વર્લ્ડ કપની નિરાશા બાદ હવે હાર્દિક પંડ્યાના સુકાનમાં ભારતીય ટીમે વૉશઆઉટથી શરૂઆત કરવી પડી છે.

વર્લ્ડ કપની નિરાશા બાદ હવે હાર્દિક પંડ્યાના સુકાનમાં ભારતીય ટીમે વૉશઆઉટથી શરૂઆત કરવી પડી છે
મૅચ નહીં, મજાક-મસ્તીનું સેશન
વેલિંગ્ટનમાં ગઈ કાલે વરસાદને લીધે મૅચ શરૂ નહોતી થઈ રહી ત્યારે ફુરસદના સમયમાં મજાક-મસ્તીના મૂડમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાથે ન્યુ ઝીલૅન્ડનો પેસ બોલર ટિમ સાઉધી. બન્ને વચ્ચે બહુ સારી મિત્રતા છે, કારણ કે બન્ને ખેલાડીઓ આઇપીએલમાં મુંબઈ, રાજસ્થાન, બૅન્ગલોરની ટીમ વતી રમી ચૂક્યા છે.
ગઈ કાલે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેના પ્રથમ ટી૨૦ મુકાબલા પહેલાં વેલિંગ્ટનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાનો નિરાશાજનક અનુભવ ક્રિકેટપ્રેમીઓને થયો હતો. વર્લ્ડ કપની નિરાશા બાદ હવે હાર્દિક પંડ્યાના સુકાનમાં ભારતીય ટીમે વૉશઆઉટથી શરૂઆત કરવી પડી છે. વરસાદને કારણે આ મૅચ રમાઈ જ નહોતી અને ઘણી વાર સુધી હવામાન સારું થવાની રાહ જોયા પછી છેવટે મૅચને રદ જાહેર કરાઈ હતી. જોકે હવે આવતી કાલે (રવિવાર, ૨૦ નવેમ્બરે) માઉન્ટ મૉન્ગનુઇમાં બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ બપોરે ૧૨ વાગ્યાથી) રમાવાની છે. એ શહેરમાં પણ વરસાદ પડવાની આગાહી છે. આ પણ ડે/નાઇટ મૅચ છે અને મેઘરાજા ખાસ કરીને બપોરે મહેરબાન થવાની સંભાવના છે.
ગઈ કાલે વેલિંગ્ટનમાં સ્થાનિક સમય મુજબ રાતે ૮.૫૨ વાગ્યે મૅચને રદ જાહેર કરવામાં આવી હતી. પાંચ-પાંચ ઓવર પણ રમી શકાય એવી મૅચ રાખવા માટેનો નિર્ણય લેવા રાતે ૯.૪૬ વાગ્યાનો કટ-ઑફ ટાઇમ નક્કી કરાયો હતો, પરંતુ એના એક કલાક પહેલાં જ અમ્પાયરોને રમત જરાય નહીં થઈ શકે એવી ખાતરી થતાં મૅચને કૉલ-ઑફ કરાઈ હતી.
હવે ન્યુ ઝીલૅન્ડમાં ભારતની બે ટી૨૦ અને ત્રણ વન-ડે રમાશે. ટી૨૦ની ટીમમાં હાર્દિક પંડ્યા અને વન-ડેની ટીમમાં શિખર ધવન કૅપ્ટન તરીકે નિયુક્ત છે.

