Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકન ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં આગળ વધતો ઘટાડો

અમેરિકન ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં આગળ વધતો ઘટાડો

13 September, 2023 02:05 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

યુરોપની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતું જર્મની રિસેશનની કગારે પહોંચ્યું હોવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ ૧૫ વર્ષની ઊંચાઈએ પહોચતાં સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો. વળી જર્મની રિસેશનના કગારે પહોંચ્યું હોવાના રિપોર્ટને પગલે ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ નીકળતાં ડૉલરની મજબૂતીથી સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૪૩ રૂપિયા ઘટ્યા હતા. ચાંદીના ભાવ ૧ સપ્ટેમ્બરે ૭૪,૮૩૮ રૂપિયા હતા જે બાર દિવસમાં ૩૯૩૮ રૂપિયા ઘટીને મંગળવારે ૭૦,૯૦૦ રૂપિયા થયા હતા.


વિદેશી પ્રવાહ



અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૧૫ વર્ષની ઊંચાઈએ ૪.૩૪ ટકાએ પહોંચી જતાં અને અમેરિકન ઇન્ફ્લેશન વધવાની આગાહીને પગલે ડૉલર સુધરતાં સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો. વળી યુરો એરિયાના ગ્રોથ પ્રોજેક્શનમાં જર્મની રિસેશનની કગારે પહોંચ્યું હોવાની આગાહી થતાં ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. સોનું બુધવારે ઘટીને ૧૯૧૮ ડૉલર થયા બાદ સાંજે ૧૯૧૮થી ૧૯૧૯ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના ‘વૉલ સ્ટ્રીટ’ જનરલ ન્યુઝ પેપરે આપેલા અહેવાલમાં જણાવાયું હતું કે ફેડના મેમ્બરો ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે હજી પણ અવઢવમાં છે અને ૨૦૨૩ના એન્ડ પહેલાં ઇન્ટરેસ્ટ રેટ વધશે કે કેમ એની શંકાઓ વધી રહી હોવાથી અમેરિકી ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ઘટીને ૧૦૪.૫૦ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો. અમેરિકી ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન વધીને ૩.૬થી ૩.૭ ટકા આવવાની ધારણા છે, પણ બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી પૂરી કરવાનો સંકેત આપતાં યેનની મજબૂતી સામે ડૉલર નબળો પડ્યો હતો.


અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઑગસ્ટમાં વધીને ૩.૬ ટકાએ પહોંચ્યું હતું જે જુલાઈમાં ૩.૫ ટકા હતું અને પાંચ મહિના પછી પ્રથમ વખત ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનમાં વધારો થયો હતો. આગામી એક વર્ષમાં ગૅસની પ્રાઇસ ૦.૪ ટકા વધીને ૪.૯ ટકા, ફૂડ પ્રાઇસ ૦.૧ ટકા વધીને ૫.૩ ટકા, મેડિકલ કૅર ૦.૮ ટકા વધીને ૯.૨ ટકા, કૉલેજ એજ્યુકેશન ૦.૨ ટકા વધીને ૮.૨ ટકા અને હાઉસિંગ રેન્ટ ૦.૨ ટકા વધીને ૯.૨ ટકા વધવાની ધારણા છે. હાઉસિંગ પ્રાઇસનું એક્સપેક્ટેશન ૦.૩ ટકા વધીને ૩.૧ ટકાએ પહોંચવાની આગાહી છે. આગામી ત્રણ વર્ષ માટે ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ૦.૧ ટકા ઘટીને ૨.૮ ટકા અને પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૦.૧ ટકા વધીને ત્રણ ટકાએ પહોંચ્યું હતું.

અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધીને ૧૫ વર્ષની ઊંચાઈએ ૪.૩૪ ટકાએ પહોંચ્યાં હતાં. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે ઇકૉનૉમિક કૉન્ફિડન્સ સતત વધી રહ્યો હોવાથી ઇન્ફ્લેશન ઘટવાનો વિશ્વાસ વધી રહ્યો છે. જેનેટ યેલેનની કમેન્ટનો સંકેત ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ટાળશે એવો માર્કેટે લેતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ વધ્યાં હતાં.

યુરોપિયન કમિશને યુરો એરિયાનું ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૩ માટે ૦.૮ ટકા મૂક્યું હતું જે મે મહિનામાં ૧.૧ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું. ૨૦૨૪માં ગ્રોથરેટ ૧.૩ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું જે મે મહિનામાં ૧.૬ ટકાનું મુકાયું હતું. યુરોપિયન કમિશને ગ્રોથરેટનું પ્રોજેક્શન ઘટાડતાં આગામી ગુરુવારે યોજાનારી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગના ડિસિઝન પર અસર થવાની છે. જર્મનીનો ગ્રોથ ૦.૪ ટકા ઘટવાનું પ્રોજેક્શન રજૂ કરાયું હતું; જ્યારે સ્પેનનો ગ્રોથ ૨.૨ ટકા, ફ્રાન્સનો એક ટકો અને ઇટલીનો ૦.૯ ટકા રહેવાનું પ્રોજેક્શન રજૂ કરાયું હતું.

યુરો એરિયાનું ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૫.૮ ટકાથી ઘટાડીને ૫.૬ ટકા કરાયું હતું. જોકે ૨૦૨૪નું ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૨.૮ ટકાથી વધારીને ૨.૯ ટકા કરાયું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

યરોપિયન સેન્ટ્રલ બૅન્કની ગુરુવારે યોજાનારી મીટિંગ પર હાલ તમામની નજર છે. માર્કેટની ધારણા અનુસાર ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાના ચાન્સ ૬૨ ટકા અને પચીસ બેસીસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સ ૩૮ ટકા છે. યુરોની મજબૂતી ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટ વધારાનો સંકેત આપે છે. ફેડ સપ્ટેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ત્યારે જો યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો ડૉલરનું મૂલ્ય ઘટશે. બૅન્ક ઑફ જપાનના નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી પૂરી કરવાના સંકેતની અસરે પણ ડૉલર ઘટ્યો છે. હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જો ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો સોનામાં શૉર્ટ ટર્મ તેજીનો ઉછાળો આવશે.

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૮૬૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૮,૬૨૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૯૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2023 02:05 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK