Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝMumbai: કોરિયન યુવતી સાથે જે થયું એ મુંબઈમાં બીજી છોકરીઓ સાથે પણ થયું છે, જાણો ક્યાં

30 January, 2023 12:23 IST | Mumbai

Mumbai: કોરિયન યુવતી સાથે જે થયું એ મુંબઈમાં બીજી છોકરીઓ સાથે પણ થયું છે, જાણો ક્યાં

મહિલા સુરક્ષાની વાત હોય ત્યારે આમ તો મુંબઈને ઘણું સલામત શહેર માનવામાં આવે છે પણ લાગે છે કે શહેરની આ તાસિર બદલાઈ રહી છે. ત્રણેક અઠવાડિયા પહેલાં મુંબઈ (Mumbai)ના ખાર (Khar) વિસ્તારમાં દક્ષિણ કોરિયાની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Korean YouTuber Molested in Khar) લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. બે છોકરાઓએ એની સાથે બદસલૂકી કરી, એક જણે તો તેને ચુંબન કરવાની કોશિશ કરી, તેનો હાથ પકડી લીધો. છોકરી સાથે થયેલી છેડતીનો વીડિયો ટ્વિટર પર વાયરલ થતાં જ મુંબઈ પોલીસના નિર્ભયા સ્કવૉડે આ સંદર્ભે સુઓ મોટો દખલ લઈને જાતે જ ફરિયાદી બની તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓને તુરંત જ ઝડપી લીધા.

પણ શું દરેક યુવતીની છેડતીના વીડિયો વાઇરલ થતા હોય છે? આપણે ત્યાં તો છોકરી સમાજની શરમે કદાચ ફરિયાદ કરવાનું ટાળે એમ પણ બને. આપણો પિતૃસત્તાક સમાજ જે છોકરીઓને હજારો નહીં બલ્કે લાખો સલાહો આપવા ચોવીસ કલાક થનગનતો હોય છે એ જ સમાજમાં ધોળે દિવસે, છડે ચોક થતી છેડતી પણ એક સચ્ચાઇ છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મુંબઈની જ એવી કેટલીક છોકરીઓ સાથે વાત કરી જેમની સાથે સલામત ગણાતા આ શહેરમાં બેહુદું વર્તન થયું, તેમની છેડતી કરાઇ અને સંસ્કારી સમાજમાં તેમને અસલામતીનો અનુભવ કરવો પડ્યો.

ગોરેગાંવની એક કંપનીમાં HR તરીકે કાર્યરત જાનવી જણાવે છે કે “એકવાર ઑફિસમાં હું થોડું ટાઈટ શર્ટ પહેરીને ગઈ હતી, ત્યારે એક સહકર્મીએ તેના વિશે અભદ્ર કૉમેન્ટ કરી હતી. જોકે બાદમાં મેં તેની વિરુદ્ધ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.”

મલાડમાં રહેતી અને હાલ સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની મીરા ચાવડાને આવો જ એક ખરાબ અનુભવ લોકલ ટ્રેનમાં થયો હતો. મીરા કહે છે કે “મને આવો એક અનુભવ મુંબઈની લાઈફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં થયો. મારો કૉલેજમાં પહેલો દિવસ હતો તે દિવસે ઘરે આવતી વખતે હું ઉતાવળમાં લેડિઝની જગ્યાએ જનરલ ડબ્બામાં ચડી ગઈ હતી. તે સમયે ભીડ હતી અને કોઈ વ્યક્તિએ મને ખરાબ રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી હતી.”

બોરીવલીની એક કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અંકિતા ચાવડા જણાવે છે કે “એક દિવસ હું કૉલેજથી ઘરે જઈ રહી હતી. તે દિવસે મારા કોઈ ફ્રેન્ડ્સ આવ્યા ન હતા. હું જ એકલી જ હતી. ત્યારે સ્ટેશન નજીક મને 25-26 વર્ષની ઉંમરની એક વ્યક્તિએ મને એક કાપલીમાં લખેલું એડ્રેસ બતાવ્યું અને રસ્તો પૂછ્યો. જોકે મને તે જગ્યા વિશે ખબર ન હતી એટલે મેં સહજતાથી તેને ના પડી દીધી. હું જરાક આગળ વધી અને તે મારો પીછો કરવા લાગ્યો. જોકે, હું દોડીને ટ્રેનમાં ચડી ગઈ અને ટ્રેન ઉપડી ગઈ એટલે મારો પીછો છૂટ્યો.”

દહિસરની કૉલેજમાં અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થિનીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે “કૉલેજમાં મારા જ ગ્રુપના છોકરા સાથે આવો કિસ્સો બન્યો. એક ઇવેન્ટ દરમિયાન અમે ગ્રુપ ફોટો પડી રહ્યા હતા અને તેણે અડપલું કરવાની કોશિશ કરી હતી. જોકે મેં તરત જ તેનો પ્રતિકાર કર્યો અને પછી ક્યારેય તેની સાથે વાત કરી નથી.”

આ પણ વાંચો: બૉમ્બે HCનો નિર્ણય,`શારીરિક સ્પર્શ ન હોય તો નહીં માનવામાં આવે યૌન શોષણ`

જ્યારે આવા કિસ્સાઓ સતત શહેરમાં બની રહ્યા છે તો સામે પોલીસ પણ પોતાની તરફથી સ્ત્રીઓ વિરુદ્ધ થતાં ગુનાઓને નાથવા માટે પ્રયત્નશીલ છે. મુંબઈ પોલીસે સ્ત્રીઓને સંકટ સમયમાં મદદ કરવા માટે આ વર્ષે જ વિશેષરૂપે નિર્ભયા સ્કવૉડની રચના કરી છે. નિર્ભયા સ્કવૉડ પાસેથી મદદ મેળવવા માટે ‘103’ નંબર પણ આપવામાં આવ્યો છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK