યુએસ ઓપનની ફાઇનલમાં મેડવેડેવને હરાવીને ૨૪મું ઐતિહાસિક ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યા પછી કહ્યું કે ‘સર્વોચ્ચ સ્તરે હું હજી આટલું બધું સારું રમું છું તો હમણાં શા માટે રમવાનું છોડું’ : કોચ પણ કહે છે કે જૉકોવિચ હજી ખૂબ રમશે
જૉકોવિચે પરિવારજનો, મિત્રો, ચાહકો વચ્ચે આનંદના આવેશમાં બૂમ પાડી હતી.
સર્બિયાનો ટેનિસ-લેજન્ડ નોવાક જૉકોવિચ ન્યુ યૉર્કમાં રવિવારે અસહ્ય ગરમી વચ્ચે રશિયાના ડેનિલ મેડવેડેવ સાથેની ભારે રસાકસીમાં યુએસ ઓપનની ફાઇનલ ૬-૩, ૭-૫, ૬-૩થી જીતી ગયો હતો અને ૨૪મા ગ્રૅન્ડ સ્લૅમ પર પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણો પછી જૉકોવિચને નિવૃત્તિની સંભાવના વિશે પુછાતાં તેણે કહ્યું હતું કે ‘મારે તો હજી ઘણું રમવું છે.’
જૉકોવિચના કોચ ગૉરાન ઇવાનિસેવિચે પણ અણસાર આપ્યો હતો કે જૉકોવિચ હજી ઘણું રમવા મક્કમ છે.
સેરેનાથી આગળ, માર્ગારેટ કોર્ટની બરાબરીમાં
૩૬ વર્ષનો જૉકોવિચ ૨૪મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતીને સેરેના વિલિયમ્સથી આગળ થયો છે. ટેનિસમાં વ્યક્ગિત રીતે જૉકોવિચનાં સેરેના જેટલાં ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ હતાં, પણ હવે ૨૪મા ટાઇટલ સાથે જૉકોવિચ અવ્વલ થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયાના માર્ગારેટ કોર્ટ પણ કુલ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં હતાં, પરંતુ એમાંનાં ૧૩ ટાઇટલ તેઓ ઓપન એરાની ૧૯૬૮માં શરૂઆત થઈ એ પહેલાં જીત્યાં હતાં.
ADVERTISEMENT
રૉજર ફેડરર ૨૦ અને રાફેલ નડાલ ૨૨ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે.
હજી કેટલું રમવું છે? ઃ મેડવેડેવ
રવિવારે ન્યુ યૉર્કમાં જૉકોવિચ સામેની ફાઇનલમાં સ્ટ્રેઇટ સેટથી હારી ગયા બાદ રશિયાના વર્લ્ડ નંબર-થ્રી ખેલાડી મેડવેડેવે જૉકોવિચને મજાકમાં કહ્યું કે ‘અરે દોસ્ત, તારે હજી કેટલું રમવું છે? થોડો તો ધીમો પડ! મને વિચાર એ થાય છે કે તું ક્યારે ધીમો પડશે?’
જોકે જૉકોવિચે ૨૪મું ટાઇટલ જીત્યા પછી જે કહ્યું એનાથી ખુદ મેડવેડેવ તેમ જ નંબર-ટૂ સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ જરૂર નિરાશ થયા હશે, કારણ કે જૉકોવિચ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલનો વિક્રમ રચવા છતાં હજી રિટાયર થવાનું નામ નથી લેતો. તેણે કહ્યું કે ‘હું તો હજી રમવાનું ચાલુ રાખવાનો છું. શરીર હજી સાથ આપી રહ્યું છે, પરિસ્થિતિ પણ મારા માટે ખૂબ અનુકૂળ છે તેમ જ મારી ટીમ અને ફૅમિલીનો પણ બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોથી હું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનું લક્ષ્ય રાખું છું એટલે બીજી ટુર્નામેન્ટ ઓછી રમું છું. ખાસ કહું તો મને વિચાર આવે છે કે ટોચના સ્તરે અને બિગેસ્ટ ટુર્નામેન્ટ્સમાં આટલું સારું રમું છું તો હમણાં રમવાનું શા માટે છોડું?’
જૉકોવિચનાં કયાં ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ કયા વર્ષમાં?
ઑસ્ટ્રેલિયન ઓપન ઃ ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૩.
ફ્રેન્ચ ઓપન ઃ ૨૦૧૬, ૨૦૨૧, ૨૦૨૩.
વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ ઃ ૨૦૧૧, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨.
યુએસ ઓપન ઃ ૨૦૧૧, ૨૦૧૫, ૨૦૧૮, ૨૦૨૩.
ટેનિસનો ઓપન એરા એટલે શું?
ટેનિસમાં સર્વોત્તમ ગણાતી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં ૧૯૬૮માં પહેલી વાર પ્રોફેશનલ પ્લેયર્સને ઍમેટર એટલે કે નવાસવા અને ઊભરતા ખેલાડીઓ સાથે રમવાની છૂટ મળી હતી એટલે એ વર્ષથી ટેનિસમાં ઓપન યુગનો આરંભ થયો હતો. ૧૯૬૮ પહેલાં માત્ર ઍમેટર પ્લેયર્સને રમવાની છૂટ હતી. પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ ૧૯૬૮માં પૅરિસમાં ફ્રેન્ચ ઓપનના રૂપમાં રમાઈ હતી. ટૂંકમાં ઓપન એરામાં તમામ સ્તરના ટેનિસ ખેલાડીઓને રમવાની છૂટ મળી હતી.