નક્સલવાદી આંદોલન સરકારની નીતિને કારણે જીવંત, એની વિચારધારા-અભિગમને કારણે નહીં

ADVERTISEMENT
એમ કહેવાય છે કે આંદોલનોનું આયુષ્ય ૨૫ વર્ષથી વધારે નથી હોતું. પંજાબમાં સિખોનું ખાલિસ્તાન માટેનું આંદોલન ૧૫ વર્ષમાં સંકેલાઈ ગયું હતું. આસામમાં વિદેશીઓ વિરુદ્ધનું આંદોલન એનાથી પણ ઓછા સમયમાં, આઠ વર્ષમાં સંકેલાઈ ગયું હતું. બ્રિટનમાં અલગ આયર્લેન્ડ માટેનું આંદોલન આમ તો સો વર્ષ જૂનું છે, પરંતુ એણે એનો પ્રાણ દાયકાઓ પહેલાં ગુમાવી દીધો છે. અલગ કાશ્મીર માટેનું આંદોલન ૨૫ વર્ષમાં વિરમી ગયું છે. શ્રીલંકાના તામિલોનું આંદોલન ૨૮ વર્ષમાં સમેટાઈ ગયું છે. રામજન્મભૂમિ માટેના અયોધ્યા આંદોલને એક દસકો પણ પૂરો નહોતો કર્યો. તામિલનાડુમાં દ્રવિડ આંદોલન પણ ૨૫ વર્ષમાં રસ્તો ચૂકી ગયું હતું અને છેવટે સમેટાઈ ગયું.
ભારતની આઝાદી માટેના આંદોલનમાં એકથી દોઢ દાયકાનો ઇન્ટરવલ પડતો રહેતો હતો. ભૂદાન આંદોલને ૨૦ વર્ષ પૂરાં નહોતાં કર્યા આનું દેખીતું કારણ એ છે કે લોકમાનસ સતત આંદોલિત નથી રહી શકતું. રોજેરોજની અસ્થિરતાને કારણે લોકો કંટાળી જતા હોય છે. આ ઉપરાંત આંદોલનનું નેતૃત્વ કરનારા નેતાઓમાંના મોટા ભાગના નેતાઓ શીલ અને મૂલ્યોને લાંબા સમય સુધી જાળવી શકતા નથી. તેમની શિથિલતા અને સ્ખલનો લોકો સામે પ્રગટ થઈ જતાં હોય છે. તેઓ લોકોની અપેક્ષા પૂરી કરી શકતા નથી. આમાં પણ આંદોલન જો ભૂગર્ભમાંથી ચાલનારું હિંસક હોય તો એની આયુમર્યાદા હજી ઓછી હોવાની.
પરંતુ ભારતમાં ચાલી રહેલું એક આંદોલન એવું છે જેણે આ થિયરી ખોટી પાડી છે. એ છે નક્સલવાદી આંદોલન. પશ્ચિમબંગમાં છેક ઈશાન ખૂણે જ્યાં નેપાલ અને બંગલા દેશની સરહદ મળે છે ત્યાં આવેલા નક્સલબારી ગામમાં ૧૯૬૭ની ત્રીજી માર્ચે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના દોઢસો કાર્યકરોએ સ્થાનિક ખેડૂતો સાથે મળીને જમીનદારોના કોઠાર લૂંટી લીધા હતા. આ ઘટના બની ત્યારે બંગલા દેશ હજી પૂર્વ પાકિસ્તાન હતું, નેપાલમાં રાજાશાહીની પકડ મજબૂત હતી અને પશ્ચિમબંગમાં કૉન્ગ્રેસનું રાજ હતું. અનુક્રમે પૂર્વ પાકિસ્તાન, રાજાશાહી અને કૉન્ગ્રેસરાજ ક્યારનાં સમાપ્ત થઈ ગયાં છે; પરંતુ નક્સલી આંદોલન આજે પણ ચાલી રહ્યું છે.
નક્સલી આંદોલન શરૂ થઈને ૪૫ વર્ષ વીતી ગયાં છે અને એમાં ઓટ આવવાની જગ્યાએ એ ઊલટું વિસ્તરી રહ્યું છે. સરકારી ગુપ્તચર સંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ (રૉ)ના ૨૦૦૬ના અહેવાલ મુજબ દેશમાં ૨૦,૦૦૦ સશસ્ત્ર અને બીજા પચાસ હજાર સાધારણ નક્સલી કાર્યકરો સક્રિય છે. આ અહેવાલ પછી વડા પ્રધાને નક્સલવાદી આંદોલનને દેશ સામેના સૌથી મોટા આંતરિક પડકાર તરીકે ઓળખાવ્યું હતું. નક્સલવાદીઓ પશ્ચિમબંગ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિસા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના મળીને કુલ ૧૮૦ જિલ્લાઓમાં સક્રિય છે. ગૃહમંત્રાલયના અહેવાલ મુજબ ૨૦૧૦માં નક્સલી હુમલાની કુલ ૧૯૯૫ ઘટનાઓ બની હતી જેમાં ૯૩૭ નાગરિકો, ૨૭૭ પોલીસમેનો અને ૧૬૭ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
જ્યારે કોઈ આંદોલન સરેરાશ ૨૫ વર્ષથી વધારે ટકી શકતાં નથી અને હિંસક આંદોલનોનું આયુષ્ય તો એ કરતાં પણ ઓછું હોય છે ત્યારે નક્સલવાદી આંદોલન હિંસક હોવા છતાં ર્દીઘજીવી નીવડવાનું કારણ શું હશે? આનું સૌથી મોટું કારણ એ છે કે જંગલમાં વસતા ગરીબ આદિવાસીઓને નક્સલવાદીઓનો સાથ નહીં છોડવા માટેનાં કારણો સરકાર આપતી રહે છે. વિકાસના કોઈ લાભ આદિવાસીઓને ન મળે અને તેમનાં પોતીકાં સંસાધનો નજર સામે લૂંટાતાં હોય ત્યારે તે નક્સલવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે એમાં કોઈ આશ્ચર્ય ખરું? કોઈ પણ આંદોલન ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી લોકોનો એને ટેકો મળી રહે. લોકોના ટેકા વિના ભૂગર્ભમાં સંતાઈને રહેવું અને હિંસા કરવી એ શક્ય નથી. પોલીસ નક્સલવાદીઓ સુધી એટલા માટે નથી પહોંચી શકતી કારણ કે લોકો પોલીસને તેમના સુધી પહોંચવા નથી દેતા. જીવનમાં સ્થિરતા હોય જ નહીં તો આંદોલન દ્વારા નીપજતી અસ્થિરતાથી ત્રાસવાનું રહેતું નથી. આપણને ગમે કે ન ગમે, ગરીબ આદિવાસીઓ નક્સલવાદી આંદોલનકારીઓ સાથે છે એ એક હકીકત છે.
નક્સલવાદી આંદોલનના ર્દીઘાયુનું બીજું કારણ એ છે કે નક્સલવાદીઓ આર્થિક ન્યાય સિવાયના બીજા કોઈ મોટા દાવા કરતા નથી. તેઓ ખૂબ ભણેલા છે, સાદગીથી જીવે છે, લોકોની વચ્ચે રહે છે, તેમના જેવી જ જિંદગી જીવે છે, અંગત પરિગ્રહ કરતા નથી. અસાધારણ લાયકાત અને ત્યાગી હોવા છતાં તેઓ નૈતિકતાના દાવા કરતા નથી અને માટે તેમને ઢોંગ કરવો પડતો નથી કે ખોટું કરતાં પકડાઈ જવાનો કે ઉઘાડા પડી જવાનો તેમને ડર નથી.
એક સાધારણ માનવીમાં જે મર્યાદાઓ હોય છે એ તમામ મર્યાદાઓ તેમનામાં પણ છે, પરંતુ તેઓ એને છુપાવતા નથી. આદિવાસીઓને નક્સલવાદીઓ તેમના જેવા જ લાગે છે, એટલા જ પામર અને એટલા જ મહાન.
ઉપરથી ઉચ્ચ શિક્ષિત અને ત્યાગી.
નક્સલવાદી આંદોલનના ર્દીઘાયુનું ત્રીજું કારણ એ છે કે આ આંદોલન કોઈ એક રાષ્ટ્રીય સંગઠન દ્વારા ચલાવવામાં નથી આવતું. જેટલું સંગઠન વિશાળ એટલા મતભેદો વધુ અને મતભેદો સંગઠનને અને કામને કમજોર બનાવે છે. ૧૯૬૭માં નક્સલબારીમાં હિંસાની પહેલી ઘટના બની ત્યારે એનું નેતૃત્વ કરનારા યુવકો માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ (સીપીએમ)ના સભ્યો હતા. સીપીએમે જલદ ક્રાન્તિકારી માર્ગ અપનાવનારા યુવકોને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. ચારુ મઝુમદાર, કનુ સાન્યાલ અને જંગલ સંથાલના નેતૃત્વ હેઠળ એકઠા થયેલા ડાબેરી યુવકોએ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ - એમએલ)ની સ્થાપના કરી હતી. તેમનો ઇરાદો સીપીઆઇ (એમએલ)ને ક્રાન્તિકારી રાષ્ટ્રીય સંગઠન બનાવવાનો હતો, પરંતુ બહુ જલદી તેમની વચ્ચે મતભેદો થવા લાગ્યા હતા. અમીબાની માફક ટુકડા થતાં-થતાં અત્યારે ૨૫થી વધુ નક્સલવાદી સંગઠનો અલગ-અલગ પ્રદેશોમાં કામ કરી રહ્યાં છે.
નક્સલીઓ માટે અમીબાની અવસ્થા ફાયદારૂપ નીવડી છે. દેશના ૧૮૦ જિલ્લાઓમાં પચીસથી વધુ સંગઠનો સ્વતંત્ર રીતે કામ કરે છે. તેમની વચ્ચે ખાસ્સી વૈચારિક સમાનતા છે અને થોડા મતભેદો પણ છે. રણનીતિની બાબતમાં પણ તેમની વચ્ચે મતભેદો છે. આમ છતાં તેમને એક રણનીતિ માફક આવી ગઈ છે. એ રણનીતિ છે અલગ-અલગ કામ કરવાની. એક સમયે તેમણે એકતાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એમાં તેમને સફળતા મળી નહોતી. હવે તેમણે એકતાના પ્રયાસ છોડી દીધા છે. તેઓ એમ માને છે કે ૨૦૨૫ની સાલ સુધીમાં દિલ્હીની બુર્ઝવા સરકારને ઊખેડી ફેંકવાનો અવસર આવશે અને ત્યારે ક્રાન્તિકારી સંગઠનો વચ્ચે એકતાની જરૂર પડશે.
હિંસક ક્રાન્તિ દ્વારા દિલ્હીની સરકારને ઊથલાવી દેવાની તેમની કલ્પના શેખચલ્લીના સપના જેવી છે. આંદોલન ૪૫ વર્ષથી ચાલી રહ્યું છે અને ગરીબ, શોષિતજનોનો એને ટેકો છે એ વાત સાચી, પરંતુ હિંસા દ્વારા ક્રાન્તિ થઈ શકે એ શક્ય નથી અને ભારતમાં તો બિલકુલ શક્ય નથી. ચીન, રશિયા અને જગતના તમામ દેશોમાં હિંસક ક્રાન્તિ નિષ્ફળ નીવડી છે. ખુલ્લા અહિંસક લોકઆંદોલનમાં જે શક્તિ છે એ ભૂગર્ભમાં રહીને ચાલતા હિંસક આંદોલનમાં નથી હોતી. રશિયા અને પૂર્વ યુરોપમાંના સામ્યવાદી શાસકોને લોકઆંદોલનોએ ઝુકાવ્યા છે. પાડોશમાં મ્યાનમારના લશ્કરી સરમુખત્યારોને ૨૫ વર્ષ જેલવાસ ભોગવ્યા પછી અહિંસક માર્ગે અંગ સન સૂ કીએ ઝુકાવ્યા છે.
ટૂંકમાં વાતનો સાર એટલો જ કે નક્સલવાદી આંદોલન સરકારની નીતિને કારણે જીવંત છે, એની વિચારધારા અને અભિગમને કારણે નહીં.

