Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચીનના ગ્રોથ ડેટા નબળા આવતાં ડૉલરના સુધારાથી સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો

ચીનના ગ્રોથ ડેટા નબળા આવતાં ડૉલરના સુધારાથી સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો

18 January, 2023 02:54 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

સોનું ૨૦૨૩માં વધીને ૨૦૦૦ ડૉલરની સપાટી પાર કરશે એવી જોર પકડતી આગાહીઓ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચીનના ૨૦૨૨ના ગ્રોથ ડેટા સરકારના ૫.૫ ટકાના અંદાજ કરતાં ઘણા નીચા ત્રણ ટકા આવતાં ડૉલરની મજબૂતીથી સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૦૬ રૂપિયા ઘટ્યા હતા. 
 


વિદેશી પ્રવાહ 

 
ચીનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ડૉલર સુધરતાં સોનામાં ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક ઓફ જપાનની બુધવારે પોલિસી મિટિંગમાં મોનેટરી પોલિસીમાં યુ-ટર્ન આવવાની શક્યતાઓ હોઇ ડૉલરમાં વેચવાલી ઘટી હતી. બેન્ક ઓફ જપાનના ગર્વનર હુરૂહિકો કૂરોડાની મુદત પૂરી થતી હોઇ મોનેટરી પોલિસીમાં મોટો ચેન્જ આવવાની શક્યતાઓ ચર્ચાઇ રહી  હતી. સોનું સોમવારે વધીને ૧૯૨૩.૩૦ ડોલરે પહોચ્યું હતું જે મંગળવારે ઘટીને એક તબક્કે ૧૯૦૪.૬૦ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ પણ ઘટયા હતા.

 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
 
ચીનનો ગ્રોથ રેટ ચોથા ક્વૉર્ટરમાં ૨.૯ ટકા રહ્યો હતો, જે ત્રીજા ક્વૉર્ટરમાં ૩.૯ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ૧.૮ ટકાની હતી. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ, રીટેલ સેલ્સ અને જૉબલેસ રેટના ડેટા નબળા આવતાં એની સીધી અસર ગ્રોથ રેટ પર જોવા મળી હતી. ચીનનો ૨૦૨૨માં ગ્રોથ રેટ ત્રણ ટકા રહ્યો હતો જે ગવર્નમેન્ટના ૫.૫ ટકાના ટાર્ગેટ કરતાં ઘણો નીચો રહ્યો હતો. ૧૯૭૬ પછીનો આ બીજા ક્રમનો સૌથી ધીમો ગ્રોથ રેટ હતો. ૨૦૨૩માં ચીનના ગ્રોથ રેટનો ટાર્ગેટ માર્ચમાં જાહેર થશે. 
 
ચીનના રીટેલ સેલ્સમાં ડિસેમ્બરમાં ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે નવેમ્બરમાં ૫.૯ ટકાનો ઘટાડો થયો હતો. માર્કેટની ધારણા ૮.૬ ટકા ઘટાડાની હતી. ચીનના રીટેલ સેલ્સમાં સતત ત્રીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. કોરોનાનાં કડક નિયંત્રણને કારણે તમામ ચીજોનું વેચાણ ઘટ્યું હતું, જેમાં મુખ્યત્વે કોસ્મેટિક આઇટમો, ક્લોધિંગ, ફર્નિચર, હોમ એપ્લાયન્સિસ, ઑઇલ પ્રોડક્ટ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને ગોલ્ડ-સિલ્વર જ્વેલરી દરેક આઇટમોનું વેચાણ ઘટ્યું હતું. 
 
ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ડિસેમ્બરમાં વાર્ષિક ૧.૩ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ૨.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથ છેલ્લા સાત મહિનાનો સૌથી ઓછો રહ્યો હતો. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ અને માઇનિંગ બન્ને સેક્ટરના પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો હતો. કોરોનાનાં કડક નિયંત્રણોની સીધી અસર ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન પર જોવા મળી હતી. 
 
ચીનનું ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૨માં ૫.૧ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન ૫.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પાંચ ટકા વધારાની હતી. પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ ૦.૨ ટકા વધ્યું હતું, જ્યારે સેકન્ડરી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ ૧૦.૩ ટકા વધ્યું હતું. ચીનનો જૉબલેસ રેટ ડિસેમ્બરમાં ઘટીને ૫.૫ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં છ મહિનાની ઊંચાઈએ ૫.૭ ટકા રહ્યો હતો. 
 
 
ચીનની વસ્તી ૨૦૨૨માં ૬૧ વર્ષ પછી પ્રથમ વખત ઘટી હતી. અગાઉ ૧૯૬૧માં ચીનની વસ્તી ઘટી હતી. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીના ડેટા અનુસાર ૨૦૨૨માં ચીનની વસ્તી ૮.૫૦ લાખ ઘટીને ૧૪૧.૧ કરોડે પહોંચી હતી, જે ૨૦૨૧માં ૧૪૧.૨ કરોડ હતી. ૨૦૨૨માં ચીનમાં ૯૫.૬ લાખનો  જન્મ થયો હતો અને ૧૦૪.૧ લાખનું મૃત્યું થયું હતું. કોરોનાને કારણે ચીનનો મૃત્યુદર ૧૯૭૦ પછીનો સૌથી હાઇએસ્ટ રહ્યો હતો. કોરોનાનાં કડક નિયંત્રણોને કારણે ચાઇનીઝ જન્મદર ઘટ્યો હતો. 
 
અમેરિકી ડૉલર ૧૦૨ના લેવલે સ્ટડી રહ્યો હતો. અમેરિકન ઇન્ફ્લેશન સતત છઠ્ઠે મહિને ઘટતાં અને વર્લ્ડ બૅન્ક સહિત અનેક ગ્લોબલ એજન્સીઓએ રિસેશનની આગાહી કરતાં હવે ફેડ આગામી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ જ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવું નક્કી થતાં ડૉલરના મૂલ્યમાં કોઈ ફેરફાર થયો નથી. ડૉલરની પ્રતિસ્પર્ધી તમામ કરન્સીનું મૂલ્ય વધે એવા ચાન્સ વધી રહ્યા હોવાથી ડૉલરમાં હાલ કોઈ મૂવમેન્ટ નથી. 
 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
 
સોનું ૨૦૨૩માં વધીને ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવશે એવી આગાહીઓ હવે જોરશોરથી તમામ સેક્ટરમાંથી થવા લાગી છે. અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ વધારાનો દોર હવે પૂરો થવામાં છે, વર્લ્ડ બૅન્ક સહિત તમામ ગ્લોબલ એજન્સીઓ દ્વારા રિસેશનની આગાહીઓ અને ઇકૉનૉમિક ઇન્ડિકેટરમાં રિસેશનની શક્યતાઓ દેખાવા લાગતાં હવે ફેડને ડિફેન્સિવ સ્ટેન્ડ લેવું પડે એમ છે. વળી ઇન્ફ્લેશન સતત છઠ્ઠે મહિને ઘટતાં ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવા માટે ફેડ પાસે કોઈ કારણ બચ્યું નથી. કેટલાક ઍનલિસ્ટો સ્પષ્ટપણે માને છે કે ચીનના રીઓપનિંગને કારણે સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધશે અને એની સાથે ક્રૂડ તેલ-નૅચરલ ગૅસનો વપરાશ વધતાં ઇન્ફ્લેશન પણ આગળ જતાં વધશે. બન્ને બાબતો થકી સોનામાં તેજીની આગેકૂચ જોવા મળશે. સોનું વધીને ૨૧૦૦ ડૉલરની સપાટી કુદાવી જવાની શક્યતા પણ અનેક ઍનલિસ્ટો બતાવી રહ્યા છે. આ તમામ આગાહીઓનું સ્પષ્ટ તારણ એ બને છે કે સોનું હવે સતત વધતું રહેશે એ નક્કી છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૭૫૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૫૨૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮.૬૬૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 02:54 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK