પેઇનકિલર તરીકે અફીણ વપરાય?
આયુર્વેદનું A 2 Z
ADVERTISEMENT
સેજલ પટેલ
થોડાક દિવસ પહેલાં જ આસારામ બાપુના જૂના વૈદ્ય અમૃત પ્રજાપતિએ એક ટીવી-ચૅનલ પર ભાંગરો વાટી નાખ્યો હતો કે બાપુ વષોર્ પહેલાં તેની પાસેથી અફીણવાળી દવાઓ બનાવડાવતા હતા અને મોટા ભાગની આ દવાઓ સેક્સવર્ધક ગુણ ધરાવતી હતી. બીજી તરફ આસારામના દીકરાએ ચોખવટ કરી હતી કે પિતા ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એટલે કે ત્રિનાડી શૂળની તકલીફ માટે અફીણ લે છે. જરા યાદ કરી લઈએ કે સલમાન ખાન પણ આ રોગથી પીડાય છે અને એ માટે તે વિદેશ જઈને ગામા નાઇફ રેડિયો સર્જરી કરાવી આવ્યો છે. ચહેરા પરથી પસાર થતી ત્રણ નવ્ર્સની આ બીમારી ખૂબ જ પીડાદાયક હોવાથી આસારામને નછૂટકે આ ગોળીઓ લેવી પડતી હોવાની વાત પણ બાપુના દીકરાએ કરેલી, પણ મેડિકલ ચેક-અપ બાદ ડૉક્ટરોનું કહેવું છે કે આસારામને આવો કોઈ રોગ જ નથી.
કોની વાતમાં કેટલું સત્ય છે એ તો રામ જાણે; પણ અફીણનો દવા તરીકે કેવો, કેટલો અને ક્યારે ઉપયોગ થાય છે અથવા તો કરવો જોઈએ એ બાબતે જાણી લેવું આપણા માટે ખૂબ અગત્યનું છે.
આયુર્વેદમાં અફીણ
કહેવાય છે કે આયુર્વેદમાં વષોર્થી ઉત્તમ પીડાશામક દવા તરીકે અફીણનો ઉપયોગ થતો આવ્યો છે એટલે અફીણ તો લેવાય, એમાં કંઈ ખોટું નથી. આ માન્યતા ખૂબ જ જોખમી છે એવું કહીને ઉમેરતાં આયુર્વેદાચાર્ય ડૉ. રવિ કોઠારી કહે છે, ‘અફીણ એ ઍડિક્ટિવ ચીજ છે. પૌરાણિક કાળમાં પણ નિષ્ણાત વૈદ્ય ત્યારે જ દરદીને અફીણ આપતો જ્યારે દરદીને રાહત આપવા માટે બીજો કોઈ જ વિકલ્પ ન બચ્યો હોય. આ આયુર્વેદનું અક્સીર ઍનલ્જેસિક ઔષધ છે. એટલે કે ઍનેસ્થેસિયા જેવું કામ એ આપે છે. પીડા છતાં પીડાનો અહેસાસ ન થાય. જોકે આ એટલું બેધારી તલવાર જેવું દ્રવ્ય છે કે એને ખૂબ માપીતોલીને વાપરવું પડે. યોગ્ય સમયે કયું ઔષધ કારગર નીવડશે એ પારખવાની દૃષ્ટિના અભાવે લોકો અફીણને હાથવગો અને સરળ પીડાશામક ઉપચાર માનવા લાગ્યા છે. બાકી આયુર્વેદમાં પીડાશામક દવાઓની કોઈ અછત નથી. એનો દવા તરીકે પણ યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે એ જરૂરી છે. નહીંતર દવાનું પણ ઍડિક્શન થઈ જાય છે.’
અફીણ શું છે?
ખસખસ જે છોડ પર ઊગે છે એ જ કુળની વનસ્પતિ છે અફીણ. એના નાના કિડની શેપના ઝીણા દાણા થાય છે. ખસખસમાં પણ થોડાક અફીણના ગુણ છે જેને કારણે ખસખસવાળા લડ્ડé કે મીઠાઈઓ ખાધા પછી તરત ઊંઘ આવે છે. ભારતમાં ક્યાંય પણ અફીણની ખેતી કરવી હોય તો એ માટે લાઇસન્સ હોવું જરૂરી છે. ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જે પણ ફાર્મસીઓ દવામાં અફીણનો ઉપયોગ કરે છે એની પણ માત્રાવાર સ્પષ્ટતા અને લાઇસન્સ હોય છે. એટલા ક્વોટા મુજબનું જ અફીણ તેઓ ખરીદી શકે છે.’
અફીણ લીધા પછીની અસર
અફીણનું અંગ્રેજી નામ છે ઓપિયમ. એમાં ખાસ પ્રકારના આલ્કલૉઇડ્સ રહેલાં છે, જે અફીણ લીધા પછી લોહીમાં ૨૪થી ૪૮ કલાક સુધી રહે છે. એટલે રોજેરોજ અથવા તો આંતરે દિવસે પણ અફીણ લેવાની આદત પડી જાય તોપણ એ ઍડિક્ટિવ થઈ જાય છે. થોડાક સમય પછી એ આલ્કલૉઇડ્સ વિના શરીરને ચાલે જ નહીં એવી હાલત ઊભી થઈ જાય છે. શરૂઆતમાં અફીણથી ખૂબ જ ઉન્માદ અને ઉત્તેજના અનુભવાય છે. લાગણીઓ બુઠ્ઠી થઈ જાય છે. પીડા અને તાણનો અહેસાસ નથી રહેતો. ઉંઘરેટાપણું લાગે, ભૂખ મરી જાય, પુષ્કળ પસીનો થાય, આંખે ધૂંધળું દેખાય, મોં સુકાય, ત્વચા પર ખંજવાળ આવે, ઊલટી જેવાં લક્ષણો પણ જોવા મળે.
કેવી-કેવી દવાઓમાં વપરાય?
અફીણનો બે પ્રકારની દવાઓમાં મુખ્ય ઉપયોગ છે. એ વિશે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘એક તો પીડાશામક દવાઓ અને બીજું શીઘ્રસ્ખલનની સમસ્યા માટેની દવાઓ. પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન માટેની આયુર્વેદિક દવાઓના નામે મળતી મોટા ભાગની દવાઓમાં અફીણ હોય છે. શરૂઆતમાં એનાથી પુરુષોને પફોર્ર્મન્સ સુધરી ગયો હોવાનું ફીલ થાય છે. સંભોગ લાંબો ચાલી શકે છે. જોકે આ દવાઓની અસર એટલી ખરાબ હોય છે કે પછી આ દવાઓ બંધ કરતાં જ પાછી તકલીફ શરૂ થઈ જાય છે એટલું જ નહીં, થોડાક સમય પછી દવાઓના ડોઝમાં પણ સતત વધારો કરતા રહેવું પડે છે. આગળ જતાં દવાઓ લેવા છતાં ઉત્તેજના આવવામાં તકલીફ થવાની સંભાવનાઓ પણ વધે છે.’
કૅન્સરના દરદીઓને લાસ્ટ સ્ટેજમાં જ્યારે અસહ્ય પીડા થાય ત્યારે ઓપિયમમાંથી બનાવેલી મૉર્ફિન જેવી ડ્રગ્સ આપવામાં આવે છે. કૅન્સર-પેશન્ટ માટે આ કદાચ વરદાનરૂપ છે, પણ સામાન્ય પીડામાં પણ અફીણનો ઉપયોગ કરવાની આદતથી મગજ, કિડની, લિવર અને ફેફસાં જેવા વાઇટલ અવયવોને નુકસાન થાય છે.
આડઅસરો શું થાય?
પ્રમાણભાન વિના જો અફીણ લેવામાં આવે તો એની શરીરના વાઇટલ અવયવો પર માઠી અસર થાય છે. વજન ઘટે છે, માંસપેશીઓમાં નબળાઈ આવે છે, રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે, શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ શરૂ થાય છે, પુષ્કળ કબજિયાત થાય છે, ધૂની સ્વભાવ થઈ જાય છે, ચીડિયો અને અનપ્રિડિક્ટિવ નેચર થઈ જાય છે, ફેફસાં-લિવર-કિડની-બ્રેઇન ડૅમેજ થઈ શકે છે. વધુ માત્રામાં એકસામટું લેવાથી જીવ પણ જઈ શકે છે.

