જ્યાં સુધી કોર્ટ આ બાબતનો નિર્ણય ન કરે ત્યાં સુધી આ મિલકતોનો નિકાલ થઈ શકતો નથી
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નાણા મંત્રાલય હેઠળની એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ છેલ્લાં છ વર્ષમાં આશરે ૧.૧૧ લાખ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરી છે એમ મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે.
જે મિલકતો જપ્ત કરી છે એમાંથી ૨૦૧૭-૧૮થી ચાલુ નાણાકીય વર્ષમાં ૩૧મી જાન્યુઆરી સુધીમાં ૨૦૪ કેસમાં મંત્રાલય હેઠળની વિવિધ કેન્દ્રીય એજન્સીઓ જેમ કે ઈડી, ડીઆરઆઇ-ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, આવકવેરા વિભાગ વગેરે દ્વારા ૧૦,૬૮૩ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી હતી. ૨૦૨૧-૨૨માં ૧૬૭૫ કેસમાં ૧૯,૮૩૨ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એમાંથી ૨૦૧૭-૧૮ અને ૨૦૨૧-૨૨ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ દ્વારા નિકાલ કરવામાં આવેલી સ્થાવર મિલકતો ૭૧ કરોડ રૂપિયા હતી.
ઘણા કિસ્સાઓમાં, જ્યાં સીબીડીટી અને સીબીઆઇસી દ્વારા મિલકતો અટેચ કરવામાં આવે છે એને કોર્ટ સમક્ષ પડકારવામાં આવે છે અને જ્યાં સુધી કોર્ટ આ બાબતનો નિર્ણય ન કરે ત્યાં સુધી આ મિલકતોનો નિકાલ થઈ શકતો નથી, એમ નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્ય સભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.
વધુમાં છેલ્લાં પાંચ વર્ષો દરમ્યાન (૧લી ફેબ્રુઆરી, ૨૦૧૮થી ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૩ સુધી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા ૧૫,૬૧૯.૫૬ કરોડ રૂપિયાની ગુનાની રકમની જપ્તી સુરક્ષિત કરવામાં આવી છે.

