દેશમાં અત્યાર સુધીમાં આવાં આઉટલેટની સંખ્યા ૬૦૦ને પાર થઈ ગઈ છે : પેટ્રોલિયમ પ્રધાન

ફાઇલ તસવીર
પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ‘૨૦૨૫ સુધીમાં સમગ્ર દેશમાં ઈ૨૦ પેટ્રોલનું છૂટક વેચાણ કરતાં વિશેષ ઈંધણ-સ્ટેશનો હશે.
આવાં ઈંધણ-સ્ટેશનોના ઝડપી રોલઆઉટથી વિશ્વાસ વધશે. ઈ૨૦ ઈંધણ એ પેટ્રોલ સાથે ૨૦ ટકા ઇથેનૉલનું મિશ્રણ છે.
પ્રથમ ઈ૨૦ આઉટલેટ આ વર્ષે આઠમી ફેબ્રુઆરીના રોજ ખોલવામાં આવ્યો હતો. લક્ષ્યાંકિત એપ્રિલના લૉન્ચિંગ પહેલાં-અને અત્યાર સુધીમાં તેમની સંખ્યા ૬૦૦ને વટાવી ગઈ છે અને ૨૦૨૫ સુધીમાં સમગ્ર દેશને આવરી લેશે એમ પુરીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે મંત્રાલય આ મહિનાના અંતમાં વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણ શરૂ કરશે.
પ્રધાને કહ્યું કે પેટ્રોલમાં ઇથેનૉલનું મિશ્રણ ૨૦૧૩-૧૪માં ૧.૫૩ ટકાથી વધીને માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૧.૫ ટકાથી વધુ થયું છે. વૉલ્યુમની દૃષ્ટિએ ઇથેનૉલ બ્લેન્ડેડ પેટ્રોલ ૨૦૧૩-૧૪માં ૩૮ કરોડ લિટરથી વધીને ૨૦૨૧-૨૨માં ૪૩૩.૬ કરોડ લિટર થયું છે.
એવી જ રીતે તેમણે જણાવ્યું હતું કે જૈવિક ઈંધણનું વેચાણ કરતા પેટ્રોલ પમ્પની સંખ્યા ૨૦૧૬-૧૭માં ૨૯,૮૯૦થી ત્રણ ગણી વધીને ૬૭,૬૪૦થી વધુ થઈ ગઈ છે.
સરકાર ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા ઇથેનૉલ સંમિશ્રણ લક્ષ્યાંક હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે જે નિર્ધારિત સમય પહેલાં ૧૧.૫ ટકાને વટાવી ચૂક્યું છે.