યુરો, યેન અને ઇમર્જિંગ બજારોમાં સુધારો : રૂપિયો સ્થિર : સોલાનામાં સ્ફોટક તેજી

પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં વપરાશી ફુગાવો ઝડપી ઘટતાં ૨૦૨૪માં વ્યાજદર ઘટાડા શરૂ થવાની અટકળો તેજ બની છે. વ્યાજદર મામલે અમેરિકી ડેટા બજારોને સતત હાથતાળી આપી રહ્યો છે. બ્લો હૉટ બ્લો કોલ્ડની જેમ હોકિશ-ડોવિશની સંતાકૂકડી ચાલી રહી છે. રેટકટ નજીક છે એવી અટકળોથી ડૉલેક્સ ૧૦૬.૫૦થી તૂટીને ૧૦૩.૯૦ થઈ ગયો છે. ૧૦ વરસના ટ્રેઝરી યીલ્ડ ૧૫ દિવસ પહેલાં ૫.૦૩ હતા એ ઘટીને ૪.૪૧ થઈ ગયા હતા. ટેક શૅરોને તેજીની કીક લાગતાં માઇક્રોસૉફટ, ઍપલ, ટેસ્લા જેવા બિગટેક શૅરો ઊછળ્યા છે. નૅસ્ડૅકમાં તેજીનું કમબૅક થતાં ઘરઆંગણે પણ આઇટી શૅરો ઊછળ્યા છે. ડૉલેક્સના કડાકાથી અને યીલ્ડમાં ઝડપી ઘટાડાથી ઇમર્જિંગ બજારો, બુલિયન અને ક્રિપ્ટો જેવી રિસ્ક ઑન ઍસેટ્સ ઊછળી છે. યુરો, યેન જેવી મુખ્ય કરન્સી અને રિંગિટ, વૉનથી માંડી મેક્સિકન પેસો સહિત ઘણી ઇમર્જિંગ કરન્સી વધવા છતાં રૂપિયાને તેજીનો લાભ મળ્યો નથી. એક તબક્કે રૂપિયો ૮૩ થઈ છેલ્લે ૮૩.૨૭ બંધ રહ્યો હતો. આયાતકારો, પીએસયુ ઑઇલ કંપનીઓ ઍક્ટિવ બાયર દેખાઈ રહી છે.
વૈશ્વિક બજારોમાં યુરો, પાઉન્ડ, યેન અને યુઆનમાં શાનદાર ઉછાળો આવ્યો છે. રુબલ ચાર માસની ઊંચી સપાટી ૮૯ થયો છે. ઑલ્ટરનેટિવ ઍસેટમાં સોનું અને બીટકૉઇન મક્કમ હતા. સોલાના નામની ક્રિપ્ટો કરન્સી ઘણી ઊછળી છે. સોલાના ૬૨ ડૉલર થઈ ૫૭ ડૉલર બંધ હતો. જૂન ૨૦૨૩માં સોલાના ૧૩ ડૉલર હતો. વાર્ષિક ધોરણે સોલાના ૨૮૦ ટકા જેવો વધ્યો છે. ભારત, ચીન સહિત ઘણા દેશોમાં ડિજિટલ કરન્સીનાં કામકાજ પર બૅન છે, પણ વિકસિત દેશોમાં ધીમે-ધીમે ડિજિટલ કરન્સી સ્વીકૃતિ પામી રહી છે. બ્લૅક રૉક માર્કેટ્સ જેવા ઘણા ફંડ-મૅનેજરોએ સ્પોટ બીટકૉઇન ઈટીએફ લૉન્ચ કરવા આતુર છે. રેગ્યુલેટરી મંજૂરીની રાહ જુએ છે. સ્પોટ ઈટીએફને મંજૂરી મળે તો નોંધપાત્ર પાસિવ કૅપિટલ ડિજિટલ ઍસેટ્સમાં આવી શકે. મોટાં હેજ ફંડો, ફૅમિલી ઑફિસ, ફંડ મૅનેજરો માટે ડિજિટલ ઍસેટ્સ કરન્સી ડિબેઝમેન્ટ સામેનું હેજ છે. ક્રિપ્ટોમાં ઘણા કાંડ થયા છે, વૅલ્યુએશનના આધારભૂત મેટ્રિક્સ નથી. એમ છતાં ધનિકોનો એક વર્ગ, ટેકસેવી જેનઝીનો એક વર્ગ ડિજિટલ ટોકન્સને અપનાવતો થયો છે.
ADVERTISEMENT
રૂપિયાની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયો ટકેલો હતો, પણ યુરો અને પાઉન્ડ સામે નરમ થયો હતો. બૉન્ડ યીલ્ડમાં છ માસનો મોટો ઘટાડો આવ્યો છે. ફુગાવો ચાર માસની નીચી સપાટીએ ૪.૮૭ ટકા થતાં અને ક્રૂડ ઑઇલના ભાવ તૂટતાં ફુગાવા મામલે થોડી રાહત મળશે. ડૉલર અને ક્રૂડની મંદી રૂપિયાને સપોર્ટ કરી શકે, પણ યુરો અને પાઉન્ડની તેજી રૂપિયામાં સુધારા માટે બાધક ગણાય. રૂપિયામાં ૮૨.૮૪ સપોર્ટ અને ૮૩.૩૭-૮૩.૪૪ રેઝિસ્ટન્સ માની શકાય. ચાર્ટ જોતાં રૂપિયો યુરો અને પાઉન્ડ સામે વધુ ઘટી શકે એમ લાગે છે.
વૈશ્વિક સ્તરે ચીનના પ્રમુખ શી અને અમેરિકાના પ્રમુખ બાઇડન વચ્ચે મંત્રણાઓ થઈ હતી. ઍપેક ફોરમમાં ટોચના બિઝનેસમેન શીને મળ્યા હતા. ફેન્ટાનિલ, મિલિટરી સંદેશવ્યવહાર જેવી બાબતોએ સહકારના સંકેત મળે છે. ચીને અમેરિકાથી મોટા પાયે સોયાબીન ખરીદી પૉઝિટિવ સંકેતો આપ્યા છે. પરસ્પર વિશ્વાસનો અભાવ અઘોષિત કોલ્ડવૉર રોકવામાં બાધા છે. બજારોમાં થૅન્ક્સ ગીવિંગનો હૉલિડે મૂડ છવાયો છે. ગાઝામાં કામચલાઉ યુદ્ધવિરામ થવાના અહેવાલો મળે છે. ગાઝા કટોકટીમાં યુક્રેન કટોકટી, અમેરિકાની ચૂંટણી, ચીન-તાઇવાન તનાવ જેવાં કારણો ભુલાઈ ગયાં છે.
હેજ-ટ્રેડ આઇડિયાઝ : રૂપીડૉલરમાં ૮૨.૮૭-૮૩.૦૫નું લેવલ આયાતકારો માટે ડૉલર ઇમ્પોર્ટ હેજ માટે વિચારી શકાય. નિકાસકારો ૮૩.૩૫-૪૦ વચ્ચે એક્સપોર્ટ હેજ વધારી શકે. લાંબા સમયથી વૉલેટિલિટી બેહદ નીચી છે એ જોતાં નિકાસ અને આયાત બેઉં માટે ઑપ્ટિમલ હેજ સલાહભર્યું છે. વૉલેટિલિટી અચાનક વધી શકે. યુરો અને પાઉન્ડમાં આયાતકારો માટે હેજ રેશિયો ૮૫-૯૦ ટકા અને નિકાસકારો માટે ૭૦-૮૦ ટકા હેજ રેશિયો રાખી શકાય. ક્રૉસિસમાં યુરો ૧.૦૫થી સુધરીને ૧.૦૯૫૦, પાઉન્ડ ૧.૨૦૫૦થી સુધરી ૧.૨૪૫૦ થયો છે અને યેન ૧૫૧.૬૦થી સુધરી ૧૪૯.૪૦ થયો છે. ક્રૉસિસમાં યુરો આઉટ પર્ફોર્મર દેખાય છે.
ટ્રેડિંગ રેન્જ : રૂપીડૉલર ૮૨.૮૯-૮૩.૪૪, યુરોરૂપી ૯૦-૯૨, પાઉન્ડરૂપી ૧૦૨.૮૦-૧૦૩.૮૦, યુરોડૉલર ૧.૦૮-૧.૧૧૫૦, પાઉન્ડડૉલર ૧.૨૩-૧.૨૫, યેન ૧૪૮.૨૦-૧૫૦.૨૦. ડૉલેક્સ ૧૦૨.૫૦-૧૦૫.૪૦.

