Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ફ્રન્ટલાઇન આઇટી અને બૅ​ન્કિંગ શૅરના પ્રેશરમાં શૅરબજારમાં સુધારો અટક્યો

ફ્રન્ટલાઇન આઇટી અને બૅ​ન્કિંગ શૅરના પ્રેશરમાં શૅરબજારમાં સુધારો અટક્યો

03 April, 2024 06:59 AM IST | Mumbai
Anil Patel

માર્ચમાં ભારતનો પીએમઆઇ ઇન્ડેક્સ ૫૯.૧ નોંધાયો છે જે ૧૬ વર્ષની ઊંચી સપાટી છે અને છેલ્લાં સાડાત્રણ વર્ષનો સૌથી મોટો વધારો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ડીમર્જરની યોજના પાછળ આદિત્ય બિરલા ફૅશન્સમાં ફેન્સી જામી, આદિત્ય બિરલા કૅપિટલ ડબલ ડિજિટના ઉછાળે નવા બેસ્ટ લેવલે : સુદર્શન ફાર્મનું ટેક ઓવર બેસ્ટ ઍગ્રો લાઇફને ફળ્યું, શૅર બૅક-ટુ-બૅક ૨૦ ટકાની તેજીમાં ગયો : વેચાણના આંકડાના પગલે બજાજ ઑટો બેવડી સદી ફટકારીને ઑલટાઇમ હાઈ, બીએસઈનો શૅર વર્ષમાં ૫૪૦ ટકાની તેજી સાથે વિક્રમી સપાટીએ: રિલાયન્સ સાથેની ભાગીદારી અદાણી પાવરને ફળી, શૅર ઉપલી સર્કિટની આગેકૂચમાં ઐતિહાસિક ટૉપ ભણી

ઇલેક્શન ટાંકણે એક વધુ સારા સમાચાર મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર તરફથી આવ્યા છે. માર્ચમાં ભારતનો પીએમઆઇ ઇન્ડેક્સ ૫૯.૧ નોંધાયો છે જે ૧૬ વર્ષની ઊંચી સપાટી છે અને છેલ્લાં સાડાત્રણ વર્ષનો સૌથી મોટો વધારો છે. આવા ઊજળા ફૅક્ટરી ડેટા પછી મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે પણ અચ્છે દિન આવી ગયા છે એમ માની લેજો યાર. વિશ્વબજારમાં ક્રૂડ ૮૮ ડૉલર વટાવીને પાંચ મહિનાની ટોચે પહોંચ્યું છે એ જરાક ચિંતાની વાત છે. રિઝર્વ બૅન્કની ત્રણ દિવસની પૉલિસી મીટિંગ બુધવારથી શરૂ થાય છે. શુક્રવારે આઉટકમ જાહેર થશે. દરમ્યાન સુધારાની હેટ-ટ્રિકમાં ૧૫૪૪ પૉઇન્ટ વધ્યા પછી શૅરબજારે મંગળવારે વિરામ લીધો છે. સેન્સેક્સ ૧૧૧ પૉઇન્ટ જેવા નજીવા ઘટાડે ૭૩,૯૦૪ તથા નિફ્ટી ૯ પૉઇન્ટની નામપૂરતી પીછેહઠમાં ૨૨,૪૫૩ બંધ થયો છે. બજારમાં સુધારો અટકવા છતાં માર્કેટ કૅપ ૨.૪૩ લાખ કરોડના ઉમેરામાં ગઈ કાલે ૩૯૫.૫૮ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિ ૧૩ લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. માર્કેટ બ્રેડ્થ રાબેતા મુજબ સ્ટ્રૉન્ગ રહી છે. NSE ખાતે વધેલા ૧૭૬૧ શૅરની સામે ૫૧૭ જાતો ઘટી છે. ફ્રન્ટલાઇનના ભારમાં આઇટી તથા બૅન્ક નિફ્ટી સાધારણથી અડધો ટકો ડાઉન હતો. અન્ય તમામ સેક્ટોરલ વધ્યાં છે. 


આદિત્ય બિરલા ફૅશન્સ દ્વારા વાન હુસૈન, લુઇ ફિલિપ્સ, પીટર ઇંગ્લૅન્ડ, એલન સોલી, રીબૉક જેવી બ્રૅન્ડને આવરી લેતા મદુરા ફૅશન્સના બિઝનેસને અલગ કંપનીમાં ફેરવવાની જાહેરાત થતાં શૅર ૨૩ ગણા કામકાજે ઉપરમાં ૨૪૭ વટાવી ૧૧.૫ ટકાની તેજીમાં ૨૩૬ બંધ થયો છે. ગ્રુપ કંપની આદિત્ય બિરલા કૅપિટલ પણ ૧૧ ગણા કામકાજે ૨૦૨ની ટૉપ બતાવી સાડાદસ ટકા ઊછળી ૨૦૧ વટાવી ગઈ છે. બેસ્ટ ઍગ્રો લાઇફ દ્વારા ૧૩૫ કરોડની એન્ટર પ્રાઇસ વૅલ્યુ સાથે સુદર્શન ફાર્મ કેમિકલ્સનો ૧૦૦ ટકા હિસ્સો હસ્તગત કરવામાં આવતાં શૅર સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીમાં ૬૫૯ વટાવી ૧૯ ટકા ઊંચકાઈ ૬૫૪ ઉપર બંધ થયો છે. બીએસઈ લિમિટેડ તેજીની આગેકૂચમાં ૨૭૭૭ની નવી વિક્રમી સપાટી બનાવી પોણાબે ટકા વધી ૨૭૫૬ થઈ છે. આ શૅર સપ્તાહમાં ૧૯ ટકા અને વર્ષમાં ૫૪૦ ટકા વધ્યો છે. 



અદાણી પોર્ટ‍્સ નવા શિખર સાથે ત્રણ લાખ કરોડ રૂપિયાની કંપની 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર પ્લસ હતા. માર્ચનું વેચાણ પચીસ ટકા વધીને આવતાં બજાજ ઑટો અઢી ટકા કે ૨૩૪ની તેજીમાં ૯૨૭૬ નિફ્ટી ખાતે બંધ થયો છે. જ્યારે હીરો મોટો કૉર્પ નબળા વેચાણમાં અઢી ટકા કે ૧૨૦ રૂપિયા ગગડી ૪૫૬૧ના બંધમાં અત્રે ટૉપ લૂઝર હતો. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૪ ટકાની તેજીમાં ૧૧૩૧ બંધ રહી નિફ્ટી ખાતે અને મહિન્દ્ર ત્રણ ટકા ઊંચકાઈ ૧૯૭૨ના બંધમાં સેન્સેક્સ ખાતે બેસ્ટ ગેઇનર બન્યા છે. નેસ્લે દોઢેક ટકા, તાતા મોટર્સ અને સ્ટેટ બૅન્ક સવા ટકો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૨ ટકા, તાતા સ્ટીલ એક ટકા નજીક પ્લસ હતી. કોટક બૅન્ક અને HCL ટેક્નૉ. પોણા બે ટકાથી વધુ, ICICI બૅન્ક પોણાબે ટકા, ઇન્ફી ટીસીએસ પોણો ટકો ડાઉન હતા. રિલાયન્સ ૨૯૭૧ના આગલા લેવલે ફ્લૅટ હતો. અદાણી પોર્ટ્સ ૧૪૨૫ની વિક્રમી સપાટી બનાવી બે ટકા વધી ૧૪૦૪ નજીકનો બંધ આપી ૩.૦૩ લાખ કરોડની કંપની બની ગઈ છે. અદાણી પાવરના મધ્ય પ્રદેશ પ્રોજેક્ટમાં રિલાયન્સે ઇક્વિટી ભાગીદારી કરતાં શૅર બીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૮૮ વટાવી ગયો છે. અંબુજા સિમેન્ટ્સ ૬૩૭ની નવી ટૉપ હાંસલ કરી બે ટકા વધીને ૬૩૪ થયો છે. અદાણી એન્ટર તથા અદાણી ટોટલ અડધા ટકાથી વધુ પ્લસ હતા. એનડીટીવી પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૨૨૯ દેખાયો છે. પતંજલી ફૂડ્સ ૦.૭ ટકાના સુધારે ૧૩૯૮ બંધ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લાલારામદેવ આણિ મંડળીની જે રીતે ખબર લેવાઈ છે એની અસર બુધવારે શૅરના ભાવ ઉપર થશે.


હીટવેવની આગાહીના પગલે સિમ્ફની, હિટાચી, ક્રૉમ્પ્ટન, હેવેલ્સના શૅર જોરમાં 
હીટવેવની આગાહીને પગલે એસી અને ઍર કૂલર્સ કંપનીઓના શૅર ડિમાન્ડમાં આવ્યા છે. વોલ્ટાસ ત્રણ ગણા કામકાજે ૧૨૧૫ની નવી ટૉપ બનાવી ૩.૧ ટકા વધી ૧૧૯૦ થયો છે. જૉન્સન કન્ટ્રોલ હિટાચી ૧૧૩૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૯.૮ ટકા કે ૧૦૦ રૂપિયાના જમ્પમાં ૧૧૧૮ હતો. બ્લુસ્ટાર ત્રણ ગણા વૉલ્યુમે ૨.૪ ટકા વધી ૧૩૧૧ હતો. વ્હર્લપુલ સવાબે ટકા પ્લસ હતો. હેવેલ્સ ઇન્ડિયા પાંચ ગણા કામકાજે બે ટકા વધી ૧૫૪૨ રહ્યો છે. ક્રૉમ્પ્ટન ગ્રીવ્સ ૩.૭ ટકા, બજાજ ઇલેક્ટ્રિકલ્સ  સવાબે ટકા, સિમ્ફની ૯.૫ ટકા કે ૮૨ રૂપિયા, ઉષા માર્ટિન ૩.૬ ટકા ઓરિએન્ટ ઇલેક્ટ્રૉનિક્સ ૮.૫ ટકા મજબૂત બની છે. 

હીટવેવના વરતારાની એક વધુ અસરમાં શાકભાજી, ફળફળાદિ જેવી જણસો મોંઘી બનવાની શક્યતામાં ફુગાવો વધવાની દહેશત છે. આથી ઘણા માને છે કે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં સંભવિત જૂનનો ઘટાડો પાછો ઠેલશે. જોકે ગઈ કાલે ૪૧માંથી ૩૧ બૅન્ક શૅર વધીને બંધ હતા. સ્મૉલ બૅન્કો તો તમામ નવમાંથી નવ બીજા દિવસે પણ પ્લસ રહી છે. ઉજજીવન સ્મૉલ બૅન્ક ૫.૮ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૪.૪ ટકા, બંધન બૅન્ક ૨.૮ ટકા, ઉત્કર્ષ બૅન્ક અને ઇસફ બૅન્ક અઢી ટકા વધી છે. ફ્રન્ટલાઇનમાં સ્ટેટ બૅન્ક સવા ટકા, ઇન્ડ્સઇન્ડ ૧.૧ ટકા, HDFC બૅન્ક અડધો ટકો વધી હતી. ICICI બૅન્ક દોઢ ટકા તો કોટક બૅન્ક ૧.૮ ટકા ઘટી છે. ઍ​ક્સિસ બૅન્ક નહીંવત્ નરમ રહી છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક સર્વાધિક ચાર ટકા ડાઉન હતી. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સના ૧૫૦માંથી ૧૦૬ શૅર વધ્યા હતા. સેન્ટ્રમ કૅપિટલ ૧૩.૯ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ ૧૦.૬ ટકા, જિયોજિત ફાઇ. ૯.૭ ટકા, મુથૂટ માઇક્રોફીન ૭.૧ ટકા, ઉજજીવન ફાઇ. સાત ટકા, ધાની સર્વિસિસ સાડાછ ટકા, કેમ્સ સાડાછ ટકા, એડલવીસ પોણાછ ટકા, શૅર ઇન્ડિયા પાંચ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકા, આઇએફસીઆઇ પાંચ ટકા, ઇરડા પાંચ ટકા મજબૂત હતી. આનંદરાઠી વેલ્થ મૅનેજમેન્ટ ૫.૧ ટકા બગડી ૩૪૩૦ હતી. આગલા દિવસના ઉછાળા બાદ પીએનબી હાઉસિંગ સાડાત્રણ ટકા ઘટી છે. 


આઇટીમાં ફ્રન્ટલાઇનના ભાર વચ્ચે સાઇડ શૅરોમાં મજબૂત વલણ 
આઇટીમાં ફ્રન્ટલાઇનમાં નબળાઈ વચ્ચે સાઇડ શૅરોમાં આકર્ષણ આગળ વધ્યું છે. તાતા ટેક્નૉલૉજીઝ દ્વારા જર્મન ઑટો જાયન્ટ બીએમડબલ્યુ સાથે ઑટોમોટિવ સૉફ્ટવેર માટે સયુંક્ત સાહસ સ્થાપવાના કરાર થતાં શૅર પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૧૨૭ નજીક જઈ ચાર ટકા વધીને ૧૦૯૨ બંધ થયો છે. ૬૩ મૂન્સ સતત બીજી ઉપલી સર્કિટમાં ૫ ટકા વધીને ૪૨૧ વટાવી ગયો હતો. તાન્લા પ્લૅટફૉર્મ ૧૦.૮ ટકાની તેજીમાં ૯૩૩, ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ ૮.૪ ટકાની આગેકૂચમાં ૩૧૨ તથા આર. સિસ્ટમ્સ ૫.૬ ટકા ઊંચકાઈ ૪૭૪ રહ્યા છે. ન્યુ​ક્લિયસ સૉફ્ટવેરમાં ૫ ટકાની તેજીની સર્કિટ લાગેલી હતી. સામે ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૦.૮ ટકા, ટીસીએસ પોણો ટકો, HCL ટેક્નૉ. ૧.૮ ટકા, વિપ્રો પોણો ટકો, ટેક મહિન્દ્ર અડધો ટકો નરમ હતા. ઓરેકલ સવા ટકાની પીછેહઠમાં ૧૨૦ ઘટી ૮૮૩૦ રહ્યો છે. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૦ શૅર વધવા છતાં ચલણી જાતોના પ્રેશરને લઈ અડધો ટકો કે ૧૯૫ પૉઇન્ટ ઘટ્યો છે. ઝગલ પ્રીપેઇડ વધુ ૪.૯ ટકા ઘસાઈ ૨૬૯ હતો. ટેલિકૉમમાં વોડાફોનનો કસ્ટમર્સ બેઝ્ડ ૧૫ લાખ ઘટતાં શૅર ૪ ટકા કપાયો છે. ભારતી ઍરટેલ પોણો ટકો ઘટીને ૧૨૦૮ હતો. વિન્દય ટેલિ. તેજી આગળ ધપાવતાં ૪.૫ ટકા કે ૧૦૫ રૂપિયાની મજબૂતીમાં ૨૪૫૦ થયો છે. અવાન્ટેલ, સ્ટરલાઇટ ટેક્નૉ, તેજસ નેટ, ઑન મોબાઇલ, એમટીએનએલ, તાતા ટેલિ. ત્રણથી ચારેક ટકા પ્લસ હતા. ઇન્ડ્સ ટાવર તાજેતરની રૅલીનો થાક ઉતારવાના મૂડમાં ૩.૩ ટકા ઘટી ૩૦૫ રહ્યો છે. ટેક્નૉલૉજી સેગમેન્ટમાં ઝી એન્ટર પાંખા કામકાજે ૧૫૪ વટાવી ૪.૩ ટકાની આગેકૂચ સાથે ૧૫૩ થયો છે. ઝી મીડિયા ૧.૭ ટકા અને ડિશ ટીવી ૧.૮ ટકા સુધર્યા હતા. જસ્ટ ડાયલ ત્રણ ટકા વધી છે. સનટીવી એક ટકા જેવો સુધારામાં હતો. જાગરણ પ્રકાશન દોઢા કામકાજે ૧૧૧ નજીક જઈ ૨.૮ ટકા વધી ૧૧૦ રહ્યો છે.

વિલે પાર્લેની નમન ઇન સ્ટોરનું ધારણાથી નબળું લિ​​સ્ટિંગ
મુંબઈના વિલે પાર્લે-ઇસ્ટની નમન ઇન સ્ટોર ઇન્ડિયા શૅરદીઠ ૮૯ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૫૦ના પ્રીમિમય સામે ૧૨૫ ખૂલી મંદીની સર્કિટમાં ૫ ટકા ગગડી ૧૧૯ અંદર જઈને ત્યાં જ બંધ થતાં એમાં ૩૩ ટકા કે શૅરદીઠ ત્રીસેક રૂપિયાનો લિ​​​સ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે બુધવારે કુલ પાંચ ભરણા લિ​​​સ્ટિંગમાં જવાના છે. મેઇન બોર્ડની SRM કૉન્ટ્રૅક્ટર્સમાં શૅરદીઠ ૨૧૦ની ઇશ્યુ પ્રાઇસ સામે પ્રીમિયમ ઘટીને હાલ જેવું બોલાય છે. બાકીના ૪ SME ઇશ્યુમાં એસ્પાયક ઍન્ડ ઇનોવેટિવમાં ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૪ રૂપિયા, જીકનેક્ટ લૉજિટેકમાં ૪૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૯ રૂપિયા, બ્લુ પીબલમાં ૧૬૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૫ રૂપિયાનું પ્રીમિયમ સંભળાય છે. વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્કસમાં ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે પહેલેથી જ ગ્રેમાર્કેટમાં કોઈ જ સોદા નથી. ભારતી ઍરટેલની ૭૦ ટકા માલિકીની ભારતી હેક્સાકોમનો પાંચના શૅરદીઠ ૫૭૦ની અપર બૅન્ડવાળો ૪૨૭૫ કરોડનો ઇશ્યુ બુધવારે ખૂલવાનો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૪૧ આસપાસ બોલાય છે. 
સુરતની સનરાઇઝ એફિશિયન્ટ બે શૅરદીઠ એક બોનસમાં ઍક્સ બોનસની પૂર્વ સંધ્યાએ ઉપરમાં ૧૦૯ નજીક જઈ એકાદ ટકો ઘટી ૧૦૨ રહી છે. બોધી ટ્રી મ​લ્ટિમીડિયા ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં શુક્રવારે ઍક્સ સ્પ્લિટ થશે. શૅર અડધો ટકો ઘટીને ૧૭૭ બંધ આવ્યો છે. શિવા સિમેન્ટ્સ ૩૯ શૅરદીઠ ૨૦ના પ્રમાણમાં બેના શૅરદીઠ ૪૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં ઍક્સ રાઇટની પૂર્વ સંધ્યાએ અઢી ટકા ઘટી ૫૦ નજીક રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK