IPL 2008માં ભજ્જી-શ્રીસાન્ત વચ્ચે થયેલા થપ્પડકાંડનો વર્ષો જૂનો વિડિયો જાહેર કરીને ભૂતપૂર્વ IPL ચૅરમૅન લલિત મોદી અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ ક્લાર્કે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.
લલિત મોદી, માઇકલ ક્લાર્કે, શ્રીસાન્ત અને પત્ની ભુવનેશ્વરી શ્રીસાન્તે
IPL 2008માં ભજ્જી-શ્રીસાન્ત વચ્ચે થયેલા થપ્પડકાંડનો વર્ષો જૂનો વિડિયો જાહેર કરીને ભૂતપૂર્વ IPL ચૅરમૅન લલિત મોદી અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ ક્લાર્કે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. વર્ષો જૂની કલંકરૂપી ઘટનાના ઘા ફરી તાજા કરવા બદલ એસ. શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરી શ્રીસાન્તે સોશ્યલ મીડિયા પર બન્નેને આડે હાથ લીધા છે.
તેણે ત્રણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બન્નેને ટૅગ કરીને લખ્યું કે ‘આ બન્નેને શરમ આવવી જોઈએ. તમારી સસ્તી પ્રસિદ્ધિ અને વિચારો માટે ૨૦૦૮ની કોઈ ઘટનાને ઉછાળો છો એ બદલ તમે માણસ કહેવાવા લાયક નથી. હરભજન સિંહ અને શ્રીસાન્ત બન્ને આ ઘટના બાદ ઘણા આગળ વધી ગયા છે. તેઓ હવે શાળાએ જતાં બાળકોના પપ્પા છે અને છતાં તમે તે બન્નેને જૂના ઘા યાદ અપાવી રહ્યા છો. એકદમ ઘૃણાસ્પદ, નિર્દય અને અમાનવીય કામ કર્યું.’ અન્ય એક સ્ટોરીમાં તેણે યુટ્યુબ વિડિયોના કમેન્ટ-બૉક્સમાંથી તેની કમેન્ટ ડિલીટ કરવા બદલ પણ બન્નેને ખખડાવ્યા હતા.
બીજી સ્ટોરીમાં તેણે લખ્યું કે ‘શ્રીસાન્તે દરેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પોતાનું જીવન ગૌરવ અને શાનદાર રીતે ફરીથી બનાવ્યું છે. તેની પત્ની અને બાળકોની મમ્મી તરીકે વર્ષો જૂની આ ઘટના ફરી સામે આવે એ અમારા પરિવાર માટે ખૂબ જ દુખદ છે. દાયકાઓ પહેલાં દફનાવેલા આઘાતને ફરી સહન કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોથી માત્ર પ્લેયર્સ નહીં, પણ બાળકોને પણ દુ:ખ પહોંચ્યું છે જેમને કોઈ ભૂલ વિના પ્રશ્નો અને શરમનો સામનો કરવો પડ્યો છે. આટલું સસ્તું અને અમાનવીય કામ કરવા બદલ તમારા પર કેસ થવો જોઈએ. શ્રીસાન્ત મજબૂત અને ચારિત્ર્યવાન માણસ છે. કોઈ વિડિયો તેનું આ ગૌરવ છીનવી નહીં શકે. પોતાના ફાયદા માટે કોઈના પરિવારને નુકસાન પહોંચાડનારાઓ ભગવાનથી ડરો.’


