Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > તેલીબિયાં, કઠોળ અને રૂ વિશેના સરકારી નિર્ણયમાં આમ જનતા-ખેડૂતો બન્નેનું હિત જાળવવાના પ્રયાસ

તેલીબિયાં, કઠોળ અને રૂ વિશેના સરકારી નિર્ણયમાં આમ જનતા-ખેડૂતો બન્નેનું હિત જાળવવાના પ્રયાસ

02 January, 2023 02:14 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ખાદ્ય તેલોમાં નીચી આયાત ડ્યુટીની મુદત લંબાવીને ગ્રાહકનું અને સ્ટૉક મર્યાદા દૂર કરીને ખેડૂતોનું હિત સાચવ્યું : તુવેર-અડદની ફ્રી કૅટેગરીની આયાત મુદત લંબાવવા સામે બફર સ્ટૉક માટે આયાતી કઠોળની ખરીદી બંધ કરી

પ્રતીકાત્મક તસવીર કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


દેશમાં આઝાદી પછી પ્રથમ વખત આમ જનતા અને ખેડૂતો, બન્ને વર્ગનું હિત જળવાયેલું રહે અને દેશને આર્થિક ફાયદો થાય એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. ગયા સપ્તાહે સરકાર દ્વારા તેલીબિયાં, ખાદ્ય તેલો, કઠોળ અને રૂની માર્કેટ માટે શ્રેણીબદ્ધ નિર્ણય લીધા અને એનો અમલ તાત્કાલિક અસરથી કરીને માર્કેટમાં સમતોલન રાખવાનો પ્રયાસ કરાયો હતો. નરેન્દ્ર મોદી સરકારની દીર્ઘદૃષ્ટિ ભર્યા નિર્ણયો લેવાના પ્રયાસ લાંબા સમયથી થઈ રહ્યા છે ત્યારે હવે સરકાર દ્વારા ખાનાર વર્ગ અને ઉત્પાદક બન્નેનું હિત જળવાયેલું રહે એવા નિર્ણય લેવાઈ રહ્યા છે.
કોરોના બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક દેશોનો ફુગાવો વિક્રમી સ્તરે ઊંચો જઈ રહ્યો છે. અમેરિકા-બ્રિટનમાં ફુગાવો સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ અને યુરોપિયન દેશોમાં ફુગાવો વિક્રમી ઊંચા સ્તરે પહોંચ્યો છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ફુગાવો પ્રમાણમાં ઓછો વધ્યો છે, પણ ૧૪૦ કરોડની વસ્તીને તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ વાજબી દરે મળવી જોઈએ એ દરેક સરકારની પ્રાથમિક જવાબદારી બને છે સાથે દેશના ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે એની પણ તકેદારી સરકારે રાખવી પડે છે. 

દેશની જરૂરિયાતનું ૭૦ ટકા કરતાં વધારે ખાદ્ય તેલ ભારત આયાત કરે છે. એ જ રીતે દેશની જરૂરિયાતનું ૨૫ ટકા કઠોળ પણ આપણે આયાત કરીએ છીએ. ઉપરાંત ભારત વિશ્વમાં બીજા ક્રમનો રૂનો નિકાસકાર છે, સાથે લાંબા તારના રૂનો આયાતકાર છે. કપાસ-રૂના ભાવ ખેડૂતોને ગયા વર્ષથી નીચા મળી રહ્યા છે, પણ એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ઊંચા ચાલી રહ્યા છે આથી સરકારે સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઇલ ઉદ્યોગની રૂના અતિ ઊંચા ભાવની ફરિયાદ નિવારવા ઑસ્ટ્રેલિયાથી ડ્યુટી ફ્રી ત્રણ લાખ ગાંસડી રૂની આયાતછૂટ આપી છે.


દેશમાં રાયડાનું સતત બીજે વર્ષે બમ્પર વાવેતર થયું છે. વાતાવરણ અનુકૂળ હોવાથી સતત બીજે વર્ષે રાયડાનું બમ્પર ઉત્પાદન થશે ત્યારે નીચી આયાત ડ્યુટીથી ખેડૂતોને નુકસાન થળ રહ્યું છે જેને સરભર કરવા સરકારે ખાદ્ય તેલો-તેલીબિયાંની સ્ટૉક લિમિટ દૂર કરી છે. 


અગાઉના ખાદ્ય પદાર્થોના નિર્ણય હંમેશાં એક જ વર્ગને ફાયદો થાય એવા લેવાતા હતા, પણ કોઈ નિર્ણયથી માત્ર ખેડૂતોને લાભ થતો હતો અથવા તો ખાનાર વર્ગને જ ફાયદો થતો હતો. ગયા સપ્તાહે લેવાયેલા નિર્ણય નીચે પ્રમાણે હતા... 

ખાદ્ય તેલ-તેલીબિયાંમાં સ્ટૉક લિમિટ દૂર કરાઈ


દેશમાં મોંઘવારી નાથવાના એક ઉપાય તરીકે સરકારે ખાદ્ય તેલ અને તેલીબિયાં પર સ્ટૉક લિમિટ લાદી હતી, પરંતુ નવા વર્ષથી આ સ્ટૉક લિમિટ નાબૂદ કરી હતી. બીજી તરફ ક્રૂડ પામતેલ સહિતના કાચા તેલની આયાત પરની નીચી આયાત ડ્યુટી વધુ એક વર્ષ માટે જાળવી રાખવાની જાહેરાત પણ કરી હતી.

સરકારે ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં રાખવા માટે અગાઉ ત્રીજી ફેબ્રુઆરી ૨૦૨૨, પછી ૩૦ માર્ચ ૨૦૨૨ અને છેલ્લે બીજી નવેમ્બરે એની મુદત વધારી હતી, પરંતુ હવે ડિસેમ્બર બાદ એની મુદત વધારવામાં આવી નથી.

સરકારે ક્રૂડ પામ ઑઇલ, સોયાતેલ અને સનફ્લાવર ઑઇલની આયાતને નીચા ટૅક્સ પર માર્ચ ૨૦૨૪ સુધી એક વર્ષ સુધી મંજૂરી આપવાની નીતિ લંબાવી છે. કેન્દ્ર સરકારે રિફાઇન્ડ પામતેલની આયાત નિયંત્રણ મુક્ત અને ઓછી ડ્યુટી સાથે ચાલુ વર્ષે છૂટ આપી હતી અને એની મુદત ૩૧ ડિસેમ્બરે પૂરી થતી હતી, જેને સરકારે વધુ એક વર્ષ એટલે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવી છે.

આયાતી તુવેર અને અડદના બફર સ્ટૉક માટે ખરીદી બંધ થશે

કેન્દ્ર સરકાર તેની એજન્સીઓને બફર સ્ટૉક માટે ખાનગી વેપારીઓ પાસેથી આયાતી તુવેર અને અડદની ખરીદી સ્થગિત કરવા અને એને બદલે સ્થાનિક બજારમાંથી બન્ને કઠોળ ખરીદવાનો નિર્દેશ આપે એવી શક્યતા છે, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

સરકારે ઑક્ટોબરમાં તેના ઘટતા સ્ટૉકને વધારવા માટે નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા જેવી તેની એજન્સીઓ દ્વારા આયાતી તુવેર અને અડદની ખરીદી શરૂ કરી હતી, પરંતુ નવી આવકોના આગમન સાથે હવે એ બંધ થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ વિશેની સૂચના ટૂંક સમયમાં આવી શકે છે.

ઑસ્ટ્રેલિયાથી રૂની ત્રણ લાખ ગાંસડીની ડ્યુટી ફ્રી આયાતછૂટ

કેન્દ્ર સરકારે એક અલગ નોટિફિકેશનમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ઇકૉનૉમિક કો-ઑપરેશન અને ટ્રેડ ઍગ્રીમેન્ટ થયા છે, જે કરાર હેઠળ સરકારે વિવિધ કૉમોડિટીની આયાત માટેની કેટલીક છૂટછાટો આપી છે, જેમાં કૉટન-રૂની ડ્યુટી ફ્રી આયાતની પણ છૂટ આપી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નોટિફિકેશન મુજબ સરકારે ૫૧,૦૦૦ ટન કૉટન એટલે કે આશરે ત્રણ લાખ ગાસંડી એક્સ્ટ્રા લૉન્ગ સ્ટેપલ કૉટનની ડ્યુટી ફ્રી આયાત માટેની છૂટ આપી છે. હાલમાં રૂની આયાત પર ૧૧ ટકાની ડ્યુટી લાગે છે. સરકારે ૨૦૨૨ના વર્ષમાં આ કરાર હેઠળ માત્ર ૪૧૯ ટનની છૂટ આપી હતી, જેની તુલનાએ ૨૦૨૩ માટે ક્વોટા વધાર્યો છે. એક્સ્ટ્રા લૉન્ગ સ્ટેપલ એટલે કે લઘુતમ ૨૮ એમએમ લંબાઈના કૉટનની આયાત કરી શકાશે.

સરકારે ઑસ્ટ્રેલિયાથી મસૂરની પણ ૧.૫૦ લાખ ટનની ૫૦ ટકા ડ્યુટી કાપની શરતે આયાતછૂટ આપી છે. બદામની પણ ૩૪,૦૦૦ ટનની છૂટ આ જ શરતે આપી છે. આ ઉપરાંત ઑરેન્જ અને પેર સહિતની કેટલીક કૉમોડિટીની પણ ૫૦ ટકા ડ્યુટી છૂટની શરતે આયાત પરવાનગી આપી છે.

તુવેર અને અડદની ફ્રી કૅટેગરીમાં આયાતછૂટ એક વર્ષ લંબાવી

કેન્દ્ર સરકારે તુવેર અને અડદની ફ્રી કૅટેગરીમાં આયાતછૂટ આપી હતી, જેની મુદત માર્ચ ૨૦૨૩માં પૂરી થતી હતી, જેને પણ સરકારે એક વર્ષ માટે લંબાવી છે. નોટિફેકશન મુજબ બન્ને કઠોળની ફ્રી કૅટેગરી હેઠળ આયાત હવે માર્ચ ૨૦૨૪ સુધી કરી શકાશે.

કેન્દ્ર સરકારે કઠોળમાં આયાતકારો સમયસર આયાત વેપારો કરી શકે અને સમયસર દેશમાં માલ પણ આવે એ હેતુથી સરકારે ત્રણ મહિના પહેલાં જ એની જાહેરાત કરી દીધી છે. સરકારના આગોતરા નિર્ણયને પગલે કઠોળના આયાતકારોને મોટી રાહત મળશે અને તેઓ નવા વેપારો હવે સમયસર કરી શકશે. 

02 January, 2023 02:14 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK