કેરીનો રસ ખાતી વખતે ચપટીક સૂંઠ અને ગાયનું ઘી જરૂર નાખજો
આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી
એમાં પાછી કેમિકલથી પકવેલી કેરીઓનો ખડકલો થતો હોવાથી આ અમૃતફળના ફાયદા મરી પરવાર્યા છે. આવા સંજોગોમાં કેરી ખાવાનો આનંદ માણવો અને છતાં એની સાઇડ-ઇફેક્ટ્સથી બચવું હોય તો શું કરવું?
ADVERTISEMENT
કેરી ખાવાની આપણી વર્ષો જૂની આદતોને ફરીથી યાદ કરીને એને અનુસરવું એ જ યોગ્ય ઉકેલ કહેવાય. આવો જોઈએ એના કેટલાક રસ્તાઓ.
ચારથી પાંચ કલાક પલાળવી
કેરી કાપીને ખાવી હોય કે રસ કાઢીને, ખાતા પહેલાં એને ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખવી. આ ક્રિયાથી કેરીની ગરમી ઘટે છે. કેરી સ્વભાવે ગરમ પ્રકૃતિની હોવાથી એ ખાવાથી ગૂમડાં, ઢીમચાં, ખીલ જેવી ગરમી થવાની સંભાવનાઓ વધારે હોય છે; પણ જો એને ચારથી પાંચ કલાક પહેલાં પલાળીને રાખવામાં આવે તો ગરમી નીકળતી અટકે છે.
તાજો રસ ખાવો
કેરીનો રસ કાઢીને લાંબો સમય મૂકી રાખવો નહીં. ફ્રિજમાં મૂકેલો ચિલ્ડ રસ ખાવાની મજા આવે છે, પણ એક તો કેરી કફકારક છે ને ઉપરથી એને ઠંડી કરીને ખાવામાં આવે તો એનાથી વધુ કફ થાય છે અને પચવામાં ભારે બને છે.
સૂંઠ અને ઘી નાખો
પહેલાં કેરીના રસમાં બારીક વાટેલી સૂંઠ અને એક ચમચી ગાયનું ઘી નાખીને ખાવાનો રિવાજ હતો, જે હેલ્થની દૃષ્ટિએ ખૂબ જ સારું છે. સૂંઠને કારણે કેરીનો રસ પચવામાં મદદ થાય છે. સૂંઠ વાયુગુણ હરે છે. વાના દરદીઓને પણ સૂંઠ ખાસ આપવામાં આવે છે. કફકારક અને વાયુકારક કેરીનો રસ સાંધાના દરદીઓ માટે નુકસાનકારક બની શકે છે. જો એમાં સૂંઠ ઉમેરવામાં આવે તો કફગુણ સંતુલિત થાય છે. ગાયનું ઘી ઠંડક કરનારું હોવાથી કેરીના ગરમ ગુણને સંતુલિત કરે છે.
ખાંડ-નમક નહીં
શુગર અને સૉલ્ટ એ બન્ને કોઈ પણ ખોરાકને ઝેર બનાવી દે છે. કેરીના રસની ખટાશને ઓછી કરવા માટે આ બે ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે જે નુકસાનકારક છે. રસ ખાટો હોય તો ખાવો જ ન જોઈએ. માત્ર સ્વાદની ખટાશ દૂર કરવાથી ખાટી કેરીના ગુણધમોર્ બદલી શકાતા નથી.
રસની સાથે ફજેતો પણ ખાઓ
સ્વાભાવિક રીતે રસ-પૂરી કે રસ-રોટલીનું જમણ હોય ત્યારે મોટા ભાગે શાક-દાળ તો બાજુમાં જ રહી જાય. એટલે જ રસની સાથે ફજેતો બનાવવાની પ્રથા પડી છે. ભારે રસની સાથે દાળ ખાવામાં આવે તો એ અગેઇન ભારે પડે, પણ ફજેતો પાતળો હોય છે. કેરીનું પાતળું પાણી, દહીં, ચપટીક ચણાનો લોટ મેળવીને બનાવેલી કઢી એટલે ફજેતો. એમાં આગળપડતી હિંગનો વઘાર કરવો. એનાથી કેરીનો રસ વાયડો પડતો અટકે છે.
વધુ રસ ખવાઈ જાય તો?
ભાવતી ચીજ હોવાને કારણે કેરીનો રસ ભરપેટ પીવાઈ જાય પછી ખરી અકળામણ શરૂ થાય છે. બને ત્યાં સુધી રસ ખાવામાં કન્ટ્રોલ રાખવો એ જ હિતકારી છે. એ છતાં જો વધુ ખવાઈ જાય તો આકળવિકળ થવાને બદલે સૂંઠ, પીપરીમૂળ, જીરું, સિંધવ અને ખડી સાકર મિક્સ કરીને એક ચમચી જેટલું ચૂર્ણ પાણી સાથે લેવું. આમ કરવાથી રસનું પાચન થવામાં સરળતા રહેશે. જોકે હંમેશાં વધુ રસ ખાઈને પછી આ ચૂર્ણ ફાકી લેવાનો નુસખો ઠીક નથી.

