સામાન્ય રીતે બૅન્કો ગ્રાહકના મૃત્યુની સ્થિતિમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો આપે છે
વીમાની વાત
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
વીમો જાતે ખરીદો કે પછી બીજે ક્યાંકથી કૉમ્પ્લિમેન્ટરી અથવા તો રાહતના દરે વીમો મળે, એમાં આખરે તો આર્થિક રક્ષણ જ મળે છે. વળી મેડિક્લેમ મળતો હોય કે પછી પર્સનલ ઍક્સિડન્ટ-કવર મળતું હોય કે પછી બીજી કોઈ રીતે વીમો મળતો હોય, એમાં છેવટે તો ફાયદો પૉલિસીધારકનો જ હોય છે. ગયા વખતના લેખમાં આપણે જોયું કે બૅન્કમાં મુકાયેલી થાપણને સુરક્ષિત રાખતી પૉલિસી હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા હેઠળ ગૅરન્ટેડ છે. એ ઉપરાંત ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ધારકોને પણ વીમો મળે છે. ટ્રેન અને વિમાનમાં પ્રવાસ કરનારાઓને રાહતના દરે અથવા વિનામૂલ્યે વીમો મળે છે. આ મુદ્દાને હવે આગળ વધારીએ.
આજકાલ બૅન્કો પોતાના ગ્રાહકોને પર્સનલ ઍક્સિડન્ટ સામે સુરક્ષાકવચ આપે છે. એમાં અકસ્માતમાં મૃત્યુ થાય અથવા હૉસ્પિટલાઇઝેશન થાય તો અમુક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. સામાન્ય રીતે બૅન્કો ગ્રાહકના મૃત્યુની સ્થિતિમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો આપે છે. ગ્રુપ ઍક્સિડન્ટ પૉલિસી હેઠળ આ વીમો ઓછા પ્રીમિયમમાં ઉપલબ્ધ થાય છે. દરેક બૅન્ક અલગ-અલગ પ્રીમિયમે અલગ-અલગ રકમનો વીમો ઉપલબ્ધ કરાવે છે. એમાં વર્ષે ૨૫૦થી લઈને ૧,૦૦૦ રૂપિયા સુધીનું પ્રીમિયમ હોય છે. વ્યક્તિ જાતે આટલી રકમનો વીમો લેવા જાય તો વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે, જ્યારે ગ્રુપ પૉલિસી હેઠળ ઓછા દરે વીમો મળી જાય છે. અહીં નોંધવું ઘટે કે સરકારે ૭૦ વર્ષથી ઓછી ઉંમરના કિસાન ક્રેડિટ કાર્ડધારકોને પર્સનલ ઍક્સિડન્ટ વીમો લાગુ કર્યો છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને રાહતના દરે ધિરાણ આપીને પાકના કુદરતી નુકસાન સામે રક્ષણ આપવામાં આવે છે.
ADVERTISEMENT
એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (ઈપીએફઓ)
ઈપીએફઓએ ખાનગી ક્ષેત્રના પગારદાર કર્મચારીઓને એમ્પ્લૉઇઝ ડિપોઝિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ સ્કીમ પૂરી પાડી છે. જો નોકરીના સમયગાળામાં કર્મચારીનું મૃત્યુ થાય તો તેમના રજિસ્ટર્ડ નૉમિનીને એકસામટી મોટી રકમ વીમા તરીકે મળે છે. આ યોજના એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફંડ ઍન્ડ મિસલેનિયસ પ્રોવિઝન્સ ઍક્ટ, ૧૯૫૨ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના તમામ નોંધણીકૃત કર્મચારીઓને લાગુ પડે છે. તમામ સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને જીવન વીમાનો આ લાભ આપવા માટે ઉક્ત સ્કીમ લેવી જરૂરી છે.
આ યોજના એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લૉઇઝ પેન્શન સ્કીમ સાથે લાગુ પડે છે. કર્મચારીને છેલ્લે મળેલા પગારના આધારે યોજનાનો લાભ લાગુ પડે છે. છ લાખ રૂપિયા માટેના કવચ માટેનું એનું પ્રીમિયમ એમ્પ્લૉયરે આપેલા કૉન્ટ્રિબ્યુશનના ૦.૫ ટકા જેટલું હોય છે.
એલપીજી ઇન્શ્યૉરન્સ પૉલિસી - લાયબિલિટી ઇન્શ્યૉરન્સ પૉલિસી
એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ-રાંધણ ગૅસ)ના ગ્રાહકોને તથા તેમના પરિવારને એલપીજી સિલિન્ડરને લગતા કોઈ અકસ્માતની સામે આ પૉલિસી રક્ષણ આપે છે. સમગ્ર એલપીજી ઉદ્યોગ દર વર્ષે આ સર્વાંગી પૉલિસી લેતો હોય છે. એમાં ગ્રાહકોને થનારા મેડિકલ ખર્ચ તથા તેમની પૉપર્ટીને થયેલા નુકસાનની ભરપાઈ સામેલ હોય છે. ક્લેમ કરતાં પહેલાં અકસ્માત વિશે પોલીસમાં એફઆઇઆર નોંધાયેલો હોવો જોઈએ, એની સાથે ગૅસના વિતરકનો ઔપચારિક પત્ર જોઈએ, ઘરમાં વપરાયેલી એક્સેસરીઝ આઇએસઆઇ પ્રમાણિત હતી એવો પુરાવો જોઈએ તથા અકસ્માત થયો હોય એ વખતે સિલિન્ડર રજિસ્ટર્ડ સરનામે રખાયેલું હોવું જોઈએ. અકસ્માતમાં ગ્રાહકની કોઈ ભૂલ ન હતી એ પણ પુરવાર થવું જોઈએ.
આ પૉલિસી હેઠળ ગ્રાહકના પરિવારમાંથી થયેલા મૃત્યુની સ્થિતિમાં વ્યક્તિદીઠ પાંચ લાખ રૂપિયાનું પર્સનલ ઍક્સિડન્ટ-કવર હોય છે. અકસ્માતનો ભોગ બનેલાઓને તત્કાળ ૨૫,૦૦૦ રૂપિયાની મેડિકલ રિલીફ આપવામાં આવે છે. એ ઉપરાંત દરેક ઘટનાદીઠ ૧૫ લાખ રૂપિયાના મેડિકલ ખર્ચ આવરી લેવાયેલા હોય છે. એમાં દરેક વ્યક્તિદીઠ મહત્તમ એક લાખ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે. પાઇપલાઇનથી એલપીજી મેળવનારા ગ્રાહકોને પણ આ પૉલિસી લાગુ પડે છે.
લૉક્સ ઍન્ડ સિક્યૉરિટી સોલ્યુશન્સ
તાળાં અને સલામતી માટેના ઉપાયો ઉપલબ્ધ કરાવતી અનેક કંપનીઓ આજકાલ ઘરફોડી સામે વિનામૂલ્યે વીમો પૂરો પાડે છે. જો તાળું તોડીને ઘરમાં ચોરી થઈ હોય તો ગ્રાહકો આ પૉલિસી હેઠળ ક્લેમ કરી શકે છે. ચોરી માટે પોલીસમાં પહેલાં એફઆઇઆર નોંધાવવો જરૂરી છે. વીમામાં ઘરેણાં તથા ઘરની મોંઘી ચીજવસ્તુઓને આવરી લેવાય છે. આશા છે કે આજના અને ગયા વખતના લેખ દ્વારા આપને ઉપયોગી માહિતી જાણવા મળી હશે.