નિકાસ વેપારો વધવાની સંભાવના અને વાવેતર ઓછાં થાય એવી ચર્ચાએ તેજી
પ્રતીકાત્મક તસવીર
મસાલા પાક જીરું વાયદામાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે અને બેન્ચમાર્ક વાયદો ત્રણ મહિનાની ઊંચી સપાટી નજીક પહોંચ્યો છે. ખાસ કરીને જીરુંના નિકાસ વેપારો વધવાની સંભાવના અને બીજી તરફ વાવેતર ઓછાં થાય એવી ચર્ચા ચાલી રહી હોવાથી ભાવમાં સુધારો આવ્યો હતો.
એસએમસી ગ્લોબલ સિક્યૉરિટીના રિસર્ચ ઍનૅલિસ્ટ રિતેશ સાહૂએ જણાવ્યું હતું કે જીરુંમાં સ્થાનિક અને નિકાસ માગ સારી છે. સીરિયા અને ટર્કીમાં પ્રતિકૂળ હવામાનને કારણે ત્યાં જીરુંનું ઉત્પાદન ઘટે એવી સંભાવના હોવાથી ભારતીય જીરુંની નિકાસ માગ આગામી દિવસોમાં વધી શકે છે. જીરુંની માગ કોરોનાકાળમાં વધ્યા બાદ છેલ્લા થોડા સમયથી ઓછી જોવા મળતી હતી જેમાં હવે વધારો થવાની સંભાવના છે.જીરું બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ૧૫,૭૪૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો જે ત્રણ મહિનાની ઊંચી સપાટી નજીકના ભાવ બતાવે છે. ત્રણ મહિના પહેલાં ભાવ વધીને ૧૫,૮૪૦ રૂપિયા સુધી પહોંચ્યા હતા. જીરું વાયદો વધઘટે ૧૬,૦૦૦ રૂપિયાની સપાટી પાર કરે એવી પણ સંભાવના ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.
વેપારીઓ કહે છે કે જીરુંનાં વાવેતર પણ ઓછાં થાય એવી સંભાવના છે. ચણા-રાયડો સહિતના બીજા પાકોના ભાવ ઊંચા હોવાથી અને વાતાવરણની સ્થિતિ જોતાં વાવેતર ઘટે એવા સંકેત અત્યારથી મળી રહ્યા છે.
ગુજરાત સરકારના તાજા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ૮ નવેમ્બર સુધીમાં જીરુંનું વાવેતર માત્ર ૩૩૦ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે આજ સમયે ૧૦,૭૪૩ હેક્ટરમાં થયું હતું. આમ શરૂઆતના તબક્કે વાવેતર વિસ્તારમાં બહુ મોટો ઘટાડો બતાવે છે.

