Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનામાં ઝડપથી આગળ વધતી તેજીઃ ખરીદવા માટેનો યોગ્ય સમય કે રાહ જોવી?

સોનામાં ઝડપથી આગળ વધતી તેજીઃ ખરીદવા માટેનો યોગ્ય સમય કે રાહ જોવી?

23 January, 2023 03:36 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

વિશ્વમાં મહામંદીનાં વાદળો ઘેરાવા લાગતાં સેફ હેવન ડિમાન્ડ વધતાં સોનું વધુ ઊંચે જવાના ચાન્સ ઃ ભારતીય માર્કેટમાં ૫૭,૦૦૦ની સપાટીને પાર કરી ગયેલું સોનું ૬૫,૦૦૦થી ૭૦,૦૦૦ થવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


દરેક ભારતીયના મનમાં સોનાનું આકર્ષણ અગમકાળથી ચાલ્યું આવે છે. ખુશી હોય કે પ્રસંગ કે પછી રોકાણ, સોનું હંમેશાં દરેક ભારતીયના ઘરમાં ખરીદાતું આવ્યું છે. અત્યારે સોનામાં તેજીનો દોર ચાલુ થયો છે અને ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ લાંબો સમય હતો એ ઊછળીને ગયા સપ્તાહે ૫૭,૦૦૦ રૂપિયાની સપાટીને ઓળંગી ગયો છે. વિશ્વબજારમાં સોનું એક તબક્કે પ્રતિ ઔસ ૧૬૦૦ ડૉલરની નીચે ગયું હતું, જે ઝડપથી ૧૯૦૦ ડૉલરની સપાટીને વટાવીને ૨૦૦૦થી ૨૧૦૦ ડૉલરની સપાટી તરફ આગળ વધી રહ્યું છે. 

આજે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે સોનામાં કેટલી તેજી થશે? ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ વધીને કયા લેવલ સુધી પહોંચશે? લગ્નપ્રસંગ નજીકમાં હોય ત્યારે ઘરના વડીલોના મનમાં પ્રશ્ન ઘૂમરી રહ્યો છે કે સોનું અત્યારે ખરીદવું કે ભાવ ઘટવાની રાહ જોવી? જેના ઘરમાં નજીકના ભવિષ્યમાં લગ્નપ્રસંગ છે અને પૈસાની ચિંતા નથી એ સ્વાભાવિકપણે અત્યારે જે ભાવ ચાલે છે એ ભાવે ખરીદશે, પણ જેને છ કે આઠ કે વર્ષ પછી લગ્નપ્રસંગ આવવાનો હોય અથવા દીકરો-દીકરી પરણવાલાયક થયાં હોય અને નજીકના ભવિષ્યમાં પ્રસંગ આવવાનો હોય એ નિશ્ચિત હોય તેઓને સોનું ખરીદવા બાબતે મૂંઝવણ પ્રવર્તે છે.વિશ્વબજારની સ્થિતિ અને સોનું 


સોનાનો ભાવ દુનિયાના કોઈ પણ ખૂણે લોકલ કરન્સીમાં બોલાય છે, પણ જે-તે દેશને વિશ્વબજારમાં સોનું હંમેશાં ડૉલરમાં ખરીદવાનું આવે છે. આથી સોનાના ભાવની ગણના ડૉલરને આધારે થાય છે. અમેરિકી ડૉલર છેલ્લા દોઢ વર્ષથી સતત મજબૂત બની રહ્યો હતો અને ડૉલરનું મૂલ્ય ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ડૉલર જેમ મજબૂત બને એમ સોનું ઘટે એવું વર્ષોથી ચાલ્યું આવતું હોય છે. અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક એટલે કે ફેડરલ રિઝર્વે ગયા વર્ષે માર્ચ મહિનાથી લગભગ દર મહિને વ્યાજદર વધારવાના ચાલુ કર્યા હતા. માર્ચ પહેલાં જે વ્યાજદર ૦.૨૫ ટકા હતો એ વધીને અત્યારે ૪.૨૫થી ૪.૫૦ ટકાએ પહોંચ્યો છે. આટલો ઝડપી વ્યાજદર વધારો આવતાં અમેરિકી ડૉલર સતત મજબૂત બનતો ગયો અને સોનું સતત ઘટતું ગયું, પણ દરેક બાબતનો એક છેડો હોય એમ ઝડપી વ્યાજદર વધારાને કારણે આર્થિક સંકટ વધતું ગયું એટલે અમેરિકાની સેન્ટ્રલ બૅન્કને વ્યાજદર વધારો કરવામાં બ્રેક લગાવવાની નોબત આવી પડી. આવી નોબતને કારણે અમેરિકી ડૉલર ૨૦ વર્ષની ઊંચી સપાટીથી ગગડવા લાગ્યો અને હાલ ૭ મહિનાની નીચી સપાટીએ પહોંચી જતાં સોનું છેલ્લા અઢી મહિનાથી સતત વધી રહ્યું છે. 

સોનું આટલું વધ્યું, હજી કેટલું વધશે?


અમેરિકી ડૉલર વધે ત્યારે સોનું ઘટે અને ડૉલર ઘટે ત્યારે સોનું વધે, આવું વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને છેલ્લા ૧૦ મહિનામાં ડૉલર વધીને ૨૦ વર્ષની ઊંચાઈએ પહોચ્યો તો સોનું ઘટીને ૧૬૦૦ ડૉલર નજીક આવી ગયું અને ડૉલર ઘટવા લાગ્યો તો સોનું ૧૬૦૦ ડૉલરની સપાટીથી વધીને હાલ ૧૯૩૦ ડૉલર સુધી પહોંચી ગયું છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મહામંદીની અસર દેખાવાની શરૂ થઈ છે ત્યારે અમેરિકાના આર્થિક ડેટા પણ એક પછી એક નબળા આવી રહ્યા છે ત્યારે અમેરિકી વ્યાજદરમાં હવે વધુ વધારો કરવો અશક્ય છે આથી અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ૧ ફેબ્રુઆરીએ માત્ર ૦.૨૫ ટકા વ્યાજદર વધારશે. ગયા માર્ચથી ડિસેમ્બર સુધીમાં અમેરિકન સેન્ટ્રલ બૅન્કે ૦.૨૫, ૦.૫૦, ૦.૭૫, ૦.૭૫, ૦.૭૫, ૦.૭૫ અને ૦.૫૦ એમ ૭ વખત વ્યાજદર વધાર્યા બાદ હવે માત્ર ૦.૨૫ ટકા વ્યાજદર વધારશે. આથી ડૉલર ઘટવા લાગ્યો છે અને હજી ડૉલર ઘટશે. અમેરિકી ડૉલર સામે અત્યાર સુધી યુરો, જૅપનીઝ યેન, બ્રિટિશ પાઉન્ડ બધા જ ઘટતા હતા, પણ હવે આ બધી કરન્સીઓ ડૉલર સામે વધુ મજબૂત બની રહી હોવાથી ડૉલર પર ઘટવાનું દબાણ વધ્યું છે. ડૉલર ઘટશે તો સોનું વધવાનું એ સ્વાભાવિક છે. ડૉલર લાંબા સમય સુધી ઘટતો રહેશે આથી સોનું હાલ ૧૯૩૦ ડૉલર સુધી વધ્યું છે, જે વધીને ૨૦૦૦થી ૨૧૦૦ ડૉલર થશે ત્યારે ભારતમાં પણ સોનાનો ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૬૫,૦૦૦થી ૭૦,૦૦૦ સુધી જવાના પૂરેપૂરા ચાન્સ દેખાઈ રહ્યા છે. 

આ પણ વાંચો : અમેરિકી ડૉલર વધુ નબળો પડવાની શક્યતા વધતાં સોનું ઊછળીને નવ મહિનાની ઊંચાઈએ

સોનાની ખરીદી માટે હાલનો સમય યોગ્ય કે રાહ જોવી જોઈએ?

સોનાનો અભ્યાસ કરનારા મોટા ભાગના ઍનલિસ્ટો સોનામાં મોટી તેજીની આગાહી કરી રહ્યા છે, પણ કેટલાક ઍનલિસ્ટોને મતે ૧ ફેબ્રુઆરીએ અમેરિકન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ બાદ અમેરિકી ડૉલરના ઘટાડાને થોડા સમય માટે બ્રેક લાગી શકે છે. ઉપરાંત ભારતનું બજેટ પણ ૧ ફેબ્રુઆરીએ આવી રહ્યું છે. બજેટમાં સોનાની આયાત ડ્યુટી ઘટાડવામાં આવશે એવી બધાની ધારણા છે. હાલ સોના પર ૧૮.૪૫ ટકા આયાત ડ્યુટી લાગે છે. આ ડ્યુટી ઘટશે એવી બધાને ધારણા છે, પણ જો બજેટમાં સોનાની આયાત ડ્યુટી વિશે કોઈ જાહેરાત કરવામાં ન આવે તો સોનું થોડું ઘટી શકે છે. આમ, સોનું ખરીદવા માટે હજી ૧૦થી ૧૨ દિવસ રાહ જોવી જોઈએ. સોનામાં લાંબા ગાળે તેજી થવાનું નક્કી મનાય છે, પણ હાલ ભાવ ઝડપથી વધ્યા હોવાથી થોડો ઘટાડો આવી શકે છે. 

સોનાના ભાવની લાંબા ગાળાની દિશા નક્કી કરવા માટે અમેરિકી સેન્ટ્રલ બૅન્કની મીટિંગ અને ભારતીય બજેટ બન્ને બહુ જ મહત્ત્વના સાબિત થવાના છે. હાલ વિશ્વમાં સોનાના કુલ વપરાશમાંથી ૫૦ ટકાથી વધુ વપરાશ ભારત અને ચીન દ્વારા થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ હવે ધીમે-ધીમે જનજીવન રાબેતા મુજબનું થવા લાગ્યું છે અને ભારતનો આર્થિક વિકાસ સતત વધી રહ્યો હોવાથી તેમ જ ખેડૂતોની આવક વર્ષોવર્ષ સતત વધી રહી હોવાથી સોનાની માગ સતત વધી રહી છે. આ તમામ અસર હવે ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૩માં જોવા મળશે. ભારત અને ચીનની સોનાની માગનો વધારો પણ સોનાની તેજીમાં મહત્ત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત અમેરિકા સામે બાથ ભીડનારા દેશો રશિયા, ચીન, ટર્કી, કઝાકિસ્તાન વગેરે દેશોની સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાની સતત વધી રહેલી ખરીદી પણ સોનાની તેજીને ટેકો આપશે. ૨૦૨૨માં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ છેલ્લાં ૫૫ વર્ષની સૌથી વધુ ખરીદી કરી હતી જેમાં ચીનનો સિંહફાળો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 03:36 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK