્ટ પણ સમજવા માંડી, લિબરલાઇઝેશન થવા માંડ્યું અને આજે બેરિંગ પર માત્ર સાડાસાત ટકા જ ડ્યુટી છે. સૌથી મોટી વાત એ બની કે લાઇસન્સરાજ નીકળી ગયું. આજે ધંધો ઓપન અને સરળ થઈ ગયો છે.૧૯૯૦ પછી બેરિંગ-ઇન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટની ઑપોર્ચ્યુનિટી ઘણી ખૂલી ગઈ. આજે દેશમાં બેરિંગ-ઇન્ડસ્ટ્રીનો ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર છે. એમાં ઇમ્પોર્ટ અને મૅન્યુફૅક્ચરિંગ બધું જ આવી ગયું. મોટી કંપનીઓનો જ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ છે અને ગુજરાતમાં, ખાસ કરીને રાજકોટમાં અને પંજાબમાં નાનાં-નાનાં ઘણાં યુનિટ્સ બૉલબેરિંગ બનાવે છે. આજે દેશ ૨૦૦૦ કરોડ રૂપિયાનાં બેરિંગ્સ એક્સપોર્ટ કરે છે. પહેલાં આપણે બૉલબેરિંગ ઇમ્પોર્ટ કરવાં પડતાં, હવે આપણે એક્સપોર્ટ કરીએ છીએ જેનો લાભ મોટા સહિત નાના મૅન્યુફૅક્ચરરોને પણ મળે છે.


કોરોના બાદ આખા વિશ્વનું વલણ ચીન માટે બદલાઈ ગયું છે. એની નજર હવે ઇન્ડિયા પર છે. ઇન્ડિયામાં આવતાં ત્રણ વર્ષમાં ૪૦ ટકાનો ગ્રોથ થશે એવી તેમની ગણતરી છે અને એ મુજબ તેઓ આપણા દેશમાં કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. બેરિંગમાં એક લાખ જેટલા પ્રકાર છે. રેગ્યુલર પાંચ હજાર સાઇઝ હોય છે. એથી કૉસ્ટ વધે નહીં એ માટે બધું એક જગ્યાએ ન બનતાં અલગ-અલગ જગ્યાએ મૅન્યુફૅક્ચર થતું હોય છે. એ લોકો હવે ઇન્ડિયામાં એ કરવા માગે છે. અમેરિકામાં, યુરોપમાં ચીનનો માલ પ્રિફર નથી કરતા; જ્યારે ઇન્ડિયા-ઓરિજિન હોય તો એ લોકો ઍક્સેપ્ટ કરે છે. આપણા દેશ માટે બહુ સારી વાત છે. એમ છતાં હજી પણ આપણા દેશમાં સૌથી મોટી કૉમ્પિટિશન ચાઇનીઝ બેરિંગ્સની છે. એ લોકો બહુ સસ્તામાં ડમ્પ કરે છે, કારણ કે ત્યાં માસ પ્રોડક્શન છે. બીજું, ત્યાં આર્થિક મંદી જબરદસ્ત ચાલી રહી છે. ત્યાંનાં ઘણાં નાનાં કારખાનાંઓ તો બંધ થઈ ગયાં છે. ત્યાં સ્ટીલની પ્રાઇસ ઓછી છે, લેબર સસ્તું છે, પાવર અવેલેબિલિટી છે અને લોકોની પ્રોડક્શનની આવડત પણ વધુ છે. વળી સરકાર એક્સપોર્ટની હિમાયત કરે છે એટલે ચીન બહુ મોટા પ્રમાણમાં બેરિંગ્સ ઇન્ડિયામાં ડમ્પ કરે છે. તેમની ઇન્ટરનૅશનલ માર્કેટ તૂટી ગઈ છે. યુરોપમાં રિસેશન છે. નફો નહીં મળે તો ચાલશે; માત્ર ફૅક્ટરીનું રોલિંગ થાય, ખર્ચ નીકળશે તો પણ બહુ એ ન્યાયે તેઓ કામ કરી રહ્યા છે.

ચીનનો માલ આપણે ત્યાં લોકલમાં વેચાય છે, એનું ફરી એક્સપોર્ટ નથી થતું. આજે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને કારણે અમારી ઇન્ડસ્ટ્રીમાં ૯૯ ટકા વેપાર ચોખ્ખો થઈ ગયો છે. જ્યાં નાનું-મોટું રોકડામાં કામ થતું હોય ત્યાં કદાચ GST વગર થતું હશે. બાકી અલગ-અલગ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં અમારો માલ લાગે છે ત્યાં તો એ GST સાથે જ જાય છે અને સરકાર એનું સેટ-ઑફ આપે જ છે. એમ છતાં સરકાર જો GSTના કાયદાઓ જરા લિબરલાઇઝ કરી નાખે તો સમગ્ર વેપારી વર્ગને સરળતા રહેશે.


બીજું, સરકારે નાના મૅન્યુફૅક્ચરરોને એક્સપોર્ટ કરવા ઇન્સેન્ટિવ આપવું જોઈએ જેથી તેમને પ્રોત્સાહન મળે. ઓછા વ્યાજે લોન પણ આપવી જોઈએ. તો જ તેઓ સ્પર્ધામાં ટકી શકશે. વ્યાજનું બર્ડન વેપારીને અને મૅન્યુફૅક્ચરરને બહુ લાગતું હોય છે.

- યોગેશ શાહ (લેખક ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ છે.)

 

 

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK