ક્રિપ્ટો માર્કેટમાં સાર્વત્રિક ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
માઉન્ટ ગોક્સ એક્સચેન્જના ભૂતપૂર્વ CEO માર્ક કાર્પેલેઝ આ મહિને પોલૅન્ડમાં એલ્લિપઍક્સ નામનું નવું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ શરૂ કરવાના છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરના નિવેદનમાં માર્કે જણાવ્યું છે કે ક્રિપ્ટો એક્સચેન્જ વધુ પારદર્શક અને સલામત હોઈ શકે છે એવું દર્શાવનારું આ એક્સચેન્જ હશે. શરૂઆતમાં એલ્લિપઍક્સ ફક્ત યુરોપિયન યુઝર્સ માટે શરૂ કરાશે. પછીથી એનો વૈશ્વિક વિસ્તાર કરવામાં આવશે. પ્રારંભે એમાં ફક્ત ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો થશે. સમય જતાં એમાં પરંપરાગત ચલણને લગતી સેવાઓ અને બૅન્કિંગ સેવાઓનો ઉમેરો કરવામાં આવશે.
અન્ય એક અહેવાલ મુજબ સ્વિટ્ઝરલૅન્ડની મોટી બૅન્ક–ઝ્યુરિક કૅન્ટોનલ બૅન્કે પોતાના ગ્રાહકો માટે બિટકૉઇન અને ઇથરના ટ્રેડિંગની તેમ જ કસ્ટોડિયલ સુવિધા શરૂ કરી છે. આ બૅન્ક પોતાના ઈબૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગ પ્લૅટફૉર્મ મારફત ક્રિપ્ટો ટ્રેડિંગની ચોવીસે કલાકની સેવા ઑફર કરશે.
દરમિયાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાર્વત્રિક ઘટાડો થયો છે. બુધવારે બિટકૉઇન ૩.૫ ટકા ઘટીને ૫૬,૨૩૬ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમ ૨.૧૯ ટકાના ઘટાડા સાથે ૨૪૦૫ ડૉલર ચાલી રહ્યો હતો. બાઇનૅન્સમાં ૫.૪ ટકા, સોલાનામાં ૧.૬૩ ટકા, રિપલમાં ૧.૫૫ ટકા, ડોઝકૉઇનમાં ૨.૯૯ ટકા અને ટ્રોનમાં ૦.૯૩ ટકાનો ઘટાડો થયો હતો.