મુંબઈમાં સોનું ૭૫ હજાર રૂપિયા અને ચાંદી ૯૦ હજાર રૂપિયાની સપાટીને પાર ઃ ફેડ સપ્ટેમ્બર બાદ નવેમ્બરમાં મોટો રેટ-કટ લાવશે એવી ધારણાએ સોનામાં લેવાલી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના કન્ઝ્યુમર કૉન્ફિડન્સમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો થતાં ડૉલર તૂટીને ૧૪ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો જેને કારણે રેટ-કટના ચાન્સ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સતત ત્રીજે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૬૭૦.૫૦ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ સાંજે ૨૬૫૫થી ૨૬૫૬ ડૉલરની રેન્જમાં હતું. ચાંદી પણ ૩૨ ડૉલરની સપાટીને પાર કરી ગઈ હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૮૪ રૂપિયા વધીને ૭૫ હજાર રૂપિયાની સપાટી પાર કરી ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૩૨૮ રૂપિયા વધીને ૯૦ હજાર રૂપિયાની સપાટીને પાર કરી ગયો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત પાંચમા દિવસે વધ્યો હતો જે પાંચ દિવસમાં ૧૯૯૧ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદી છેલ્લા બે દિવસમાં ૨૯૭૪ રૂપિયા વધી હતી.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં સાત પૉઇન્ટ ઘટીને ૯૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઘટાડો છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. ખાસ કરીને લેબર માર્કેટ સતત નબળી પડી રહી હોવાથી કન્ઝ્યુમરનો વિશ્વાસ સતત ડગમગી રહ્યો છે.
ચીનની સેન્ટ્રલ બૅન્કે સતત ત્રીજે દિવસે ઇકૉનૉમિક કન્ડિશનને બૂસ્ટ કરવા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા હતા. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બુધવારે મીડિયમ ટર્મ લૅન્ડિંગ રેટમાં ૩૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને રેટને બે ટકા કર્યા હતા જે છેલ્લાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. સોમવારે અને મંગળવારે ચીનની સેન્ટ્રલ બૅન્કે રિવર્સ રેપો-રેટ, શૉર્ટ ટર્મ લૅન્ડિંગ રેટ, મૉર્ગેજ રેટ અને એક્ઝિસ્ટિંગ હોમલોનના રેટમાં ઘટાડો કર્યો હતો જેને કારણે ચાઇનીઝ યુઆનનું મૂલ્ય ડૉલર સામે ૧૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
અમેરિકાના સેન્ટિમેન્ટ ડેટા નબળા આવતાં અને ચીનના સ્ટિમ્યુલસ પૅકેજની હારમાળાને કારણે ડૉલર ઇન્ડેક્સ મોટા પ્રમાણમાં તૂટીને ૧૪ મહિનાની નીચી સપાટીએ ૧૦૦.૨૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા નબળા આવતાં ઇકૉનૉમિસ્ટોએ આગામી સવા વર્ષમાં ૨૦૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાની આગાહી કરતાં ડૉલરમાં વેચવાલી વધી હતી. વળી ઍટ્લાન્ટાના ફેડ પ્રેસિડન્ટ બૉસ્ટિકે જણાવ્યું હતું કે ઇન્ફલેશનના ઘટાડાની ગતિ અને લેબર માર્કેટ નબળી પડી રહી હોવાથી ફેડે હવે ઝડપથી રેટ-કટ તરફ આગળ વધવું પડશે. વળી ચીનના સતત ત્રણ દિવસના સ્ટિમ્યુલસ પૅકેજને પગલે યુરોનું મૂલ્ય ડૉલર સામે ખાસ્સું એવું વધતાં ડૉલરના ઘટાડાને વેગ મળ્યો હતો.
અમેરિકાના ટોચનાં વીસ શહેરોમાં રહેણાક મકાનોના ભાવ જુલાઈમાં ૫.૯ ટકા વધ્યા હતા જે જૂનમાં ૬.૫ ટકા વધ્યા હતા. માર્કેટની ધારણા ૫.૮ ટકા વધારાની હતી એના કરતાં ભાવ વધુ વધ્યા છે.
બૅન્ક ઑફ જપાનના ગવર્નર કાજુઓ ઉડાએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારા વિશે જણાવ્યું હતું કે બૅન્કે માર્ચ અને જુલાઈમાં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યા બાદ આ વધારાની અસરનું આકલન કર્યા બાદ અને ગ્લોબલ ઇકૉનૉમિક પોઝિશનનો અભ્યાસ કર્યા બાદ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે, જપાનનું ઇન્ફલેશન બૅન્કના ટાર્ગેટ પ્રમાણે ૨૦૨૬ના સેકન્ડ હાફમાં બે ટકાએ સ્ટેબલ થવાની ધારણા છે. ઉપરાંત કૉર્પોરેટ પ્રૉફિટ અને લેબર શૉર્ટેજને વેઇજ ઇન્ક્રીઝ પણ મદદ મળશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનના સ્ટિમ્યુલસની પૅકેજની હારમાળા અને બૅન્ક ઑફ જપાનના ગવર્નરની ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની દલીલો જોતાં ડૉલરની મંદી હજી ઘણી આગળ વધશે. ઉપરાંત ચીન વર્લ્ડનું સૌથી મોટું ગોલ્ડનું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર છે ત્યારે ચીનની ઇકૉનૉમિક કન્ડિશનને જો બૂસ્ટ મળશે તો સોનાની ફિઝિકલ ડિમાન્ડ આગામી લુનર ન્યુ યરના તહેવારોમાં મોટા પ્રમાણમાં વધશે. ચીનના લુનર ન્યુ યરના તહેવારો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવશે, પણ એની ખરીદી ઑક્ટોબરથી શરૂ થશે. ભારતમાં પણ ધનતેરસ, દિવાળીના તહેવારો અને ત્યાર બાદ લગ્નની સીઝનની ખરીદીના દિવસો હવે શરૂ થઈ રહ્યા છે. આમ સોનાની તેજીને ચીનના સ્ટિમ્યુલસ પૅકેજથી મૉનિટરી સપોર્ટ પણ મળવાનો શરૂ થયો છે ઉપરાંત જિયોપૉલિટિકલ ટેન્શન અને ફિઝિકલ ડિમાન્ડનો પણ સપોર્ટ મળતાં આગામી ત્રણથી ચાર મહિના સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહેશે.