Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી 20K બાદ મ્યુચ્યુઅલ ફન્ડના ઇન્વેસ્ટરોએ શું ધ્યાન રાખવું?

નિફ્ટી 20K બાદ મ્યુચ્યુઅલ ફન્ડના ઇન્વેસ્ટરોએ શું ધ્યાન રાખવું?

Published : 28 September, 2023 11:00 AM | IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજારે નવી ઊંચી સપાટી બનાવ્યા બાદ બજારમાં મોટાં કરેક્શન પણ જોવાયાં. જોકે મ્યુચ્યુઅલ ફન્ડના ઇન્વેસ્ટરોને સવાલ છે કે હવે તેમણે વધુ રોકાણ કરવું? કેવી યોજના પસંદ કરવી? વ્યૂહરચના બદલવી? આના જવાબ સમજવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

ફન્ડના ફન્ડા

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં નિફ્ટી ૨૦,૦૦૦ને પાર કરી ગયા બાદ માર્કેટમાં નવું જોર અને જોમ આવ્યું, રોકાણકારોમાં પણ ભાવવધારાને જોઈ ઉત્સાહ વધ્યો. મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓમાં છૂટેલા વળતરને ધ્યાનમાં રાખી આ ઉત્સાહ ડબલ થયો, પરંતુ હવે ધ્યાન એ રાખવાનું છે કે આ વર્તમાન વળતરને ભાવિ વળતરની ખાતરી અથવા ભવિષ્યમાં પણ આવું જ ઊંચું વળતર મળશે એવું માનીને ચાલવાની ભૂલ કરાય નહીં. ૨૦,૦૦૦ બાદ હેવી કરેક્શન પણ આવ્યું, ત્યારે માર્કેટને વધુ સમજવાની જરૂર રહેશે. પરાગ પરીખ ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી સર્વિસિસના સીઆઇઓ (ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર) રાજીવ ઠક્કરના મત મુજબ ઊલટાનું રોકાણકારો માટે સારી વાત એ હશે કે તેઓ સંકુચિત વળતર અથવા ઓછા વળતરની અપેક્ષા રાખી ચાલે, જેથી સંજોગોવશાત‍્ કોઈ આફત આવે તો પણ રોકાણકારે નિરાશ થવું પડે નહી.

સ્મૉલ-મિડ કૅપ બાદ હવે



છેલ્લા અમુક સમયમાં લાર્જ કૅપ કરતાં પણ સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં વધુ વળતર છૂટ્યું છે. અમુક સ્ટૉક્સમાં થયેલા અસાધારણ વધારા પ્રત્યે સજાગ થવાની જરૂર રહે તેમ જ આ સાથે રોકાણની વ્યૂહરચના પણ નવેસરથી ઘડવી જોઈએ. બજાર જ્યારે પણ નવા શિખર કે નવી ઊંચાઈ સર કરે ત્યારે પહેલી ચિંતા એ થાય કે વૅલ્યુએશન મોંઘાં થઈ ગયાં છે કે શું? એનું તારણ કઈ રીતે કાઢવું? એક અભ્યાસ મુજબ ૨૦૨૧થી નિફ્ટી-૫૦ના ટોટલ રીટર્ન ઇન્ડેક્સે ૪૮ ટકા જેટલું વળતર આપ્યું છે, જ્યારે એની સામે નિફ્ટી-૧૦૦ મિડ કૅપ ટોટલ રીટર્ન ઇન્ડેક્સ ૧૦૧ ટકા અને સ્મૉલ કૅપ-૨૫૦ના ટીઆર ઇન્ડેક્સમાં ૧૦૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ઠક્કરના કહેવાનુસાર છેલ્લાં બે વરસમાં સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં મ્યુચ્યુઅલ ફન્ડ તરફથી ભરપૂર રોકાણપ્રવાહ આવતો રહ્યો છે. વધુમાં આ કંપનીઓને ઇન્ફ્લેશનની વધુ વિપરીત અસર થઈ નથી અને બીજી બાજુ માર્કેટમાં વિદેશી રોકાણનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. જોકે આગળ જતાં સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ કરતાં લાર્જ કૅપ સ્ટૉક્સ વધુ બહેતર બનશે, કારણ કે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ ઑલરેડી વધુ પડતા વધી ગયા હોવાનું નિષ્ણાતોનું તારણ છે, જેથી હવે પછી એમાં વધુ વૃદ્ધિને અવકાશ ઓછો છે.


ઇલેક્શન અને અનિશ્ચિતતા

હવે ઇલેક્શનનો સમય નજીક આવી રહ્યો હોવાથી ક્યાંક અનિશ્ચિતતા સર્જાઈ શકે, વૉલેટિલિટી વધી શકે, આ સમયમાં રોકાણ કુશળતા કેળવવી પડે. ક્યાંક થોભો અને રાહ જુઓની નીતિ પણ અપનાવવી પડે. ૨૦,૦૦૦ના નિફ્ટી લેવલે રોકાણની વ્યૂહરચનામાં ફેરફારની જરૂર છે કે કેમ એ દરેક વ્યક્તિએ પોતાના રોકાણ ધ્યેયને આધારે નક્કી કરવું પડે. બાકી એસઆઇપીનો સવાલ છે ત્યાં કોઈ જ નવું વિચારવાની જરૂર રહેતી નથી. લાંબા ગાળા માર્કેટ તેજીતરફી રહેવાની આશા હોવાથી આ રોકાણકાર વર્ગને લાભ થવાનો છે એમ માનવામાં કોઈ અતિશયોક્તિ નથી. જોકે લમસમ રોકાણ કરનાર વર્ગે ક્યાંક ધીમા પડી સમીક્ષા કરવી પડે. 


આપણે અત્યારથી એ વાત સતત યાદ રાખવાની રહેશે કે ૨૦૨૪નું વરસ જનરલ ઇલેક્શનનું છે, ૨૦૧૪ને પણ આ સાથે યાદ કરવું જોઈએ, જેણે દેશની દશા અને દિશા બન્ને બદલી નાખ્યા. હવે જો આ ગતિ અને મતિ ચાલુ રહી તો બજાર માટે નવા વિક્રમ સર્જાવા સિવાય વિકલ્પ નહીં રહે. જો કોઈ અણધાર્યા સંજોગો ઊભા નહીં થાય તો બજારની વૃદ્ધિ ચાલુ રહેશે. વાજબી (બહુ ઊંચા નહીં) વળતરથી સંતોષ રાખી શકતા રોકાણકારો માટે હાલ રોકાણનો સમય ઉત્તમ ગણાય, એનો અર્થ એ નહીં કે પછી સમય નહીં હોય, પરંતુ સમયનો પણ એક સમય હોય છે, જ્યાં એની કિસ્મત નવો આકાર લેતી હોય છે. મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોએ આ સમયને અને સ્ટૉક્સને અર્થાત ઇક્વિટી સ્કીમ્સને પારખવા જોઈશે.

સવાલ તમારા…

રોકાણકારે મ્યુચ્યુલ ફન્ડની કેવી યોજનાઓ પસંદ કરવી?
જેઓ જોખમ લેવા સજ્જ છે, તેમણે માત્ર અને માત્ર ડાઇવર્સિફાઇડ ઇક્વિટી સ્કીમ પસંદ કરવી. પાંચેક વરસના હોલ્ડિંગની માનસિક તૈયારી ચોક્કસ રાખવી. ઇકૉનૉમીને ડ્રાઇવ કરતા સ્ટૉક્સ-કંપનીઓ પર વિશેષ ભાર આપવો. ચાહો તો તમારી પોતાની સેલ્ફ મેડ એસઆઇપી પણ કરી શકો. તમારી ઉંમર અને પારિવારિક જવાબદારીને આધારે રોકાણ કરવું, વધારવું અને જાળવવું. બાકીના રોકાણકારો બૅલૅન્સ ફન્ડ પસંદ કરી શકે. 

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2023 11:00 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK