મુંબઈમાં ચાંદી સતત સાતમા દિવસે વધી : યુદ્ધસમાપ્તિની મંત્રણા વચ્ચે ઇઝરાયલે ગાઝા પર નવેસરથી અટૅક કરતાં સોનાની ખરીદી વધી : ચાંદી સાત દિવસમાં ૪૦૪૫ રૂપિયા વધી
પ્રતીકાત્મક તસવીર
સોનાનો ભાવ ૨૦૨૫ના મધ્યમાં ૨૮૦૦થી ૩૦૦૦ ડૉલર થવાની આગાહી અમેરિકાની અગ્રણી સિટી બૅન્કે કરી હતી. ઉપરાંત યુદ્ધસમાપ્તિની મંત્રણા વચ્ચે ઇઝરાયેલી ગાઝા પર નવેસરથી અટૅક કરતાં સોનાની ખરીદી વધતાં ભાવ વધ્યા હતા. મંગળવારે સોનું વધીને ૨૩૬૮.૯૦ ડૉલર પહોંચ્યા બાદ સાંજે ૨૩૬૦થી ૨૩૬૧ ડૉલરની રેન્જમાં હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં ચાંદી સતત સાતમા દિવસે વધી હતી અને છેલ્લા સાત દિવસમાં ચાંદીમાં ૪૦૪૫ રૂપિયાની તેજી જોવા મળી હતી. મંગળવારે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૦૦ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૪ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે નજીવો ૦.૦૧ ટકા વધીને ૧૦૫.૦૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૫.૯૩ પૉઇન્ટ થયા બાદ ઘટીને ૧૦૪.૮૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ દ્વારા સેનેટ સમક્ષ સેમી ઍન્યુઅલ રિપોર્ટ આપવા પહેલાં ડૉલરમાં થોડી લેવાલી વધી હતી. જોકે રેટકટના ચાન્સિસ સતત વધી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં વધુ મજબૂતીની શક્યતા નથી.
અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન જૂનમાં સતત બીજે મહિને ઘટીને ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે મે મહિનામાં ૩.૨ ટકા હતું. આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ ત્રણ ટકા રહ્યું હતું, જ્યારે પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ ઘટીને ૨.૮ ટકા રહ્યું હતુ અને ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ ઘટીને ૨.૯ ટકાએ પહોંચ્યું હતું.
ફ્રાન્સના નૅશનલ ઇલેક્શનમાં કોઈ એક પક્ષને બહુમતી ન મળતાં હંગ પાર્લામેન્ટ રચાઈ હતી. ઓપિનિયન પોલમાં નૅશનલ રૅલી સરકારને બહુમતી મળવાની આગાહી થઈ હોવાથી યુરોપિયન યુનિયનમાં પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થવાનો ભય ઊભો થયો હતો, પણ હવે હંગ પાર્લામેન્ટ થતાં યુરોપિયન યુનિયનમાં કોઈ ક્રાઇસિસ ઊભી નહીં થાય એવું ઍનલિસ્ટોનું માનવું હોવાથી યુરોનું મૂલ્ય વધ્યું હતું. ફ્રાન્સના ઇલેક્શનમાં સત્તા પર રહેલા મેક્રોનની પાર્ટીને ૧૬૮ સીટ, નૅશનલ રૅલી પાર્ટીને ૧૪૩ સીટ અને ડાબેરી વિચારસરણી ધરાવના જૂથને ૧૮૨ સીટ મળી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના જૉબડેટા નબળા આવતાં અને ઇન્ફ્લેશન ઘટવાની શક્યતા વધતાં રેટકટના ચાન્સિસ સતત વધી રહ્યા છે. અમેરિકાના ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટોના મતે ફેડની સપ્ટેમ્બર અને ડિસેમ્બર મીટિંગમાં રેટકટ આવવાની શક્યતા વધી રહી છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડવૉચ સર્વેમાં ફેડની ૧૮મી સપ્ટેમ્બરે યોજાનારી મીટિંગમાં રેટકટની શક્યતા વધીને ૭૧.૧ ટકા થઈ છે જે એક સપ્તાહ અગાઉ ૬૨.૬ ટકા શક્યતા હતી, જ્યારે ૭મી નવેમ્બરે યોજાનારી ફેડની મીટિંગમાં રેટકટની શક્યતા ૮૬.૭ ટકા છે જે એક સપ્તાહ અગાઉ ૭૫.૫ ટકા હતી અને ૧૮મી ડિસેમ્બરે યોજાનારી ફેડની મીટિંગમાં રેટકટની શક્યતા હવે ૯૬.૭ ટકા છે જે એક સપ્તાહ અગાઉ ૯૩.૪ ટકા હતી. આમ રેટકટની શક્યતા જો આમ ને આમ વધતી રહેશે તો સોનામાં તેજીની આગેકૂચ છેક ૨૫૦૦ ડૉલર સુધી ચાલુ રહેશે. સોનાના ભાવની સિટી બૅન્કની આગાહી ખરેખર રસપ્રદ છે. અમેરિકાની ટોચની ૨૧૨ વર્ષ જૂની અને ૧૯ દેશોમાં બ્રાન્ચો ધરાવતી બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની સિટી બૅન્કે ગયા સપ્તાહે આગાહી કરી હતી કે ફેડ હવે બૅક ટુ બૅક આઠ મીટિંગમાં રેટકટ લાવશે અને આ આઠ મીટિંગમાં કુલ ૨૦૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થશે. ચાલુ સપ્તાહે સિટી બૅન્કે નવી આગાહી કરી છે કે સોનાના ભાવ મિડ ૨૦૨૫ સુધીમાં વધીને ૨૮૦૦થી ૩૦૦૦ ડૉલર થશે અને ૨૦૨૪ના એન્ડ સુધીમાં સોનાના ભાવ ૨૪૦૦થી ૨૬૦૦ ડૉલર થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૨,૭૪૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૨,૦૫૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૧,૮૪૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

