ટેનિસ-કિંગને ગયા વર્ષે કોવિડ-વિરોધી વૅક્સિન ન લેવા બદલ ઑસ્ટ્રેલિયાથી કાઢી મુકાયેલો
શનિવારે સ્પેનમાં ઇટલીના યાનિસ સિનેરે નોવાક જૉકોવિચને સિંગલ્સમાં ૬-૨, ૨-૬, ૭-૫થી હરાવ્યો હતો. (તસવીર : એ.એફ.પી.)
સર્બિયાનો ટેનિસ-કિંગ નોવાક જૉકોવિચ ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયન ઓપન વખતે કોવિડ-વિરોધી વૅક્સિનના મુદ્દે વિવાદમાં આવ્યો હતો અને તાજેતરમાં ડેવિસ કપ દરમ્યાન ડ્રગ્સ-વિરોધી ડોપિંગ ટેસ્ટમાં સહકાર આપવા તૈયાર ન થતાં ચર્ચાના ચકડોળે ચગ્યો છે.સ્પેનના મૅલેગા શહેરમાં ગુરુવારે ગ્રેટ બ્રિટન સામેની ડેવિસ કપની સેમી ફાઇનલ પહેલાં બધા ખેલાડીઓની જેમ વર્લ્ડ નંબર-વન જૉકોવિચને પણ ડોપ-ટેસ્ટ આપવા કહેવાયું હતું, પરંતુ જૉકોવિચને એ નહોતું ગમ્યું.
સર્બિયાએ આ ડેવિસ કપ મુકાબલામાં બ્રિટનને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ખાસ કરીને જૉકોવિચે બ્રિટનના કૅમેરન નૉરીને ૬-૪, ૬-૪થી હરાવી દીધો હતો. જૉકોવિચે પત્રકારોને કહ્યું હતું કે મને નૉરી સામેની મૅચની ૯૦ મિનિટ પહેલાં ડોપ-ટેસ્ટ માટેનાં સૅમ્પલ્સ મોકલવા કહેવામાં આવ્યું હતું. મૅચના દોઢ કલાક પહેલાં કોઈને ડોપ-ટેસ્ટ માટેનાં સૅમ્પલ્સ મોકલવા કહેવામાં આવ્યું હોય એવું મેં ૨૦ વર્ષની કરીઅરમાં પહેલી વાર જોયું. મૅચની ગણતરીની મિનિટો પહેલાં હું મારી તૈયારીઓમાં બિઝી હતો ત્યારે આવાં પરીક્ષણ માટે બ્લડ તથા યુરિન સૅમ્પલ્સ આપવાની ફરજ પાડીને મને ખલેલ પહોંચાડાઈ હતી. હું એ સમયે યુરિનનું સૅમ્પલ આપી શકું કે નહીં એ જાણ્યા વગર મને આ ફરજ પડાઈ હતી. મને ડોપ-ટેસ્ટ આપવા સામે કોઈ વાંધો નથી હોતો. ૧૦૦ વખત આપી દઉં, પણ મૅચ પહેલાં આ રીતે ટેસ્ટ લેવી એ તો ઠીક ન કહેવાય.’
ADVERTISEMENT
જોકે આયોજકોએ કહ્યું કે ‘માત્ર જૉકોવિચને નહીં, પણ ટુર્નામેન્ટના તમામ ખેલાડીઓને ડોપ-ટેસ્ટ માટે સૅમ્પલ્સ આપવા કહેવામાં આવ્યું હતું.’
ઇટલીના યાનિક સિનેરે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચને દિવસમાં બે વાર હરાવી ડેવિસ કપની બહાર કર્યો
સ્પેનમાં શનિવારે ડેવિસ કપની સેમી ફાઇનલમાં ઇટલીના યાનિક સિનેરે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચને દિવસમાં બે વાર હરાવીને તેને અને તેના દેશ સર્બિયાની ટીમને ટુર્નામેન્ટની બહાર કરી દેતાં મોટો અપસેટ થયો હતો. સિનેરે સેમી ફાઇનલમાં પહેલાં તો જૉકોવિચને સિંગલ્સમાં ૬-૨, ૨-૬, ૭-૫થી હરાવી દીધો હતો અને પછી સિનેર તથા લૉરેન્ઝો સોનેગોની જોડીએ જૉકોવિચ તથા કેસમૅનોવિચની જોડીને ૬-૩, ૬-૪થી હરાવી દીધી હતી. ઇટલી એ સાથે ફાઇનલમાં પહોંચી ગયું, જેમાં એનો મુકાબલો ઑસ્ટ્રેલિયા સામે નક્કી થયો હતો. ઇટલીએ ૨-૧ના વિજય સાથે ૧૯૯૮ પછી પહેલી વાર ડેવિસ કપની ફાઇનલમાં એન્ટ્રી કરી છે.