વીમા કંપની પાસેથી પોતાના પૈસે અલગથી પરિવાર માટેની આરોગ્ય વીમા પૉલિસી ખરીદી શકો છો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
પગારદાર કર્મચારીઓને તેમના એમ્પ્લૉયર પાસેથી મળતા લાભમાંનો એક લાભ એટલે ગ્રુપ મેડિક્લેમ, જે સામાન્ય રીતે કંપનીના તમામ પગારદાર કર્મચારીઓને આવરી લે છે.
કંપની કર્મચારીઓના ગ્રુપ વીમાનું પ્રીમિયમ ભરવાની દરકાર લેતી હોય છે. જોકે તમે નોકરી છોડી દો એ ઘડીથી તમારું આરોગ્ય વીમાનું એ કવચ દૂર થઈ જાય છે. આવા સંજોગોમાં તમે એ જ વીમા કંપની પાસેથી પોતાના પૈસે અલગથી પરિવાર માટેની આરોગ્ય વીમા પૉલિસી ખરીદી શકો છો.
ગ્રુપ મેડિક્લેમમાંથી વ્યક્તિગત આરોગ્ય વીમામાં પોર્ટ કરવાની પ્રક્રિયા
૧. ગ્રુપ વીમો આપ્યો હોય એ વીમા કંપનીને જાણ કરવી : તમારા રોજગારના છેલ્લા દિવસના ૩૦થી ૪૫ દિવસ પહેલાં વીમા કંપનીને જાણ કરવી આવશ્યક છે. જો તમે આ સમયગાળામાં પ્રક્રિયા શરૂ કરી ન હોય તો તમને તમારી વર્તમાન નોકરી છોડ્યા પછી પાંચ દિવસનો સમય મળે છે, જેમાં તમે ગ્રુપ મેડિક્લેમ આપનાર કંપનીને વ્યક્તિગત વીમામાં પોર્ટિંગ કરવાની વિનંતી કરી શકો છો.
૨. આરોગ્ય યોજના પસંદ કરવી: વ્યક્તિગત પૉલિસીનાં ઇન્ક્લુઝન, એક્સક્લુઝન, ચૂકવવાપાત્ર પ્રીમિયમ, નિયમો અને શરતો વગેરેના આધારે ગ્રુપ વીમામાંથી વ્યક્તિગત વીમા યોજનામાં પોર્ટિંગ કરાવી શકાય છે.
૩. ફૉર્મ ભરવું અને દસ્તાવેજો સુપરત કરવા : તમારી હાલની પૉલિસી સમાપ્ત થાય એના ઓછામાં ઓછા ૪૫ દિવસ પહેલાં તમારે જરૂરી દસ્તાવેજો, જેમ કે તમારી વર્તમાન ગ્રુપ પૉલિસી, મેડિકલ હિસ્ટરી, ઉંમરનો પુરાવો, ક્લેમ હિસ્ટરી વગેરે સાથે પોર્ટેબિલિટી ફૉર્મ સુપરત કરવું આવશ્યક છે.
૪. પ્રથમ પ્રીમિયમ ચૂકવવું : તમારી અરજી મંજૂર થયા પછી તમે પ્રથમ પ્રીમિયમ ચૂકવી શકો છો અને પછી વીમા કંપની તમને એક વર્ષની વ્યક્તિગત પૉલિસી જારી કરશે.
આ પણ વાંચો: વીમા પૉલિસીઓ સાચવી રાખવામાં મદદરૂપ થતું ડિજિલૉકર
હેલ્થ પ્લાન પોર્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
૧) તમારી વર્તમાન વીમા કંપની સાથે વાત કરો : ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઇ) તમને એક જ વીમા કંપનીના ગ્રુપ પ્લાનમાંથી વ્યક્તિગત પ્લાનમાં સ્વિચ કરવાની મંજૂરી આપે છે. વીમા કંપની તમારી નવી આરોગ્ય વીમા પૉલિસીનાં નિયમો અને શરતો નક્કી કરશે.
૨) વીમા કંપનીને સમયસર જાણ કરો: તમારી હાલની (ગ્રુપ) પૉલિસી સમાપ્ત થાય એના ઓછામાં ઓછા ૪૫ દિવસ પહેલાં તમારે તમારી વીમા કંપનીને જાણ કરવી જોઈએ.
૩) પ્રી-મેડિકલ ચેક-અપ : તમારી પૉલિસી પોર્ટ કરતાં પહેલાં વીમા કંપનીને પ્રી-મેડિકલ ચેક-અપની જરૂર પડી શકે છે.
૪) સાતત્ય લાભ : ગ્રુપ આરોગ્ય વીમા યોજનામાં સામાન્ય રીતે પૂર્વ-અસ્તિત્વમાં રહેલી (પ્રી-એક્ઝિસ્ટિંગ) બીમારીઓ માટે કોઈ રાહ જોવાનો સમયગાળો હોતો નથી. જો તમે વ્યક્તિગત આરોગ્ય યોજનામાં પોર્ટ કરો તો આ ‘નો વેઇટિંગ પિરિયડ’ ક્લૉઝ પણ એ પૉલિસીમાં સ્થાનાંતરિત થાય છે. જોકે તમારા ગ્રુપ પ્લાનમાં રાહ જોવાનો સમયગાળો હોય અને એમાંથી અમુક સમય બાકી હોય તો એ તમારી વ્યક્તિગત આરોગ્ય વીમા યોજનામાં આવી જશે.
ગ્રુપ હેલ્થ ઇન્શ્યૉરન્સમાંથી વ્યક્તિગત આરોગ્ય વીમામાં પોર્ટ કરવાના લાભ
૧. જો ગ્રુપ વીમામાં ‘નો વેઇટિંગ પિરિયડ’ ઉપલબ્ધ હોય તો વ્યક્તિગત પૉલિસીમાં પણ હોતો નથી.
૨. વ્યક્તિગત આરોગ્ય વીમાનો મુખ્ય ફાયદો એ છે કે એને તમારી જરૂરિયાતો અને બજેટને અનુરૂપ બનાવી શકાય છે. ગ્રુપ આરોગ્ય વીમામાં એ શક્ય હોતું નથી.
૩. તમારી આરોગ્ય વીમા પૉલિસીને પોર્ટ કરતી વખતે વધારે વ્યાપક કવરેજ માટે મોટી રકમનો વીમો મેળવવા માટે વિનંતી કરી શકાય છે.
આમ જો તમે તમારી નોકરી છોડવાનું વિચારી રહ્યા હો તો તમારા વર્તમાન એમ્પ્લૉયરના ગ્રુપ હેલ્થ ઇન્શ્યૉરન્સમાંથી વ્યક્તિગત વીમા પૉલિસીમાં પોર્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે તમારા હાલના હેલ્થ પ્લાનના ઉપાર્જિત લાભનો આનંદ માણી શકો. જોકે પોર્ટિંગ કરવું કે નહીં અને તમને વધુ રકમનું કવર આપવું કે નહીં એ વિશેનો અંતિમ નિર્ણય વીમા કંપનીનો છે.