બ્રાવો રિટર્ન
ક્રિકેટની દુનિયામાંથી રિટાયરમેન્ટ લઈ લીધા બાદ કૅરિબિયન ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પોતાનો નિર્ણય પાછો ખેંચી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કમબૅક કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેને આયરલૅન્ડ સામેની ટી૨૦ ટીમમાં સામેલ કર્યો છે. કૅરિબિયન ક્રિકેટ બોર્ડના સિલેક્ટરો અનુસાર ડ્વેન બ્રાવોને ટીમમાં સામેલ કરવા પાછળ ડેથ ઓવર કારણભૂત છે. તેમનું કહેવું છે કે બ્રાવોનો ડેથ ઓવરોનો રેકૉર્ડ ખૂબ સારો છે અને અનુભવની સાથે-સાથે તે અન્ય બોલરોને પણ મદદ કરી શકે છે. બ્રાવો ડેથ ઓવરોમાં હરીફ ટીમને હંફાવી શકે છે.
વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ૨૦૧૮માં ટી૨૦ અને વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટ તેમ જ ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધી હતી. તેણે ત્રણેય ફૉર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ માટે કુલ ૨૭૦ મૅચ રમી છે. ૬૬ ટી૨૦ મૅચમાં તેણે ૧૧૪૨ રન બનાવી બાવન વિકેટ ઝડપી છે.’